સવારના સાડા દસ થઇ ગયા છે. અગિયાર વાગે સ્કુલમાં પહોંચવાનું છે. ઘરે થી સ્કુલ માં જતા દસ મિનીટ લાગે છે. સમયસર નહિ પહોંચીએ તો પ્રિન્સીપાલ અમને સ્કુલમાં પ્રવેશ નઈ કરવા દે. પ્રાર્થના બહાર ઉભા ઉભા જ કરવી પડશે. ઉપરથી પ્રિન્સીપાલ ખીજાશે એ અલગ.
છોડો વિચારવાનું. ભાઈ અને બહેન બંને સ્કુલમાં જવા માટે તૈયાર થઇ ગયા. જમવાનું બની ગયું છે. બંને ભાઈ બહેન જમવા બેઠા. એટલામાં એક ચકલી આવી. એને પણ જમવાનો સમય થઇ ગયો હતો. એના માળા માં બચ્ચા છે. એમને પણ જમવું છે. બધા નો જમવાનો સમય ભગવાને એક જ કેમ રાખ્યો હશે?
ભાઈ બહેન થોડા ભાત ના દાણા જમીન પર વેરે છે. ચકલી આવીને ભાત ના દાણા પોતાની ચાંચ માં ભરાવીને જતી રહે છે. ભાઈ બહેન ને હાશ થઇ. હવે પાછી તો નહિ આવે ને! પણ તેમની આ “હાશ” થોડી વાર માટે જ હતી. આ વખતે એક નહિ પણ સાથે બીજી બે ચકલીને લેતી આવી. તેમને પણ જમવું હતું!!!!
ફરીથી ભાઈ બહેને ભાત ના દાણા અને સાથે થોડા રોટલીના ટુકડા પણ વેર્યા. ચકલીઓની ફોજ ને તો જાણે મજા પડી ગઈ. દુર બેઠી બેઠી ખિસકોલી પણ આ જોતી હતી!! એને થયું હું શું કામ રહી જાઉં!!!! એ પણ આવી. અને આ શું! ખિસકોલીએ તો કોઈને પણ પૂછ્યા વગર સીધી થાળીમાંથી જ રોટલીની ઉઠાંતરી કરી. 🙂 અને પોતાના બંને હાથ વડે રોટલીને ગોળ ગોળ ફેરવતી ખાવા લાગી.
બંને ભાઈ બહેન આ આખો ખેલ જોઈ રાજી રાજી. બંને જણ તેમને ખવડાવવામાં એટલા ડૂબી ગયા કે પોતાને જમવાનું હજી બાકી છે. સ્કુલમાં પહોચાવાનું છે આ બધું તો જાણે ભૂલી જ ગયા.
ઘડિયાળમાં અગિયારના ટકોરા પડ્યા એટલે ચમક્યા. પ્રિન્સીપાલ યાદ આવી ગયા.
પછી તો અડધું પડધુ ખાઈ ને મૂકી દોટ સ્કુલ ભણી….