એક કવિતા

કવિ શ્રી સુરેશ દલાલ દ્વારા લખાયેલ સુંદર કવિતા

સવારના શિખર પર

વૃક્ષ થઇ ને ડોલતો

મૌન માં મ્હોરતો

નીરવ કલ્લોલતો

કોણ છું, કોણ હતો

કઈ જાણું નહિ

માત્ર માણુ અહી

હું મને ક્યારનો

છલોછલ પ્યાર થી

અકળ ઇતબાર થી

ઉજવું છું મને

હર પળે હર ક્ષણે

હવા પણ રણઝણે

સવારના શિખર પર

દેશ મેરે… દેશ મેરે… યે જાન લે તૂ….

(આ લેખ ૧૨.૧૨.૨૦૧૦ ના રોજ ગુજરાત સમાચાર ની on  line  આવૃત્તિ માં રવિપૂર્તિ માં પ્રગટ થયેલ છે. લેખ ના લેખક જય વસાવડા છે.)

ભારત કેમ ગુલામ રહ્યું? કમનસીબે ક્રાંતિ આપણે ત્યાં કેમ જીત ન બની?

ઇ.સ. ૧૬૧૨.

ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રવેશ કર્યો.

જદુનાથ સરકારના સચોટ તવારિખી વર્ણન મુજબ ૧૮મી સદીના અંત સુધીમાં ભારતમાં દસેક લાખની સંખ્યા ધરાવતો એક આગવો સમુદાય પેદા થયો હતો. જી ના, એ લોકો ભકતજન નહોતા. પણ સૈનિકો હતાં. ધંધાદારી ભાડૂતી સૈનિકો. અત્યારે જાહેર કાર્યક્રમો માટે કામચલાઉ સિકયોરિટીવાળા મળે છે, તેવા જ.

એ વખતના હિંદુ રાજાઓ અને મુસ્લીમ નવાબોએ બીજા તો ઠીક, પોતાના જ ધર્મના રાજાઓ / નવાબો સામે લડવામાં પણ કોઇ જ શરમસંકોચ રાખ્યા નહોતા. પોતાની ધાર્મિક બાબતોમાં દખલ ન થાય, એ ખાતરી મેળવી વેપારી વર્ગે પણ અંગ્રેજોને ખોળે બેસી જવામાં કોઇ છોછ રાખ્યો નહોતો. પહેલાં પૈસો, પછી આસ્થા- દેશ તો ઠીક છે, ત્રીજા ક્રમે.

જગતના ઇતિહાસમાં આટલા મોટા પાયે ભાગ્યે જ નોંધાઇ હોય, એવી ઘટના ભવ્ય ભારતભૂમિ પર ત્યારે નોંધાઇ હતી. આ બાબતનો આપણો વિશ્વવિક્રમ(!) બેજોડ, અતૂટ છે. પૃથ્વી પર કયાંય ચીન પર આવેલા વિદેશીઓ સંગાથે ચીનાઓ લડયા નથી. ફ્રેન્ચો પર તૂટી પડેલા જર્મનો સાથે ફ્રેન્ચ સૈનિકોએ ખભેખભા મિલાવ્યા નથી. આવા ઉદાહરણો લાંબા છે, વાત ટૂંકીટચ છે. ભારતના જ ભાડૂતી, પગારદાર સૈનિકો અંગ્રેજોની નોકરી પર ભારતના જ દેશવાસીઓ સામે લડયા. જનરલ ડાયર જેવાના એક શબ્દ પર અંધાઘુંધ ગોળીબાર કરી નિર્દોષ નાગરિકોને પણ માર્યા. નોકરી ન મળે, તો આ બધા લૂંટફાટ પણ કરે. રાષ્ટ્રભાવના તો શું, પોતાના ગામ માટેની ય વફાદારી જોવા ન મળે! અંગ્રેજોના લશ્કરમાં દર સાત હિંદુ સિપાહીએ એક અંગ્રેજ હતો! આ તો જાણે ‘આવો, અમને ગુલામ બનાવો… મોકળું મેદાન છે!’ જેવી જાહેરાત હતી! (એફ.વાય.આઇ.- આઝાદી પછી અંગ્રેજ વહીવટકર્તા- અફસરો વગેરે ભારત છોડીને મુંબઇથી રવાના થયા ત્યારે કરોડોના દેશ ચલાવતા એ ગોરાઓની કુલ સંખ્યા હતી, આશરે ચાલીસ હજાર ફકત!)

એની સામે સરખાવો, એ જમાનામાં કંઇ ઇન્ટરનેશનલ કોલ તો હતા નહિં, મેસેન્જર ખોલીને ચેટ કરવાની સુવિધા નહોતા. એરોપ્લેન નહોતાં. દુર્ગમ દરિયાઇ માર્ગે મહીનાઓ પછી ભારત પહોંચાતું. ત્યારે વતનથી દૂર સાવ અજાણ્યા મુલકમાં એક પછી એક, પેઢી દર પેઢી સેંકડો અંગ્રેજ અમલદારો, ગર્વનરો, વાઇસરોયો આવ્યા. અલગ-અલગ મિજાજ અને વિચારધારાની ખોપરીઓ આવી. લંડનમાં બેઠેલા રાજા-રાણી કે વડાપ્રધાન અહીં એ શું કરે છે, એ જોવાની પણ કયાં ફુરસદ હતી? ધારો કે, ફુરસદ હોય તો સગવડતા ય કયાં હતી? છતાં ય રોબર્ટ કલાઇવથી લોર્ડ માઉન્ટબેટન સુધીના કોઇ એક અંગ્રેજે સમ ખાવા પૂરતી, ફકત પ્રોફેશનલ ધોરણે થતી નોકરીમાં પણ પોતાના બોસ, પોતાના તાજ સાથે દગાખોરી કરી? એમની વિરૂદ્ધમાં કાવત્રા કરી, સત્તા હસ્તગત કરી?

વિચારવું જરા અઘરી, અટપટી ક્રિયા છે. એટલે આપણાં સ્વદેશી પાચનતંત્રને હજમ થતી હોતી!

* * *

ભારતની હજારો વર્ષોની ગુલામીનું મુખ્ય કારણ બહારથી આવેલા જુલમગારો નહિં, પણ અંદર રહેલાં ‘જુગાડ’કારો છે. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ પણ ટૂંકી વાર્તાઓના સંગ્રહ જેવો હતો, એક સળંગ નવલકથા જેવો નહિં. એમાં મોટાભાગના બહાદૂરો જીવસટોસટની લડાઇ લડયા. પણ સરદાર પટેલે ઘડયું એવા એક, અખંડ બંધારણીય ભારત રાષ્ટ્ર માટે નહિં, પણ પોતપોતાના રજવાડાના માલિકી હક્ક માટે! (ન ગમ્યું? ઇતિહાસ એકસ-રે રિપોર્ટ છે. ન ગમતાં રિપોર્ટ માટે પેથોલોજીસ્ટનો વાંક નથી. દર્દીના બીમાર શરીરની એ જવાબદારી છે!) ખુદ જ જે મુળ ભારતીય શાસક ન કહેવાય, એવા બહાદૂરશાહ ઝફરની જ એમાં આગેવાની હતી! હા, ઝફર બિચારો મુઘલ જીન્સ મુજબ વતનને મહોબ્બત કરતો હતો જરૂર.

ભારતની ગુલામીનું બીજું કારણ પણ જગજાહેર છે. આ પ્રજાને પરલોકમાં અપ્સરાઓ મેળવવાની જેટલી લાલચ છે, એટલું પેશન આ લોકમાં સ્ત્રીઓ મેળવવાનું નથી હોતું! મતલબ, આપણો ઇતિહાસ આક્રમણનો નહિં, સંરક્ષણનો છે. વિજય મેળવવા અને હુમલો ન કરીએ- એ વાતને આપણે ગૌરવમઢયું સન્માનપત્ર બનાવી કાઢયું છે. જીત અહીં ગંદો શબ્દ હોય, એમ સંતોષી નરોને સદા સુખી ચીતરવામાં આવ્યા છે! બાપડો એક અશોક એલેકઝાન્ડરના ફાધરશ્રી જેવી ત્રેવડવાળો નીકળ્યો, ત્યાં તો યુદ્ધનિરર્થકતાના રૂદનથી એને સિંહાસનવાળો સાઘુ બનાવી દેવાયો! સિતમગર બનીને આડેધડ કતલેઆમ કરવાની વકીલાત નથી થતી. પણ સતત સલામતીનો પાલવ પકડીને છૂપાઇ જવાને બદલે નવી જગ્યાએ, નવા વિજયો મેળવવાનું સાહસ તો હોવું જોઇએને! અંગૂઠા જેવડા પ્રદેશોમાં રહેતા બ્રિટિશરોએ અડધી પૃથ્વી ધમરોળી નાખી હતી! ગામડાગામના નવરા રખડુઓ જેવા મંગોલ સરદારો ભારતની છાતી ચીરીને પશ્ચિમ- મઘ્યના રજવાડાઓના અધિપતિ થઇ ગયા હતાં.

વિદ્વાનોએ તારવેલું વૈજ્ઞાનિક સત્ય તો એ છે કે ભારત પોતાની ‘જૂનું એટલું સોનું’ની માનસિકતાને લીધે હરહંમેશ મજબૂત હરીફો સામે હારતું આવ્યું છે. અહીં રાજાઓ હાથીઓ પર સ્લો મોશનમાં મહાલતા હતા, ત્યારે રેવાલ ચાલના ઘોડાઓ પર હરીફો ચડી આવ્યા. તીર-કમાન અને તલવારો સામે તોપો- બંદૂકો આવી. એ માંડ શીખ્યા, ત્યાં બોમ્બ અને મશીનગન! શાયરો ભલે લલકારે, લડવા માટે ફકત હૌંસલા, જઝબા ઇત્યાદિથી જ કામ થતું નથી. હથિયારો જોઇએ. હિંમતની સાથે ચાતુરી પણ જોઇએ. નવતર વિચારો, નક્કર અમલ જોઇએ. જે પ્રજા સતત હારેલાઓના જ ગુણગાન ગાયા કરતી હોય (કારણ કે પૂરતી માત્રામાં જીતની યશોગાથાઓ મળે જ નહિં!) – જેમ કે, સ્પ્રિન્ટ કવીન કોણ- પી.ટી. ઉષા! (રેસ જીતેલી નહિં, ચૂકી ગયેલી… પણ શું થાય- જીતનાર ન મળે ત્યાં સુધી ચલાવી લેવાનું!) એમાં ગરીબીની માફક હારનું પણ ગ્લોરિફિકેશન થઇ જાય! કેમ આપણે ત્યાં ગામડે ગામડે જંગમાં ખપી જનારાના પાળિયા જ જોવા મળે? વિજેતાઓએ કંડારેલા શિલાલેખો કેમ નહિ? માઈન્ડ વેલ, ગમે તેટલી વીરતા હોય, વિજય લાશોનો નથી થતો! જીવતા માણસોનો થાય છે, જે મોકો ઝડપી શકે છે. બહાદૂર પૃથ્વીરાજ ચૌહાણ લીગ મેચો જીત્યા, પણ છટકી જનાર ઘોરીએ ફાઈનલ જીતીને દિલ્હીનું તખ્તાપલટ કરી નાખ્યું!

લાંબા હાથ જ નહિ, લાંબી નજર પણ જોઈએ રાજ કરવા માટે! અંગ્રેજોએ શાતિરદિમાગથી ભારતમાંથી આર્થિક આવકનો એક ગેમપ્લાન દાયકાઓ અગાઉ ઘડયો, અને એનો ચુસ્ત અમલ કર્યો. આપણે સુસ્ત રહ્યા. એવું નથી કે હિંસક પ્રતિકાર જ ન થયો, પણ છૂટોછવાયો થયો. જાણે કેટકેટલા પ્રતિભાશાળી નવલોહિયા બેટસમેનોની વિકેટો ટપોટપ પડતી ગઈ! ૧૮૯૧માં મણિપુરના સેનાપતિ ટિકેન્દ્રજીત હોય કે કે બિહાર (હવે ઝારખંડ)ના બિરસા મુંડા હોય… શહીદે આઝમ ભગતસિંહ હોય કે જાતે મરીને દેશપ્રેમ જગાડવાનો પ્રયત્ન કરનાર મદનલાલ ઢીંગરા હોય- બધા જ ઈટાલીના મેઝિની- ગેરિબાલ્ડી કે રશિયાના લેનિનથી પ્રભાવિત થઈ ગેરિલા (આજના સંદર્ભે છૂપા ત્રાસવાદ/નકસલવાદનું રાષ્ટ્રપ્રેમી સ્વરૂપ) પઘ્ધતિથી યુઘ્ધો કરતા. અલબત્ત, જેહાદી ત્રાસવાદી અને રાષ્ટ્રભક્ત ક્રાંતિકારીનો ફરક એ હતો કે ત્રાસવાદી નિર્દોષો- નિઃશસ્ત્રો પર બહાદુરી બતાવે અને સીધો જ હિંસાનો માર્ગ પકડે. જ્યારે ક્રાંતિકારીનું લક્ષ્ય શોષણખોર કે દોષિત હોય અને હિંસા એમની ફર્સ્ટ નહિ, પણ મજબૂરીમાં લાસ્ટ ચોઈસ જ હોય!

ચાફેકરબંઘુઓ કે અશફાકઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ કે વસંત-રજબ… કેટકેટલી રોમાંચક ગાથાઓ છે, શૂરાપૂરાઓની પણ કરૂણતા એ છે કે બધાનો અંત લગભગ સરખો. ક્રાંતિ નિષ્ફળ ગઈ. ધરપકડ ફાંસી કે કાળા પાણીની (દેશનિકાલની) સજા થઈ. જેલમાં કે અજ્ઞાતવાસમાં બીમારીથી મૃત્યુ થયું. કે દેશ છોડીને ભાગી જવું પડયું. એક પછી એક આ જ ઘટનાક્રમ. કારણ આગળ જણાવ્યા તે જ. આંતરિક કુસંપમાં શક્તિશાળી સંગઠ્ઠન બને નહિ, બને તો દેશના જ સૈનિકો ફક્ત પગાર ખાતર કચડી નાખે. શત્રુઓ જેટલી યુઘ્ધકળાનું કૌશલ અથવા વ્યૂહરચનાની ચાલાકી વિકસે નહિ!

જેમ કે, મહારાષ્ટ્રથી જેનો ચેપ બંગાળ પહોંચ્યો એ સશસ્ત્ર ક્રાંતિ. મૂળ તો ૧૯૦૧માં પ્રમથનાથ મિત્રે ‘અનુશીલન સમિતિ’ કલકત્તામાં બનાવેલી. પ્રવૃત્તિ અખાડાની. કસાયેલા શરીર બનાવવાના. બોમ્બ બનાવવાનું પણ શીખવાનું! વક્રતા એ છે કે આ દુધમલ જુવાનોના શરીર પ્રાચીન અખાડામાં કસાય, ત્યાં તો પશ્ચિમના કસાયેલા દિમાગો નવી ટેકનોલોજી ઘડીને એ શરીરો પલકવારમાં ઢેર થઈ જાય એવા શસ્ત્રો બનાવે! ગેમ ઓવર!

આવી જ ક્રાંતિની ચિન્ગારી ચિત્તાગોંગમાં સુર્જ્યો સેન નામના શિક્ષકમાં પ્રગટી. વિદ્યાર્થીઓ સંગાથે એમણે બહુ તૈયારી કરી ક્રાંતિની પહેલ કરી. બહાદુરી ઠસોઠસ, પણ ચાલાક અંગ્રેજોના ફક્ત એક સાદા આઈડિયા (સિપાઈઓ ૧૮૫૭ની માફક ‘વિપ્લવ’ ન કરે, માટે બંદૂક અને કારતૂસ એક જગ્યાએ ન રાખવા!)ને લીધે ફક્ત ગોળી વિનાની બંદૂક એમને મળી. ક્રાંતિનો વનસાઈડેડ અંત આવી ગયો! સેંકડો આશાસ્પદ યુવાનો હોમાઈ ગયા!

અહીં સુધી જો બરાબર સમજ્યા હો, તો જ સમજાશે કે મહાત્મા ગાંધીનું ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં શું પ્રદાન હતું! જેમ માત્ર પ્રભાતફેરી કે ચરખાથી આઝાદી મળી ગઈ, એ સત્યનું અતિસરલીકરણ (ઓવરસિમ્પ્લીફિકેશન) છે, એમ લોહી રેડાવાથી અંગ્રેજો ડરી ગયાને આઝાદી મળી ગઈ- એ ય ફેન્ટેસી છે. આ વાત મલ્ટીલેયર્ડ છે. જેમાં બ્રિટનના બૌઘ્ધિક વર્ગથી અરવિંદના અઘ્યાત્મ, જર્મનીના હિટલરથી મુસ્લીમ લીગના જીન્નાહ જેવા અઢળક પાસાઓ છે.

પણ વણિકપુત્ર મોહનદાસ કરમચંદ ફક્ત ‘પોતડીદાસ’ ઉપદેશક જ નહોતા. વિચક્ષણ રાજનીતિજ્ઞ પણ હતા જ. ગાંધીજીએ સત્ય પારખી લીઘું હતું કે ગમે તેટલી બેમિસાલ દેશભક્તિ હોય, અંગ્રેજોની સશસ્ત્ર તાકાત અને ભારતીયોના જ ટેકે ચાલતી જડબેસલાક ચબરાકી સામે સતત પરાજય અને શહાદત સિવાય બીજું કશું (જેમ કે, આઝાદી) મળવાનું નથી. બાપુનો માસ્ટર સ્ટ્રોક એટલે જ આવા છૂટાછવાયા છમકલાંને બદલે પહેલા લોકહૃદય સુધી પહોંચે એવો સામાજીક એજેન્ડાના સહારે ‘સ્વરાજ’ની જાગૃતિનો હતો. વિવિધ રંગરૂપમાં વિભાજીત ભારતને પહેલા એકસૂત્રે બાંધવાની ‘જી જાન સે’ કોશિશ કર્યા પછી મહાત્માએ કફ સીરપની માફક ગળામાં તમતમાટ લાવે, પણ ફેફસાંનું ઈન્ફેકશન ન મટાડે એવી હિંસક ક્રાંતિનું (ભારત પુરતું) પરિણામ વગરનું મોડલ છોડી, અંગ્રેજોને એમના જ નિયમોથી હંફાવતું સત્યાગ્રહનું ‘શસ્ત્ર’ અજમાવ્યું.

ભારતને આઝાદી મળી, એમાં મુખ્ય પરિબળ હતું ‘અસહકાર’ ચળવળનું. અંગ્રેજી રાજવટના હાથપગ તો હિંદીઓ જ હતા. એ પેરેલાઈઝડ થઈ જાય, તો રોયલ બ્રેઈન પણ શું કરે? ગાંધીજીએ લડતના અંતિમ તબક્કામાં ભાગલાવાદી ફુવારાની વચ્ચે પણ અસહકારની મશાલ સતત પ્રગટાવેલી રાખી. વિશ્વયુઘ્ધથી થાકેલા અંગ્રેજો કંટાળતા ગયા. અને સાવ નાલેશી થાય, એ પહેલા સમજૂતી કરીને (અને આદતવશ અવળચંડાઈ કરીને) હાશ છૂટયાની અદામાં ભારત છોડી ગયા! ગાંધીજીની બીજી જાદૂઈ કમાલ એ કે સદીઓ નહિ, સહસ્ત્રાબ્દીઓથી રાજાશાહી અને સામંતશાહી નીચે જ ચાલતા દેશને કોઈ અનુભવ વિના આબાદ લોકશાહીમાં એમણે સ્થિર અને ટટ્ટાર ઉભો રાખ્યો, અને એ ‘સગવડ’ને લીધે ચીનમાં માઓને કે પાકિસ્તાનમાં જીન્નાહને ગાળો નથી દઈ શકાતી. પણ પોતાની જ ટીકા કરવાનો વારસાહક બાપુ આપણને આપતા ગયા!

* * *

આશુતોષ ગોવારીકર જબરી મૂંઝવણમાં નાખી દે તેવા માણસ છે. એમની નિષ્ઠા, પ્રામાણિકતા, ગુણવત્તા સલામીને લાયક છે, દાધારંગી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં. પણ એમની ઉમદા ઈરાદા સાથે બનેલી ફિલ્મો અસહ્ય કંટાળાજનક અને હનુમાનના પૂંછડા જેવી લાંબી હોય છે! (એમને એક ક્રાંતિકારી એડિટરની જરૂર છે!) દેશપ્રેમના સબૂત ખાતર એમની ભૂલાયેલી સત્યઘટના પર આધારિત ‘ખેલે હમ જી જાન સે’ સાતમા ધોરણના સમાજવિદ્યા તણા પાઠ જેટલી જ શુષ્ક બની છે. બિચારા આશુભાઈ જોખમી સબ્જેકટસ પર ફિલ્મ બનાવે છે, પણ એ પુરી થાય ત્યાં સુધી બેસવા માટે સાહસની જરૂર પડે છે! ૧૯૩૦ની સાલની વાત એ ૨૦૧૦માં ૧૯૩૦ની જ અદામાં કહે છે. સરવાળે ટ્રેલરમાં જ ફિલ્મની ખબર પડે છે. હાર નિશ્ચિત હોય એવી ક્રિકેટ મેચ પણ કોઈ ન જુએ, તો મુળ વાત પૂરી થયા પછી ઘસડાતી ફિલ્મ કેટલી સહન થાય? ગોવારીકર સર સામાન્યજન સુધી કશો સંદેશ પહોંચાડવા ફિલ્મ બનાવે, પણ એવી રીતે બનાવે કે સામાન્યજન તો એ સંદેશ ઝીલવા માટે ઉત્સાહિત થાય જ નહિ!

પણ આ બઘું તો ફિલ્મ થિએટરમાં જોયા પછી થાય… બિચારા પેલા ચિત્તાગોંગના ક્રાંતિકારીઓ, એમને શું ખબર કે જે દેશ માટે એ લોકોએ કાચી ઊંમરે જીવ કાઢી દીધો- એ નગુણો ને સ્વાર્થી દેશ એમની વાત જાણવા ટિકિટના સો રૂપિયા પણ નહિ કાઢે, અને રાડિયા-રાજાઓને હવાલે થઈ જશે!

ફાસ્ટ ફોરવર્ડ

‘આશુતોષ ગોવારિકર પ્રિમેચ્યોર ઈજેક્યુલેશન (શીઘ્ર સ્ખલન) પર ફિલ્મ બનાવે, તો એ ય ચાર કલાકની હોય!’ (રણવીર શૌરીની તીખી ટવિટ)