એક વાત…..


થોડો સમય થઇ ગયો આ વાત ને. છતાંપણ આ વાત મારા મગજમાંથી ખસતી નથી. આ વાતને લઈને ઘણીવાર મારું મન ચકરાવે ચઢી જાય છે. ઘણી વખત વિચારું છું કે આમાં શું સાચું ને શું ખોટું.

વાત આમ હતી :

અમારા ઘરની બાજુમાં એક કુટુંબ રહેતું હતું. સરસ મિલનસાર સ્વભાવ, માયાળુ વ્યક્તિઓ હતા. એમના ઘરે માત્ર કેમ છો કહેવા જાઓ તો પણ તમને ચા પીવડાવ્યા સિવાય પાછા ન જવા દે. તેમની દીકરી  સાથે મને પણ દોસ્તી થઇ ગયેલ.  ઘણીવાર એ પણ મારી પાસે આવતી, બેસતી, વાતો કરતી . એની વાતો હાસ્ય થી ભરપુર હોય. ક્યારેય એને ઉદાસ જોઈ જ નહોતી.

એકવાર તે મારી પાસે આવી. આજે તેનો મૂડ રોજ કરતા અલગ જણાતો હતો. તે થોડી ઉદાસ હતી જાણે મનમાં કોઈ સંઘર્ષ ચાલતો હોય, કોઈ મથામણ હોય, શું કરવું શું ન કરવું તેની ગડમથલ હોય એવું જણાતું હતું. મેં તેને થોડી હળવી કરવા પ્રયત્ન કર્યો. છેવટે તેણે મને તેના મનની વાત જણાવી. તેણે મારી પાસે સલાહ માગી પોતાની મૂંઝવણ માટે.

તેણે મને જે વાત કરી તે આ પ્રમાણે હતી.

 તેમના ઘરની સ્થિતિ સામાન્ય હતી. તેના માતા-પિતાનો મકાન ખરીદવાનો જરાપણ વિચાર ન હતો. પણ પરાણે આ મકાન લેવી પડ્યું હોય તેવી બાબત બની હતી.

 તેના પિતા એક સામાન્ય નોકરિયાત હતા. ઘરમાં પત્ની તથા બાળકોની તમામ જવાબદારી તથા ગામડે રહેતા પોતાના માતા-પિતાની જવાબદારી પણ તેમના ઉપર જ હતી. સમજો કે તેઓ પોતે બે ઘરનું એક નોકરી માંથી જ પૂરું કરતા હતા. કોઈપણ જાતની વધારાની આવક ન હતી. અને આ ક્રમ હજી પણ ચાલુ જ છે.

ગામડે ઘર છે એટલે તેઓને ક્યારેય મકાન લેવાનો વિચાર સુદ્ધા નહોતો આવ્યો.

ગામડે જે ઘર છે તે વર્ષો જુનું છે. એણે થોડું સમારકામ કરાવી દઈએ તો મકાન સરસ થઇ જાય તેમ હતું. તેમજ ગામડે રહેતા માતા-પિતા પણ શાંતિથી રહી શકે. જો મકાન નું સમારકામ કરાવવું હોય તો તે માટે લોન લેવી પડે. અને મકાન હતું ગામડે રહેતા માતા-પિતાના નામ પર. જો લોન લેવી હોય તો મકાન તેમના પોતાના નામ પર હોવું જરૂરી હતું. જો તે મકાન માતા-પિતા તેમના દીકરાના નામ પર કરી આપે તો તે મકાન પર લોન મળી શકાતી હતી.

આ બધો વિચાર કરીને તેઓ ગામડે ગયા હતા. સવારે જઈને સાંજે પાછા આવી ગયા હતા.

અને બીજા જ દિવસથી તેઓ નવા બનતા મકાનની શોધમાં લાગી ગયા. અને છેવટે તેમને આ સોસાયટીમાં મકાન મળી જતા જરૂરી પૂજા પતાવીને રહેવા આવી જાય છે.

તો મેં તેમની દીકરીને પૂછ્યું કે આમાં ઉદાસ થવા જેવું શું છે. તો તેણે જે જવાબ આપ્યો તે આ પ્રમાણે હતો:

“મારા પપ્પા જયારે વાત  કરવા માટે મારા દાદા-દાદી પાસે ગયા ત્યારે દાદા-દાદીએ બધી વાત સાંભળી લીધા પછી જવાબ માં એટલું જ કહ્યું કે અમે તારા નામ પર મકાન કરી દઈએ તો પછી અમે ક્યાં રહેવા જઈએ? તારા નામ પર મકાન થઇ જાય પછી તું તો અમને કાઢી મુકે.”

આટલું સાંભળતા જ તેના પપ્પા ગામડે થી પાછા વળી ગયા. ઘરે આવીને તેઓ પોતે મમ્મી આગળ વાત કહેતા કહેતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેમણે ક્યારેય પણ પોતાના મનમાં ભેદભાવ લાવીને “આ મહીને માતા-પિતા પૈસા વગર ચલાવી લેશે, આ મહીને તેમને પૈસા નથી મોકલવા” પૈસા ના મોકલ્યા હોય એવું નથી બન્યું. ઉપરથી ક્યારેક બાળકો ની જરૂરિયાત અપૂરતી રાખીને તેમેને પૈસાની સગવડ કરી આપી છે.

મમ્મીએ પણ પપ્પાને દાદા-દાદીની જવાબદારી પૂરી કરવામાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. એણે પણ ક્યારેય પોતાનું મોઢું વાંકું નથી કર્યું. અને એટલા જ પ્રેમથી પોતાની જવાબદારી ઉઠાવી છે. તે પણ આ બધું સંભાળીને સ્તબ્ધ થઇ ગઈ. થોડી વારે ક વળતા તેણે પપ્પાને હિંમત બંધાવી.

 અને એ જ દાદા-દાદી જયારે બદલામાં આવા શબ્દોનો પ્રયોગ કરે તો શું કરવું?

અને આટલેથી ન અટકતા જયારે ઘરમાં પૂજા હતી ત્યારે પણ તેમના શબ્દો તો એ જ હતા કે “અમે પણ જોઈએ છે કે તમે આ ઘરમાં કેટલું રહો છો?”

આ સંપૂર્ણ વાતની ખબર તેમની દીકરીને હમણાં જ પડી. તે પોતાના દાદા-દાદી પર ખુબ ગુસ્સે થઇ ગઈ. ત્યારે તેના માતા-પિતા એ એટલું જ કહ્યું, “એમણે જે કર્યું તે કર્યું, પણ તમારે બંને બાળકો એ દાદા-દાદી ના માન માં જરાપણ ઘટાડો નથી કરવાનો. તમારે તો તેમને પહેલા જેટલું જ વ્હાલ કરવાનું છે. અને તેઓની ના આજે આપણા માટે આશીર્વાદરૂપ બની છે. તેઓની “ના” એ જ આપણ ને આ મકાન ખરીદવાની હિંમત આપી છે. નહીતર શું આપણા માં આ તાકાત હતી કે આટલું મોંઘુ મકાન આપણે ખરીદી શકીએ?”

મેં પણ તેને એમ જ સમજાવી કે તે તેના માતા-પિતાની સલાહ માની લે. મેં પણ માતા-પિતાને જ સપોર્ટ કરતા તેને થોડી રાહત જેવું જણાયું. છેવટે એ જ કાયમનું હાસ્ય તેના ચહેરા પર ફરી વળ્યું.

————————————-

બસ, આ જ વાત મારા મન માંથી ખસતી નથી. ઘણીવાર આપણને એવું સાંભળવા મળે છે કે દીકરો વહુના કહ્યામાં આવી જઈને પોતાના માતા-પિતાને રાખતો નથી, તેમની અવગણના કરે છે, તેમને વૃદ્ધાશ્રમમાં જવાની ફરજ પાડે છે કે પછી તેમને એકલા રહેવા માટે મજબુર કરે છે.

ત્યારે તેનાથી વિપરીત મને આવું જાણવા મળ્યું અને એ પણ આવા સંજોગોમાં.

ત્યારે મને એ જ વિચાર આવ્યો કે, હંમેશા દીકરો જ દોષી નથી હોતો, ક્યારેક માતા-પિતા પણ…….

21 thoughts on “એક વાત…..

 1. સંપત્તિ પર માલીકી અને કોનું નામ છે તે બાબતે સર્વત્ર મોટા ઝઘડા ચાલે છે અને આપે કહ્યું તેમ મા-બાપ અને પુત્ર વચ્ચેના સંબધોમાં પણ તીરાડ પડે છે. આ ઉપરાંત માતા-પિતા પ્રત્યે મતભેદના કારણોમાં અલગ વિચાર સરણી, સતત બીજાને ન ગમતું કહેવું અને સામેનાનું દિલ દુભાયા જ કરે તેવું વર્તન કરવું વગેરે પણ હોય છે.

  અલબત્ત ડાંગે માર્યા પાણી કાઈ જુદા ન થાય. માતા-પિતાએ જે લાડકોડથી ઉછેર્યા હોય તે યાદ આવે તો બધી કડવાશ ભુલી જવાય.

  હું તો એક વાત જાણું – સહુ સારું જેનો અંત સારો.

   1. હ્રદયની ખરી લાગણી હોય માતા-પિતા માટે સંતાનને ડંખ નથી રહેતો. પિતાને અંદરથી ન રહે પણ અહં હોય તેથી બહારથી થોડાક કડક દેખાય, માતા તો તેવું નાટક પણ ન કરી શકે – તે તો પુત્રને ફરીથી છાતીએ વળગાડી દે.

    એટલે તો કહ્યું છે કે: પૂત કપૂત થાય પણ માવતર કમાવતર ન થાય.

   2. અત્યારના સમયમાં કઈપણ બની શકે છે. કોઈપણ કહેવત ખોટી પડે છે.
    જો હૃદયની ખરી લાગણી હોત તો મકાન નામ પર કરવાના મુદ્દે આ પ્રશ્ન જ ઉભો ન થયો હોત.

   3. મકાન બનાવતી વખતે તેમને સલામતીનો ભય લાગ્યો હોય અને તેથી તેવું વર્તન કરી બેઠા, પણ જ્યારે જોયું કે દિકરાની દાનતમાં કશી ખોટ નથી ત્યારે તે ફરી પાછાં સામાન્ય બની જાય છે.

    સ્વાર્થ એટલો ખતરનાક છે કે તે કોઈ પણ સંબધ નથી જોતો. અલબત્ત માતા-પિતા અને પુત્રના સંબધો સામાન્ય થઈ ગયાં પછી પણ વહુના મનમાંથી કડવાશ નહિં જાય – લોહીનો સંબધ નથીને એટલે.

   4. લગભગ ૨૨ વર્ષ સુધી પુત્ર કોઈપણ સવાલ કર્યા વગર પોતાની જવાબદારી નિભાવે અને એના ફળસ્વરૂપે માતા-પિતા તરફથી આવા જવાબની અપેક્ષા ન રાખી શકાય. અને એ પણ ઓછું હોય તેમ જયારે પુત્ર પોતાના નવા મકાનની પૂજા કરાવતો હોય ત્યારે પણ આવા શબ્દો સંભાળવા મળે શું તે યોગ્ય છે? અને તે પણ આશીર્વાદના સ્વરૂપમાં?

    આજે તો એ દાદા આ ધરતી પર નથી. પરંતુ હા, એ દાદી જરૂર છે. હજી પણ એ દાદી નો સ્વભાવ જરાપણ બદલાયો નથી.
    હું એક વાત જરૂર કહીશ કે માતા-પિતા અને બાળક વચ્ચે માન-અપમાન ના હોય પણ હા, સ્વમાન જરૂર હોય.

    અને હા, વહુ પણ એવી ને એવી જ છે. એનો સ્વભાવ જરાપણ નથી બદલાયો. ભલે લોહીનો સંબંધ નથી.

   5. હશે હવે, કો’ક કો’ક ફાલ એવો આવી જાય – તેથી કાઈ બધાને આ વાત લાગુ ન પાડી શકાય. નસીબ દિકરા-વહુના – હવે તેઓ આનંદથી રહે તેવા આશિર્વાદ.

   6. અહી મારી ખુશી કે મારું દુઃખ ક્યાય મહત્વ નથી ધરાવતું, પણ આ વાત યાદ કરતા જયારે તેઓની આંખો ભીની થઇ જાય છે, ત્યારે મને દુઃખ થાય છે.

   7. જગતમાં સહુ કોઈએ શક્ય હોય ત્યાં સુધી પોતાના કર્તવ્યો નીભાવવા જોઈએ – સામેના લોકો ન નીભાવે તો પણ. આપણે આપણાં પેરન્ટ્સ પ્રત્યે માયાળું વર્તન હંમેશા રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.