ઇન્ડિયાનો અનુભવ

 

 

આ વખતે ઇન્ડિયા જવાનું લગભગ અઢી વર્ષે બન્યું.

એક તો ઘણા સમય પછી જવાનું અને લગભગ પાંચ મહિના જેટલું રોકાણ. ધરતી પર પગ જ નહોતા પડતા એટલી ખુશી હતી.

શરૂઆતમાં બધાને મળી. ખુબ જ મજા આવી. દિલ ખુશ ખુશ થઇ ગયું.

પછી જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ કંઈક અલગ જ વાતાવરણ સર્જાવા લાગ્યું.

સગા-સંબંધીઓ દુર થતા ચાલ્યા. મારા હોવા ના હોવા સાથે ઘણા સગાઓને કોઈ ફરક જ નહોતો પડતો.

ઘણા સંબંધો તૂટી પણ ગયા. કદાચ એ સંબંધો હવે ફરીથી ક્યારેય નહિ જોડાય.

બધાની વચ્ચે રહીને જોયું કે હું તેમની સાથે પણ એકલી જ છું. સંબંધો માત્ર હું ઇન્ડિયા જવું તે સમય પૂરતા જ મર્યાદિત છે.

દરેક પોતાની ધૂન માં મસ્ત છે. બધાના મોઢા પર પૈસાની જ વાત છે. કોઈ મોબાઈલ પર લાગેલું છે. તો કોઈ ફેસબુક પર. સાથે રહેતા કે પાસે બેઠેલા વ્યક્તિથી સહુ અજાણ છે. સૌ પોતાની વર્ચ્યુઅલ દુનિયામાં જ રહેવાનું પસંદ કરે છે. કોઈને નજર સામે દેખાતી વાસ્તવિક દુનિયામાં રહેવું જ નથી. દરેક વ્યક્તિ એકબીજાની માત્ર પૈસાથી જ તુલના કરે છે.

આ બધું જોઇને થોડાક વિચારો આવી ગયા. શક્ય છે કે મારી જેમ તમે પણ કોઈ દિવસ આવો અનુભવ કર્યો હોય. (એટલી જ આશા કે આવા અનુભવ કોઈને ના થાય)

– શું હું ઇન્ડીયા ની બહાર રહું છું એટલે બધાએ એવું જ માની લીધું છે કે હવે પ્રીતિ ક્યારેય પાછી ફરવાની નથી?

– શું હું ઇન્ડિયા જાઉં ત્યારે થોડોક પ્રેમ મેળવવાની આશા ના રાખી શકું કે પછી એ આશ જ ના રાખવી જોઈએ?

– શું સંબંધો માત્ર ગણતરીના જ હોય છે?

– જો સંબંધો માત્ર ગણતરીના જ હોય તો એવા સંબંધોની જરૂરિયાત શી?

– નિઃસ્વાર્થ સંબંધો શું માત્ર વાર્તાઓમાં જ રહી ગયા છે?

– માતા-પિતા સિવાય દુનિયામાં પોતાના કહી શકાય એવા સંબંધો કેટલા?

– આપણે આપના સંતાનોને શું ભવિષ્ય આપી રહ્યા છીએ?

બધા જ સંબંધો જાણે મૃગજળની જેમ માત્ર આભાસી બની રહ્યા છે.

———————————–

આ બધાની વચ્ચે ચહેરા પર સ્મિત લાવે તેવા પ્રસંગો પણ બની ગયા.

મારો એક ભાઈ — જેની સાથે હું સ્કુલ માં ભણતી હતી તે સમયે રાખડી બાંધી ને ભાઈ બનાવેલો તે — તેને લગભગ દસ વર્ષ પછી મળવાનું બન્યું. આ દસ વર્ષ દરમિયાનમાં પત્રવ્યવહાર અને તે પણ રક્ષાબંધનના સમયે ચાલુ જ હતો. બસ આવા જ ભાઈને ત્યાં લગ્નના લગભગ બાર વર્ષ પછી દીકરીનો જન્મ થયો. અને અમારે અચાનક જ મળવાનું બની ગયું. અમે મળ્યા તો પણ એટલા જ પ્રેમ થી. એ જ આત્મીયતા. એ જ લાગણી.

પછી તો અમે ઘણી બધી વાતો કરી. એ પોતે લંડન જઈને પણ આવ્યો તેની વાતો કરી. એ જયારે લંડનથી પાછો આવ્યો ત્યારે તેને પણ સંબંધીઓ સાથે લગભગ મારા જેવા જ અનુભવો થયા. એ પણ સંબંધીઓથી દુઃખી થઇ ગયો.

વિચાર્યું તો લાગ્યું કે સગા-સંબંધીઓ કરતા તો મિત્રો મળવાનો આનંદ વધારે થયો. એ જ લાગણી ને આત્મીયતા થી મળી શકાયું.

———————————-

આ બધા સાથે ભગવાન તરફથી દીકરાના આશીર્વાદ તો મળેલા જ હતા પણ હવે દીકરી ના આશીર્વાદથી પણ નવડાવી દીધી. 🙂 

———————————-

બસ, ખરાબ અનુભવ ભૂલીને સારા સ્મરણો લઈને મારા હર્યા ભર્યા કુટુંબ સાથે મસ્કત પાછી આવી ગઈ. 😀

 

 

 

 

 

 

જરૂરી વાત

 

આપણું બાળક જયારે મોટું થઇ જાય ત્યારે આપણે તેના લગ્ન કરાવી દઈએ છીએ. તેને સુખી કરવા માટે. ક્યારેક એવું બને છે કે લગ્નજીવન દરમિયાન કોઈ નાની અમથી વાત પણ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. અને પછી સર્જાય છે વાદ-વિવાદ અને અંતે બંને છુટા પડી જાય છે.

જો આવી પરિસ્થિતિ ઉભી ના થવા દેવી હોય તો…

મારા મત પ્રમાણે આપણે જયારે બાળકને લગ્ન માટે તૈયાર કરીએ છીએ ત્યારે

જો દીકરો હોય તો તેને સમજાવવું જોઈએ કે — કોઈની બહેન કે દીકરીને લાવી ને તેની જાળવણી કરતા શીખે. આખરે તો તે દીકરાની પાછળ જ આવી છે.

જો દીકરી હોય તો તેને સમજાવવું જોઈએ કે — જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તો તેનો તટસ્થતાથી સામનો કરી શકે.