ગળે પડવું એટલે શું ?

લેખક : અશોક દવે

 રાજકપૂરે ફિલ્મ સંગમમાં તેની પત્ની વૈજ્યંતિમાલા માટે ગાયું હતું,

‘ગલે લગી સહમ સહમ, ભરે ગલે સે બોલતી…’ મોટા ભાગના પરણેલા દેશવાસીઓ અહીં ‘ગલે લગી..’ ને બદલે ગળે પડી… સમજ્યાં હતા અને એટલે ગીત બહુ ઉપડ્યું હતું.

મને નવાઈઓ લાગવાની શરૂઆત થઈ ચૂકી છે કે, ‘ગળે પડવું’ નો મતલબ શું ? ગળે વળગવું સમજી શકાય છે- જો કોઈ પ્રેકિટક્લી વળગી બતાવે તો…! પણ ‘ગળે પડવું’ મારી સમજની સરહદોની બહાર જતી વાત છે. નાના બાળકો માટે ‘ગળુ પડયું, એવું કહેવાય છે. એમાં પણ પૂરી સમજ તો ના પડે કે, ગળુ પડીને ક્યા પડે ? યુઘ્ધભૂમિમાં સૌરાષ્ટ્રના વીર સિપાહીઓનું ગળું કપાઈ જતું, તો માથા વગરનું એકલું ધડ ખુલ્લી તલવારે મારામારીઓ કરતું, એવી ફેંકાફેંક કરીને આપણને મામુ બનાવવામાં આવતા. મેંહાણા બાજુ કોઈ ધીમું બોલતું નથી, એટલે ત્યાં ‘ગળુ ફાડી ફાડીને બોલાય છે,’ એમાં મોટેથી બોલનારાના ગળાં નહી, સાંભળનારાના કાન ફાટી જતા હોય છે. કોઈના રોના-ધોનાની વાત કરવી હોય તો બહેનજીનું ગળું ‘ભરાઈ જતું’ હોય છે, જેમાં કફ, શરદી, ઉધરસ અને સળેખમ સાથે કોઈ લેવા-દેવા હોતી નથી. ગળે ડૂમો ભરાઈ જવો, એવો કોઈ અર્થ થતો હશે, પણ ડુમો એટલે શું….? દ’ઈ જાણે.

મતલબ, આ ગળું પ્રેકટિકલી વપરાયા વગર પણ ઉપર લખ્યું તેમ, અનેક ઉપયોગોમાં લેવાયેલું છે. તો આજે આપણે ગળાનાં વિવિધ ઉપયોગો વિશે ભણીશું.

સંસ્કૃતમાં પેલી બહુ જાણીતી ‘તુંડે તુંડે મતિર્ભિન્ના’નામની કહેવત છે, એટલે કે લમણે લમણે જુદી બુઘ્ધિ, તો એજ રીતે માણસે-માણસે જુદા ગળાં જોવા મળે છે. સૌંદર્યની ભાષામાં પતલી લમ્બી ડોકને વધારે માર્ક મળે. કેટલાકનું આખું બોડી એના ગળાંની આસપાસ વિસ્તર્યુ હોય છે. કાઠીયાવાડી કોક બહારવટીયાની ખાંભીની જેમ બે ખભા વચ્ચે ખૂંપી ગયેલા ગળાં જોવા મળે છે. ગળું તો ઘાટીલું હોવું જોઈએ, પણ હોતું નથી. એને માટે રોજ ગળાંને નિયમિત ગોળગોળ ફેરવતા રહેવાની કસરતો કરવી પડે છે-ડોકી મરડાઈ ન જાય એ રીતે, જેથી ગળું શેઇપમાં રહે. બાકી તો મકાન બનતું હોય ને રેતી ઠલવાતી જાય એમ બોચીમાં ચરબીના લબ્દા ભરાતા જાય છે. પાછળ લપસણી માટીનો ટેકરો ઉગ્યો હોય એવું લાગે. ખભા અને માથા વચ્ચે ‘આ તારૂં-આ મારૂં’ના ભેદભાવો મટવા માંડે છે. સાચી એકતા ત્યા દેખાય છે. કેટલીક કૃતિઓમાં તો ખભામાંથી ખેંચીને ડોકું બહાર લાવવામાં આવ્યું હોય, એવો સુંદર આભાસ ઉભો થતો જણાય છે.

સ્ત્રીનો ચહેરો અને શરીર માત્ર સુંદર હોય, એ પૂરતું નથી…. ગરદન બી પતલી જોઈએ, નહિ તો લોકો ચહેરાને બદલે ગળાં સામે જોઈજોઈને રાજીનામાં આપી દે. પેટ અને ગળાંની તંદુરસ્તી વચ્ચે ફરક હોવા જોઈએ. મને હમણા કોઈ રોકતા નહિ અને મને કહેવા દો કે, મોટાભાગની ગુજરાતી સ્ત્રીઓના ગળા ચારેબાજુથી ફુલી ગયા હોવાના કારણે ન છૂટકે આપણે બીજા રાજ્યો તરફ ઘ્યાન પરોવવું પડે છે. આ તો એક વાત થાય છે.

શું ગળાનો કોઈ ઉપયોગ જાણવામાં આવ્યો છે ?

મે પર્સનલી ‘ગૂગલ’માં તપાસ કરી તો ખબર પડી કે, મનુષ્યના શરીર ઉપર ગળું શરદી વખતે બામ ચોપડવા માટે આપવામાં આવ્યું છે. આ એનો સર્વોત્તમ ઉપયોગ. પુરાણોમાં કહ્યું છે કે, જરીક અમથા બીમાર હો, તો ગળે બામ ચોપડવાનો ચાન્સ વાઈફને કદી નહી આપવો જોઈએ. ક્યારે એના છુપા અરમાનો બહાર આવી જાય ને આપણે એ જ પલંગમાં ઢબી જઈએ, એ નક્કી નહિ, બામ ચોપડતી વખતે સારો લાગતો હોય છે, પણ ચોપડી લીધા પછી કાંઈ સારૂ થતું નથી. ફોગટના લ્હાયો બળ્યા કરે છે. ક્યારેક પત્નીનું મન બદલાઈ તો નહી જાય ને, એની લ્હાયમાંને લ્હાયમાં સવારે હું ટૂથપેસ્ટને બદલે બામનો લબ્દો લઈને બ્રશ કરવા માંડું છું…. ફફડાટને કારણે ગળા ઉપર બામને બદલે અનેક વખત કોલગેટો ઘસી ચૂક્યો છં.

અલબત્ત, સમાજના વિવિધ ગળાંઓનો અભ્યાસ કરતા એ પણ જાણવા મળ્યું છે કે, લોકો કેવળ બામ ચોપડવા માટે જ ગળાંનો ઉપયોગ નથી કરતા, સ્ત્રીઓ નેકલેસ પહેરવા અને પુરૂષો ગળે પડેલી વધારાની દાઢી છોલવા માટે પણ કરે છે. ગમે તેવું ઘટાદાર ગળું આપ્યું હોય, પૂરૂષ કદી નેકલેસ પહેરી શકતો નથી, તો પૈસા વસૂલ કરવા ખાતર પણ સ્ત્રીઓ એની ઉપર રેઝર ફેરવી શકતી નથી. પીઢ ઉમરની સ્ત્રીઓ ગળાં પરની દોઢ કીલો કરચલીઓ ઢાંકવા એક નેકલેસ વધારે પહેરે છે. ગોકુળ-વૃંદાવનની કુંજગલીઓ જેવી એમની ગળાંની કરચલીઓ સૌંદર્યના કોઈ કામમાં આવતી નથી.

જો કે, આજકાલ શિલ્પા શેટ્ટી અને અનિલ કપૂરને કારણે બહુ ફેમસ થયેલો શબ્દ ‘બોટોક્સ, સ્ત્રીઓને બહુ ખપમાં આવે છે. શિલ્પા શેટ્ટીએ બોટોક્સનું ઓપરેશન કરાવીને ગળાં ઉપરની કરચલીઓ દૂર કરાવી છે, એવી મજાક અનિલ કપૂરે કોફી વિથ કરણના શોમાં કરી, એમાં ધાંધલ મચી ગઈ છે.

દરજી-વિભાગના સંતશ્રીઓ કહી ગયા છે કે, જગતભરના દરજીઓનો ધંધો આપણા ગળાં ઉપર ચાલે છે. યુરોપ-અમેરિકાથી શર્ટ મંગાવવું હોય તો ફક્ત ગળાંનું માપ મોકલવાનું હોય છે. શર્ટ ફિટમફિટ આવી જાય છે. આપણે ત્યા હવે તૈયાર પેન્ટ-શર્ટ લેવાય છે. જો કે, પરફેક્ટ ફિટિંગ માટે દરજીઓ માપ લઈને કપડાં સિવી આપે છે, તે પઘ્ધતિ પણ ચલણમાં છે. અંગત રીતે હું માપ આપીને કપડા સિવડાવતા ગભરાઈ જાવું છું. બહું ઢીલો માણસ છું. દરજી મારી સાથે ગાંધર્વ-વિવાહ કરવા આવ્યો હોય એમ, ફૂલમાળાની જેમ મારા ગળાંનું માપ લેવા મેઝર-ટેપ વીંટાળે, ત્યારે ભયના માર્યા મારા તનબદનમાં લખલખું પસાર થઈ જાય છે. મને ગલીપચી થવા માંડે છે, હસવું આવે, એમાં પેલો અકળાય ‘સાહેબ આમાં હસવા જેવું શું છે. ? એના જવાબમાં પાછો હું હસી જ પડતો હોઊં. આ આપણી એક સ્ટાઈલ છે. ખરેખર તો, દરજીઓએ વ્યવસાય વધારવો હોય તો આવા માપો લેવા સુંદર યૌવનાઓ રાખવી જોઈએ. પ્રજા હોંશે-હોંશ માપ પણ આપે. ગ્રાહક અને કર્મચારી વચ્ચે ભાઈ-બેન જેવા સબંધ બંધાય. સુઊં કિયો છો ?

દરજી ઉપરાંત ફક્ત કેશ કલાકારો અર્થાત વાળંદોને પણ આપણા ગળાં સાથે લેવાદેવા છે. (કેશ કલાકારો એટલે ‘બેન્કના કેશિયરો પાછા જુદા !) જો કે, એમને ગળાં કરતા આપણી બોચી સાથે વધારે માયા હોય છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગે વાળંદ આપણી બોચી ઉપર માલીશ કરતા કરતા મઘુર મઝાની ચિકોટીઓ પછાડતો હોય છે, એ મારો પ્રિય વિષય. હવે તો એવા અવાજો ય ક્યા રહ્યા છે ? અંગત રીતે હું ઘોડાની કેશવાળી પર હાથ ફેરવું, એના કરતા તાજી કરાવ્યા પછી બોચી ઉપર સુવાળો હાથ ફેરવવાનો બહુ આગ્રહી છું. હું ચાલુ જમાના પ્રમાણે ગળાંની પાછળ લાંબા જફરીયા નથી રાખતો. મારી બા ખીજાય છે.

ગળાંની પાછળના ભાગને તો બોચી કહેવાય છે, પણ આગળના ભાગને કોઈ વિશેષ નામ ફાળવવામાં આવ્યું નથી. હા, કેટલાકને તો આખો મોબાઈલ ફોન ગળી ગયા હોય એવો હૈડીયો બહાર આવેલો દેખાય છે. બોલતી વખતે એ બહુ હલ-ચલ કરતો હોય છે. મને એવો હૈડીયો જોવો બહુ ગમે. ખોટું શું કામ બોલું. પણ મેને કોઈના હૈડીયા ઉપર આંગળી અડાડવાનું બહુ મને થાય. જો કે, એના માલિકને એ ગમતું હોતું નથી. એ તો જેવો જેનો સ્વભાવ. કેમ જાણે આપણે એનો હૈડીયો કાઢી લેવાના હોઈએ ! આવું અભિમાન બહું સારૂં નહી.

એક જ વાતની નવાઈ લાગે કે, ગળું કોઈ સ્વતંત્ર જીવન જીવતું નથી. નાક, કાન, આંખો કે હાથ-પગને પોતાના સ્વતંત્ર કામો છે. આપણે માથું હલાવી શકીએ છીએ. પણ ગળું હલાવી શકતા નથી. એના માટે ફક્ત એક જ વસ્ત્ર બન્યું છે મફલર.

બસ. ગળું એક જ કામ સોલ્લિડ કરે છે, બોલ બોલ કરવાનું, ચીસો પાડવાનું. એક જીભને કાબુમાં રાખતા ન આવડ્યું, તે ન આવડ્યું. ગુના જીભ કે હાથ-પગ કરે, ફાંસીએ લટકે ગળું.

સિક્સર

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં રાહુલ દ્રવિડે સ્લીપમાં કોઈ એક-બે કેચ પડતા મૂક્યા, એ જોઈને અજીતસિંહ કહે ‘આમાં એનો કોઈ વાંક નથી બેટિંગમાં બહાર જતા બોલને એવોઈડ કરવાની એની આદત ફીલ્ડીંગમાં ય ચાલું રહી

…અને એ ડિનરમાં ચણાની બાજુમાં બટાકાની સબ્જી હતી. અજીતે બન્નેની નેઈમ-પ્લેટો બદલી નાંખી. પાછળ આવતા પટેલને નવાઈ લાગી, ‘હાળું, ઓંય આ બટેકા આટલા નેનાં-નેનાં કેમ છઅ….?’

———————————–

ઉપરોક્ત લેખ ની લિંક નીચે આપેલ છે.

 http://gujaratsamachar.com/20101222/purti/shatdal/bapor.html