મારા પપ્પા

લગભગ બે વર્ષ પહેલાની વાત છે.

ઘરનું લાઈટબીલ ભરવાનું હતું. રકમ હતી ૧૪૦૦  રૂપિયા. હંમેશની જેમ પપ્પા લાઈટબીલ ભરવા ગયા. ૫૦૦ રૂપિયાની એક એવી ૩ નોટ તેમેણે કેશિયર ને આપી. ૧૦૦ રૂપિયા પાછા લેવાના નીકળતા હતા. મારા પપ્પા ની પાછળ પણ હજી લાંબી લાઈન હતી. લંચ બ્રેક થવાની તૈયારી હતી. કેશિયરે જરૂરી કામ પતાવીને પપ્પા ને રૂપિયા પાછા આપ્યા.

પપ્પા ઘરે પાછા આવી ગયા. ગણતરી માંડી તો હિસાબમાં રકમ વધારે હતી.  પપ્પાએ આખો પ્રસંગ યાદ કર્યો તો એમને ખ્યાલ આવ્યો કે ભૂલથી  કેશિયરે ૧૦૦ ના બદલે ૫૦૦ ની નોટ પરત કરી હતી. પપ્પાને ખ્યાલ આવ્યો કે કેશિયરને પોતાના ખિસ્સામાંથી રૂપિયા ભરવા પડશે.

તેમણે આ વાત ઘરના બધાને જણાવી. (ઘરની વાત જણાવું તો બધા ને મમ્મી અને પપ્પાએ એવું શિક્ષણ આપ્યું છે કે જીવનના કોઈપણ સંજોગો માં ઈમાનદાર રહો. )

હવે એ સમય એવો હતો કે એક સાંધો ત્યાં તેર તૂટે. થોડીવાર માટે પપ્પા સિવાય ઘરમાં બધાના મન ડગી ગયા. લગભગ બધાનો એકસરખો પ્રતિભાવ, “રહેવા દો, નથી આપવા”.

પપ્પા એ બધાને સમજાવ્યા, ફરી ફરી ને સમજાવ્યા, છેવટે બધા જ પપ્પા ના પક્ષ માં થઇ ગયા. ફરી થી પપ્પા તે ઓફીસ માં ગયા. કેશિયરને પૂછ્યું કે “હિસાબ માં ભૂલ આવે છે?”  કેશિયર નો જવાબ : “તમને કેવી રીતે ખબર?” પછી પપ્પા એ કેશિયરને કહ્યું: “ભઈલા, તે મને ૧૦૦ ના બદલે ૫૦૦ પરત કર્યા હતા. તને તારા બાકીના પૈસા પરત કરવા આવ્યો છું.”

કેશિયર મારા પપ્પાની ઈમાનદારી જોઈ ને ગળગળો થઇ ગયો. એને ઓફીસના અન્ય કર્મચારીઓને પણ આ વાત કરી. બધાએ પપ્પાનો આભાર માન્યો.

પપ્પા ઘરે આવ્યા. ત્યારે એમના ચહેરા પર જે આનંદ હતો તે મને આજે પણ યાદ છે.

કંઈક સારું કર્યાનો આનંદ. કઈ ખોટું નઈ કર્યા નો આનંદ. બસ એક માત્ર સંતોષ. પપ્પાનો સંતોષ જોઇને બધા જ ઘરમાં આનંદિત થઇ ગયા.

ઘરના અન્ય વ્યક્તિઓ ડગી ગયા પણ પપ્પા તટસ્થ રહ્યા. ત્યારથી ઘરના સર્વે એ નક્કી કર્યું કોઈ ખોટો વિચાર મનમાં જ નહિ આવા દેવાનો.

આવા છે મારા પપ્પા. જેમને ક્યારેય કઈ ખોટું કર્યું જ નથી. અને અમને પણ કઈ ખોટું નથી કરવા દીધું. કદાચ કઈ ભૂલ થઇ હોય તો સમજાવીને એનો નિવેડો લાવ્યા છે.

આ એક સાવ સાચી ઘટના છે.