એક વિચાર

હંમેશની જેમ એ જ ઘરેડ………

સવારે ઉઠો, ઘરનું કામ પતાવો, રસોઈ બનાવો, કપડા ધુવો, વાસણ સાફ કરો, છોકરાઓને તૈયાર કરીને સ્કુલે મોકલો, પતિને નાસ્તો કરાવો, પતિનું ટીફીન પેક કરો, સાસુ સસરા માટે બપોરનું ભોજન ઢાંકીને મુકો, પોતે તૈયાર થાઓ, નાસ્તો કરવાનો સમય નથી, નાસ્તો પેક કરો, ટીફીન પેક કરો, ઓફીસ પહોચ્યા પહેલા નાસ્તો પતાવી લેવો કારણ કે ખબર છે ઓફીસ પહોચી ને સમય મળવાનો નથી, પછી ફટાફટ ઓફીસ પહોચો, આખો દિવસ કામ માં, સાંજ પડી ગઈ, રસ્તામાંથી શાક લઇ લો, ઘરે પહોચો, ત્યાં બાળકો ઘરે આવી ગયા હોય, સાંજ નું જમવાનું બનાવો, બધા જમી લે પછી વાસણ સાફ કરો, બાળકો ને હોમવર્ક કરાવવાનું, આ બધું પતે એટલે પતિ  મહાશય તૈયાર  જ  હોય, તેમની  ફરમાઇશ  પૂરી  કરો, થાક્યા  પાક્યા  સુઈ  જાઓ, ફરીથી સવાર  પડે  છે  અને  ફરી થી એ જ ઘરનું કામ પતાવો, રસોઈ બનાવો…..

આમ જોઈએ તો આમાં અજુગતું કશું જ નથી, લગભગ દરેક સ્ત્રી આ કામ કરતી જ હોય છે, અને તે પણ એક જવાબદારી સમજીને. પોતાની વ્યક્તિઓ માટેની જવાબદારી.

મને ઘણી વાર એમ થાય છે કે પુરુષ ને ઘર કેમ સંભાળવાનું હોતું નથી?  પુરુષ કાં તો પેપર વાંચતો બેઠો હશે કાં તો ટીવી જોતો. શું પુરુષ નોકરી કરીને એટલો થાકી જાય છે કે એને ઘરે આવીને માત્ર આરામ જ કરવાનો હોય? સ્ત્રીને થાક જ નથી લાગતો? ઘરે આવીને પણ એનું કામ તો ચાલુ જ હોય છે.

ક્યારેક મને એવું થાય છે કે શું આ બધું જ માત્ર સ્ત્રીએ જ કરવાનું? શું પુરુષ તેમાં સહભાગી થઈને સ્ત્રીનો થોડો ભાર હળવો ન કરી શકે?

જેમ કે, વાસણ સાફ કરી શકે, બાળકોને તૈયાર કરી શકે, રસોઈ માં થોડી મદદ, બાળકોને હોમવર્ક કરાવવું….

આવા થોડા કામ તો પુરુષ કરી જ શકે ને? સ્ત્રી ને પણ થોડો આરામ મળી જશે.

કે પછી સ્ત્રી ને આરામ જેવું કઈ હોતું જ નથી?  માત્ર પોતાની ફરજ જ નિભાવવાની?  

આજ ના સમય માં જોઈએ તો સ્ત્રી પણ નોકરી કરતી થઇ છે. પતિને સાથ આપવા કહો કે ઘરનું ગાડું ગબડાવવા કહો પણ સ્ત્રીની નોકરી જરૂરી થઇ ગઈ છે. (એ વાત અલગ છે કે સ્ત્રી પોતાની આત્માનિર્ભરતા કે સમય નો ઉપયોગ કરવા માટે નોકરી કરતી હોય.)

સ્ત્રી ભલે નોકરી કરતી થઇ હોય, પોતાન પગ પર ઉભી હોય, પરંતુ આજે પણ મને એવું લાગે છે કે સ્ત્રી વર્ષો પહેલા જ્યાં હતી ત્યાં જ છે. એની પરિસ્થિતિ માં કઈ ખાસ ફેર પડ્યો નથી.

આવા સમયે જો પુરુષ તરફથી સ્ત્રી ને થોડો સાથ મળી રહે તો? તો એવું નથી લાગતું કે સોના માં સુગંધ ભળી જાય?