ક્રિકેટ કા કારવાં ગુજર ગયા… ગુફતગૂ કા ગુબાર દેખતે રહે!

લેખક: જય વસાવડા

વિશ્વકપ પછીના છૂટાછવાયા નિરીક્ષણોનું નમકીન ચવાણું! 

વર્લ્ડ કપ પુરો થઇ ગયો, પણ એની વિકટરીનો હેંગઓવર હજુ સેટલ થયો નથી. સર્વત્ર જયજયકાર વચ્ચે મિડિયા ટીપેટીપું નીચોવી રહ્યું છે આપણા રક્તકણોની સાથે શિરા અને ધમનીઓમાં ફરતા ક્રિકેટકણોનું! ત્યારે મેચ જોતાં જોતાં મન્ચીંગ ચાલતું હોય એવી વાતોના બુકડા ભરીએ!

(૧) બારહવાં કૌન?

ભારતીય ટીમની વિશ્વકપ ૨૦૧૧ની આખી યાત્રા ઘ્યાનથી જુઓ, તો ખ્યાલ આવી જશે કે એમાં ઇલેવનની સાથે જ કોઇ સુપરનેચરલ પાવર પણ રમી રહ્યા હોય એવું લાગે! મુઠ્ઠીભર રેશનાલીસ્ટોને આ વાતનો વિરોધ કરવાનું મન થાય, તો એમણે સચીન, હરભજન, યુવરાજ સઘળાનો વિરોધ કરવો પડે. મેચ પછી યુવરાજે પોતાનું બેટીંગ- બોલિંગ માં ચમત્કારિક ફોર્મ ગુરૂજીના ચરણે સમર્પિત કરી, મેન ઓફ ધ સીરિઝ એવોર્ડ લેતી વખતે તેમના માટે રમ્યો હોવાની ઘોષણા કરી હતી. હરભજન યાદ પણ ન રહે એટલા નામો બોલી ગયો હતો. સચીને તો ગોડને રાબેતા મુજબ યાદ કર્યા જ.

ભારતીય ક્રિકેટના ગોડ સચીનનો એક ઓછો જાણીતો કિસ્સો છે. ગ્વાલિયરમાં ચાલીસેક વરસની ઉંમરના એક ભાભીજી સચીનના માનેલા બહેન છે. તેરેક વરસ પહેલાં મળેલા આ બહેનને સચીન પોતાના માટે ભાગ્યશાળી માને છે. એમને હાજર પણ રાખે, અને ત્યાં પોતાને કોઇ રકમ મળી હોય તો ભેટ પણ આપી દે! ગ્વાલિયરમાં ૨૦૦ રન કરવાનો વન-ડે વર્લ્ડ રેકોર્ડ કરીને ટીકાકારોની બોલતી બંધ કરતા પહેલાં પણ એવા અહેવાલો હતાં કે સચીનની પત્ની અંજલિએ ખાસ આ ‘નણંદ’ને ફોન કરી કશુંક મોટું કામ આ વખતના મેચમાં થાય, એવી પ્રાર્થના કરવાની વિનંતી કરી હતી!

ભારતીય ટીમના મોટાભાગના સભ્યોએ જીતનો યશ પ્રભુચરણે કે ગુરૂચરણે સમર્પિત કર્યો છે. યુસુફ પઠાણ પણ પિતાની છત્રછાયામાં મસ્જીદના શ્રદ્ધાળુ વાતાવરણમાં મોટો થયો છે, અને ટીમને ખાતર કદાચ દાઢી વધારવાની માનતા રાખી હોય, તોય નવાઇ નહી. દોઢડાહ્યા બૌદ્ધિકો ક્રિકેટની ચર્ચામાં ઇશ્વરની વાત કોઇ લઇ આવે તો છળી મરે છે. પણ ખુદ ક્રિકેટરો જ ઇશ્વરને યશ આપે છે, તેનું શું?

આસ્થા ક્રિકેટની માફક જ ભારતીયોના લોહી, માંસ, અસ્થિ, મજ્જા, ચેતાતંતુમાં એકાકાર બાબત છે!

(૨) દિઉડી માતાજી સત્ય છે!

‘હેલો હાય છોડીએ… જય માતા દી’ બોલીયે વાળા ગુલશનકુમારે એકલે હાથે વૈષ્ણોદેવીની નેશનલ બ્રાન્ડ પોઝિશનીંગ કરેલી, એ ભાવિકો ભૂલ્યા નહી હોય. પોતાના પ્રેમલગ્નને પણ મિડિયાથી છુપાવનાર મહાકેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અંગત બાબતોમાં ખામોશ ઇન્સાન છે, બાકી અડઘું ભારત ધોમધખતા ઉનાળામાં કાશીને બદલે રાંચીની જાત્રા કરવા દોડતું હોત! કારણ કે ભારત વિશ્વકપ જીતી લાવ્યું, એમાં લિટરલી ‘સિંહ’ ફાળો ધોની જેનો પરમ ભકત છે, એ દિઉડી માતાજીનો છે-એ માનો યા ના માનો, કબૂલવો પડે!

નેશનલ હાઇવે એન.એચ. ૩૩ પર રાંચી-જમશેદપુર રોડ પર દિવરી નામના નાનકડા ગામમાં જૂનવાણી અને જર્જરિત એવું પથ્થરનું એક સાદુ મંદિર છે, જે ‘દિઉડી’ માતાજીનું મંદિર કહેવાય છે. વાયકા એવી છે કે સોળ ભુજાઓવાળા દુર્ગાનું એક તાંત્રિક સ્વરૂપ જયાં પૂજાય છે, એ દિઉડી મંદિરે સમ્રાટ અશોક પણ પ્રાર્થના કરવા આવતા! ધોની ૧૪ વર્ષનો હતો ત્યારે દોસ્તોની ટોળી સંગાથે બાઇક પર ત્યાં જઇ ચડેલો. અચાનક એને જે કોઇ અનુભૂતિ થઇ તે, પણ મિતભાષી એમએસે ઇન્ડિયા ટુડેને આપેલા એક નાનકડા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કહેલું કે ‘હું આજે જે કંઇ છું, એ માતાજીના પ્રતાપે છું!’

એટલું તો ચોક્કસ કે ધોનીની ભારતીય ક્રિકેટમાં પ્રગતિ આશ્ચર્યજનક જ નહી, તાર્કિક રીતે ગળે ન ઉતરે એવી રીતે થઇ છે. ટેકનિકલી આજેય ધોની બેસ્ટ વિકેટકીપર નથી. પણ એને ભારતમાં વિકેટકીપર તરીકે રમવાનો ચાન્સ મળ્યો. ૨૦૦૭માં ભૂંડે હાલ ભારત વિશ્વકપમાંથી ફેંકાયા બાદ અચાનક જ જુનિયર ધોનીને બી ગ્રેડની ટીમની આપોઆપ કેપ્ટનશીપ મળી અને મેનેજર લાલચંદ રાજપૂત કે બોલર જોગીન્દર શર્મા જેવાઓના સહારે ટવેન્ટી ટવેન્ટી વર્લ્ડ કપ જીતીને ધોની રાતોરાત જામોકામી વનડે કેપ્ટન થઇ ગયો! ગાંગુલી, દ્રવિડ, કુંબલે બધા જ બાજુએ રહી ગયા! કુંબલેની ચાલુ સીરિઝના રિટાયરમેન્ટ પછી ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે સફળ ટેસ્ટ કેપ્ટન બન્યો. આ ધોનીધન્ય વર્લ્ડ કપમાં લગભગ દરેક મેચમાં ધોનીએ મેચ ગુમાવી દઇએ એવા ભૂલભર્યા નિર્ણયો લીધા. પઠાણ-અશ્વિનને ડ્રોપ કરવાથી નેહરા- શ્રીસંતના સિલેકશન સુધી, એની ખુદની બેટીંગ ફાઇનલ સુધી ડામાડોળ હતી. પણ એકલા ઝાહિર ખાનના જોરે ડગુમગુ ચાલતી ટીમે પ્રભુત્વવાળી બોલિંગ કરી! સેહવાગ- સચીન વિના યુવરાજ-ધોની સ્ટાર થઇ ગયા! જાણે ‘હેન્ડ ઓફ ગોડ’ જેવો કોઇ અદ્રશ્ય હાથ અવળાં પાસાને ચમત્કારીક રીતે સવળો કરતો હોય અને ધોની માને જ છે કે દિઉડી માતાજીના આશીર્વાદે કપ અપાવ્યો છે!

જસ્ટ થીંક. આખી દુનિયામાં તમારી તસ્વીરો છપાવવાની હોય, અરે, જે તસવીરો હંમેશ માટે અમર બની દાયકાઓ માટે રિપ્રિન્ટ થવાની હોય, એ વખતે તમે અવનવી હેરસ્ટાઇલના શોખીન હોવા છતાં માથે સફાચટ મૂંડન કરાવો ખરા? પણ કહેવાય છે કે વર્લ્ડ કપ પહેલાં સ્પેશ્યલ હેલિકોપ્ટરમાં બેસી ધોની માતાજીના મંદિરે ગયો હતો, અને માનતા માની હતી. ધોનીએ ઓન રેકોર્ડ કહેલું કે વર્લ્ડ કપ માતાજી અપાવશે જ. અગાઉ આ જ મંદિરે ધોનીએ પશુબલિ આપ્યાની અફવા ઉડેલી, અને સેમીફાઇનલ પહેલાં ધોની ગુપચુપ પત્ની સાથે ‘સાક્ષી’ભાવે પૂજા કરવા ગયો હોવાની પણ ગપસપ હતી! ધોની આજે વેબ ઉપર પણ જેમની કોઇ ખાસ માહિતી ન મળે, એવા આ માતાજીના મંદિરનો કરોડોના ખર્ચે જીર્ણોદ્ધાર કરાવી રહ્યો છે, અને આવી વાતોમાં ન માનતા હોય એના માતાજીનો આ મહેન્દ્ર‘સિંહ’ ગજર્યો છે, એ ય પ્રમાણ છે! પેલો શે’ર છે નેઃ શ્રદ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ પર મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઇ!

(૪) કસ્ટર્ડ કર્સ્ટનઃ

વિશ્વકપમાં વિજેતા ખેલાડીઓના ધુઘવાટમાં આ સકસેસફુલ કોચની વિદાય દબાઇ ગઇ. ગ્રેગ ચેપલની ગરબડો પછી કર્સ્ટને જોન રાઇટની બૂક વાંચીને ભારતીય ટીમ સાથે તાલમેલ બિછાવવાનું કોચીંગ ખુદ પોતે જ લીઘું હતું. ધોનીના નસીબે એને સોફ્‌ટ સ્પોકન છતાં ભેજાબાજ કોચ મળ્યો. એક ખેલાડી તરીકે કર્સ્ટન જયારે ભારત આવતો ત્યારે એને આ દેશની અવ્યવસ્થા, ગંદકી, કર્ટસી વિનાની હોટલો, ટ્રાફિક બઘું જોઇને ભારે અચરજ થતું, અને એણે એની ડાયરીમાં આ બધા પર હસીને લોટપોટ થઇએ એવા કટાક્ષો કર્યા છે. (આપણી નબળાઇઓ આપણને એટલી હદે કોઠે પડી ગઇ છે, કે આપણને ચચરાટ તો કયાં થાય જ છે, એની ટીકાઓથી.)

પણ કર્સ્ટનને ભારતની મહોબ્બત બરાબર માણવા મળી. ઘણા સુગાળવાઓ સગવડપૂર્વક વીસરી ગયા હશે, પણ કર્સ્ટને એના ખાનગી એકશન પ્લાનમાં સ્પોર્ટસ અને સેકસ્યુઅલિટીના સાઇકોલોજીકલ રિલેશન પર કેટલીક ભલામણો- નિરીક્ષણો મૂકયા હતા. (બંદાએ તેના પર એક લેખ પણ લખેલો- સેકસ અને સ્પોર્ટસ… સૂરજ કબ દૂર ગગન સે) વિવાદો ટાળવા કર્સ્ટન તો ખામોશ થઇ ગયો. પણ ગુરૂ ગેરીનું શૃંગારિક શાણપણ યુવા ક્રિકેટરોએ અમલમાં મૂકી ‘વૈજ્ઞાનિક’ રીતે વિશ્વકપમાં વિજેતા થયા હોય, તો ય નવાઇ નહી! હીહીહી.. મર્યાદાશીલ ભારતમાં ફોરેન કોચની જરૂર ઇન્ટરનેશનલ કલાસના બનવા માટે એટલે જ પડતી હશે? ગેરીને ગ્રેગ પાસેથી એક વાત બરાબર સમજાઇ ગઇ હતી કદાચ… આ દેશમાં મીંઢુ મૌન રાખવું. જો બોલીને ખુલાસા કરો, તો તમે સાચા હો ત્યાં ય વિવાદો થયા રાખે અને ક્રિકેટને બદલે પ્રેસ કોન્ફરન્સની નેટ પ્રેકટિસ કરવી પડે!

(૪) સ્પિનર પાવરઃ

વિશ્વકપ ૨૦૧૧ને લીધે આઇપીએલના આગમન પછી પાથરણાની બાજુમાં પ્લાસ્ટિકની ખુરશી પર બેઠેલું ‘વડીલ’ એવું વનડે ક્રિકેટ ફરીને બ્યુટીટ્રીટમેન્ટથી મોડલ ઉંમર ઓછી દર્શાવે, એમ જવાન થઇ ગયું છે. સાથોસાથ અચાનક સ્પિનરોનો જીર્ણોદ્ધાર થયો છે! દંતકથામય ફાસ્ટ બોલર્સ લિલી, સરફરાઝ, રોબર્ટસ, હોલ્ડીંગ, ગાર્નર, માર્શલ, હેડલી, બોથમ, ઇમરાન, કપિલ, મેકડોરમોટ વગેરે પછી વોલ્શ, એમ્બ્રોસ, અક્રમ, વકાર, લી, મેકગ્રા, વાસ, અખ્તર, ઝાહીરની પેઢી આવી. સ્પિનરો તો વોર્ન, કુંબલે, મુરલી જેવા સુપરસ્ટાર હોય, તો જ જગ્યા મળે.

પણ માર્ટીન ક્રો દીપક પટેલ પાસે વનડેમાં ઓપનીંગ બોલિંગ કરાવતો, એ ગિમિક નહોતું- એ હવે છેક સાબિત થયું. મોટાભાગના દેશો પાસે નવા ઉત્તમ ફાસ્ટ બોલર / મિડિયમ પેસર્સનો ફાલ ઉતરતો નથી પણ દરેક ટીમમાં પ્રતિભાશાળી નવલોહિયા સ્પિનર્સ આવ્યા છે. નોકઆઉટ સ્ટેજમાં નિર્ણાયક બોલિંગ મોટેભાગે સ્પિનરોની રહી. પાર્ટટાઇમ સ્પિનરો શોધવા પડયા. સ્પિનરોએ પાવર પ્લેમાં બોલિંગ ઓપન પણ કરીને બતાવી!

હા, પણ વિશ્વકપ ૨૦૧૧નો શ્રેષ્ઠ સ્પિનર તો શાહીદ આફ્રિદી નીવડયો! એની માસૂમ બચ્ચીના આંસુ અને એના મેદાન પરના ખેલદિલ સ્મિતે ભારતીયોના દિલ જીતી લીધા. મેચ પછી પાકિસ્તાની નેતાઓ ગાંધીજીની સમાધિ પર પુષ્પહાર કરવા જાય છે, એવી અદામાં આફ્રિદીએ સૂફિયાણી વાતો ય કરી. મૂળ તો ભારતના નમાલા નેતાઓની પાકિસ્તાની ત્રાસવાદ સામેની ચૂપકિદીની હતાશા એસએમએસ કે ફોટો – કાર્ટૂનમાં પાકિસ્તાની ક્રિકેટર્સ પર (ખાલી બોલ બચ્ચન બનીને, બાકી વાસ્તવમાં પાક. ક્રિકેટરોને પાણીનું પાંઉચ પણ કોઈએ માર્યું નથી, બલ્કે તાળીઓથી વધાવ્યા છે. જયાં વાત પણ કરવાની નહોતી, ત્યાં મહેમાન ગણીને માથે ચડાવ્યા છે.) ઉતારનારા લોકો ય ભોળા ભારતીયો હોઈને ભોંઠા પડી ગયા. મેદાન બહાર આમીર – શાહરૂખ – સલમાન – સૈફ – સાનિયા વગેરે તથા મેદાન પર તો ઝહીર – મુનાફ – પઠાણે જીન્નાહની ‘ટુ નેશન’ થિઅરીના વટભેર લીરેલીરા ઉડાવી દીધા હતાં. પણ જેવો આફ્રિદી પાકિસ્તાન ગયો કે ભારતના મિડિયાને ભાંડયુ, અને ‘ઉન લોગોં કા દિલ હમારે જીતના બડા નહિ હૈ’ વળા ટિપિકલ પાકિસ્તાની કાચીંડો બની ગયો! કસાબ હજુ ય લ્હેર કરે છે, આનાથી મોટું દિલ રાખીએ તો બ્લેક હોલ બની જાય!) ઠીક છે. પણ આફ્રિદીને ભારતીય ટીવી ચેનલોને આ વિવાદ અંગે પૂછયું તો ભારત મને ગમે છે, હું મિસકવોટ થયો છું – કહી ફરી ટોપી ફેરવી! હારને લીધે દિમાગ અસ્થિર થયું હશે? અને જો પાકિસ્તાની પ્રજાના દબાણને લીધે આવું ભારતવિરોધી સ્ટેટમેન્ટ કરવું પડે, તો એમાં જ પાકિસ્તાનીની ગેરલાયકાત પુરવાર નથી થતી? યાદ રાખો, ક્રિકેટ અને આંતરિક સુરક્ષામાં ભારત વઘુ મજબુત છે, અને પાકિસ્તાન અત્યારે જગત આખાના વાંકમાં છે. એટલે વઘુ ડિસિપ્લીનથી ચાલે છે. પણ આફ્રિદી પાક્કો સ્પિનર નીકળ્યો, એ ખરૂં? રીડર બિરાદર હરેશ પંડયાના શબ્દોમાં ત્રણ વખત ગુંલાટ મારી ‘તીસરા’ ફેંકી ગયો!

(૫) સન્માન સાચું, પણ માન?

ગુજરાતની કોમી એકતા અંગે જાતભાતની ભ્રમણા ફેલાવનારાઓએ જોયું કે, ભારતની ટીમના ત્રણે જાંબાઝ સિતારા યુસુફ, મુનાફ, ઝાહીર ક્રિકેટર જ ગુજરાતમાંથી થયા છે. (મહારાષ્ટ્રીયન ઝાહીર સાત વર્ષ સુધી બરોડામાંથી રણજી રમતો!) સુભાન અલ્લાહ! ગુજરાત સરકારે મૂળ ગુજરાતી એવા યુસુફ – મુનાફને આ વખતે ભૂતકાળની ભૂલ સુધારી તત્કાળ એકલવ્ય એવોર્ડ જાહેર કર્યાં. પણ ઈનામ એમાં ફકત એક લાખ રૂપિયા છે?

બરાબર છે, સન્માન મહત્ત્વનું છે – ધન નહિ. પણ ઉદ્યોગપતિઓ માટે કરોડોની જમીન હોય અને સ્વર્ણિમ ગુજરાતના ઉત્સવમાં લાખ્ખો ખર્ચાતા હોય ત્યારે ગુજરાતના આ ઈન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર્સ માટે શ્રેષ્ઠી ગુજરાત પાસે ફકત લાખ લાખ રૂપિયા જ છે? ટેકસપેયરના મનીવાળી દલીલ ચાલે નહિ, કારણ કે ટેકસપેયર્સ પણ આમાં રાજી છે, અને આમ પણ ટેકસપેયરના પૈસા ઘણે વેડફાતા હોય છે.

એકચ્યુઅલી, જો વઘુ પૈસાથી સન્માન ન થાય, તો આ ઐતિહાસિક વિજયને વઘુ માનથી બિરદાવી શકાય. યુસુફ – મુનાફ બંને ભારે સંઘર્ષ કરી ‘રંકથી રાય’ બનવાની જીવનયાત્રા ખેડી અહીં પહોંચ્યા છે. વિદ્યાર્થીઓ જેની સાથે કનેકટ ન થાય એવા ઉપદેશના પાઠો ગોખાવવાને બદલે પાઠયપુસ્તકોમાં ગુજરાતમાં એમની મોટિવેશનલ કહાની ન ભણાવી શકાય? સ્ટુડન્ટને નજર સામે હોઇ ગળે પણ ઉતરે! એખલાસ પણ વધે જ. કે પછી ગુજરાતના સ્ટેડિયમના કોઈ સ્ટેન્ડને યુસુફ-મુનાફ નામ પણ આપી શકાય! ઈન ફેકટ, ગુજરાત ક્રિકેટ એસોસિએશને તો જામ રણજીથી દિલિપસિંહ જાડેજા, વિનુ માંકડથી સલીમ દુરાની, કરસન ઘાવરીથી દિલીપ દોશી, અને ઈરફાન, યુસુફ, મુનાફ જેવા ક્રિકેટરોનું એક ભવ્ય મ્યુઝિયમ બનાવવું જોઈએ.

ફાસ્ટ ફોરવર્ડ

‘ક્રિકેટને વઘુ રોમાંચક બનાવવું હોય તો શરાબની બોટલો મેચ પૂરા થયા પછીને બદલે શરૂ કરતી વખતે ખોલવી જોઈએ!’’ (પોલ હોગન)

દોસ્તોં સે પ્યાર કિયા… દુશ્મનો સે બદલા લિયા… જો ભી કિયા, હમ ને કિયા… શાન સે!

(આ લેખ ગુજરાત સમાચાર ની તા.૦૬.૦૪.૨૦૧૧ online આવૃત્તિ માં પ્રગટ થયેલ છે. લેખક જય વસાવડા છે.)

૨૮વર્ષ.

ટ્રાન્ઝીસ્ટર રેડિયોમાંથી એલસીડી ટીવી આવી ગયા. ક્રિકેટરોના કપડાં લાલ અને બોલ સફેદ થઇ ગયો. ઓપનર શ્રીકાંત ચીફ સિલેકટર થઇ ગયો. ઈન્દિરા-રાજીવની હત્યા થઇ ગઇ. કાશ્મીરમાં કારગિલ સુધી ત્રાસવાદ આવી ગયો. ઈન્ટરનેટ અને ગ્લોબલાઇઝેશન આવી ગયું. ટેલિગ્રામની જગ્યા એસએમએસે લઇ લીધી, અને એમ્બેસેડર કાર અદ્રશ્ય થવા લાગી. વિવિધભારતીના ગીતો એમપીથ્રી પેન ડ્રાઇવમાં સમાઇ ગયા. જે બાળક હતા, એમની ઘેર બાળકો આવી ગયા. જે બુઝુર્ગ હતા, એ દીવાલ પરની તસવીર બની ગયા.

પણ આખું એક સમયનું ચક્ર ફરીને થંભી ગયું, એ સોનેરી ક્ષણે, જ્યારે કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ ગંભીરની ગરવાઇ પછી ગીરના સાવજની ત્રાડ જેવી ગગનભેદી સિક્સર ફટકારી ૧૯૮૩ પછી ફરી ભારતને ક્રિકેટમાં વિશ્વવિજેતા બનાવ્યું! સાક્ષીના કંકુ પગલે ધોનીની એ લાજવાબ કેપ્ટન્સ ઈનંિગ્સે છાતી ફાટી જાય એવી વિજયાદશમીનો આતશ આંખોમાં આંજી દીધો!

* * *

‘સીને મેં શોલે છૂપાયે, આંધી સે આંખે લડાયે…ગરજે જો બાદલ, ગુસ્સે સે પાગલ…. આયા આયા તૂફાન, સારા જહાં હૈરાન !’ ૨જી એપ્રિલ ૨૦૧૧ની રાત્રે કિશોરકુમારનો કંઠ હવામાં લહેરાતો હતો… એકઝાટકે ઉંમરમાંથી ૨૮ વર્ષ ઓછા થઈ ગયા ! ૧૯૮૩ની ૨૫મી જૂનની મધરાતે રેડિયો પર ભારત વિજયના સમાચાર સાંભળીને શેરીઓમાં ફૂટેલા ફટાકડાના અવાજ સાથે શરૂ થયેલા ક્રિકેટના રોમાન્સનું ફાઈનલી હનીમૂન આવી ગયું ! પછી કંઈ કેટલીયે ડેટંિગ મોમેન્ટસ આવી ગઈ આ કોર્ટશિપમાં… સેંકડો ટૂર્નામેન્ટ્‌સ જીત્યા, એક વખત તો સગાઈ પણ થઈ ગઈ. ૨૦૦૩ વર્લ્ડકપ ફાઈનલમાં પણ આખરે ૨૮ વર્ષના ઇન્તેઝાર બાદ વો ઘડી આ ગઈ આજ ! ૧૯૮૭માં આપણી જ ધરતી પર વિશ્વકપમાં સાવ અજાણી એવી એલન બોર્ડરની ટીમને આપણે પહેલી વખત વિશ્વવિજેતા પદનો સ્વાદ ચાખતા જોઈ હતી. એ સ્વાદ ઓસ્ટ્રેલિયાને દાઢે વળગી ગયો, અને એમણે આપણા માટે જ દરવાજા બંધ કરી નાખ્યા ! ૧૯૯૬માં આપણે સામૂહિક આત્મહત્યા કરીને શ્રીલંકાને આગળ વધવાનો રસ્તો કરી આપ્યો, એ શ્રીલંકન ટીમ ફરી આપણને પડકારવા આવી ગઈ.

પણ એ આંખથી ગાલ પર ઊતરીને સૂકાઈ ગયેલા ખારા આંસુઓ, એ ગળામાંથી ઊતરી ગયેલા ગમગીનીના મોળા થૂંકના ધૂંટડાઓ, એ પરાજયની, અપમાનબોધની, હાંસીની, દુર્બળતાની, હતાશાની ખાટી કડવી તીખીતૂરી બેસ્વાદ લાગણીઓ – જાણે ૨૮ વર્ષનો શરીર પર જામેલો મેલ ધોનીના ઘુરંધરોએ ધોધ નીચે ઊભા રહીને ઘસી ઘસીને નિતારી કાઢ્‌યો ! ફીલંિગ ફ્રેશ. ફ્‌લાયંિગ હાઈ. મહાભારત કહે છે – વેરથી વઘુ પરિશુદ્ધ કોઈ લાગણી નથી. ફરીથી જાણે પદભ્રષ્ટ સંિહાસન પછી દેશનિકાલ થયેલ યુવરાજનો મંગળ રાજ્યાભિષેક થયો છે. આજ વગડાવો વગડાવો રૂડા શરણાઈયું ને ઢોલ…

બચપણમાં ખોવાઈ ગયેલી શાન નામની બહેન જાણે પાછી જડી છે. ’૮૩ વર્લ્ડકપના ફાઇનલના પાછળથી વિડિયો શો જોવા મળતા. ૨૦૧૧નો ફાઇનલ ઘેર બેઠા લાઈવ જોવા મળ્યો. એક ઓફર આવી, લવ પર લેક્ચર આપો. માંગો તેનાથી ત્રણ ગણું વળતર આપીએ. પણ લવ પર બોલવા માટે રિયલ લવ (ક્રિકેટ) છોડી દેવાનું ? તો શું ઘૂળ વજન રહે પછી શબ્દોમાં ? રૂપિયા રળીને પછી શું કરવાનું હોય ? શોખ પૂરા કરવાના હોય…. તો પછી પેશન અઘૂરું રાખી, પ્રોફેશન માટે જવાય ? આવી કોઈ ધન્ય ક્ષણના સાક્ષી બનવા માટે તો શ્વાસોની આવનજાવન રાખવાની હોય ! એ છોડીને સતત કમાણી પાછળ દોડવામાં ક્ષણો વેડફવાની ન હોય !

સો વી આર ધ વર્લ્ડ ચેમ્પીયન્સ અગેઇન ! વ્હુઉઉઉ આઆઆ ! નેચરલી, સર્વશક્તિમાન સચીનની હાજરીની ધરી પર જ આ સુદર્શન ચક્ર ફર્યું છે. વાયડા વિવેચકોએ સચીન માટે કપ લાવવાની વાત ધોનીએ કરી ત્યારે વિવેકના ધમપછાડા કરેલા પણ ટીમને પોતાના ‘તાતશ્રી’ માટે રમવાનો ઉમંગ હોય, એનો ભંગ શા માટે કરવો ? ધોનીને તો દિઉડી માતાજી બરાબર ફળ્યા છે. માતાજી સત્ય છે, ધન્ય છે, જેવા મહેન્દ્રસિંહ ને ફળ્યા એવા સહુને ફળજો, ને કરોડ કોડ પૂરા કરજો, માવડી ! બાકી અશ્વિન-પઠાણ જેવા ડિઝર્વિંગ  મેચવિનર્સને બેસાડીને ય કપ પર જમ્પ કરી શકાય ? યુવરાજની રજવાડી સિંહગર્જનાને લીધે તો ગંભીર – કોહલીના ટેસ્ટ મેચો ઢંકાઇ જતા હતા અને રૈનાએ બતાવ્યું કે તક આવે ત્યારે એને શબ્દશઃ બે હાથે બેટ પકડતા હોય, એમ કેમ ઝડપી લેવાની હોય ! પણ આ લખવેયા માટે કોઈ હીરો ઓફ ધ ટુર્નામેન્ટ હોય, તો એ ઝિન્દાદિલ ઝહીર ખાન છે !

આ હેન્ડસમ હન્કની કમનસીબી એ છે કે એ બોલર છે. બાકી, જે શ્રીસંત પ્લેઇંગ ફિફ્‌ટીનમાં ય ના હોય, એ કોઈની ને કોઈની ઇજા પર ફાઇનલમાં રમતો હોય – એવા લકના કારોબાર સામે ફક્ત હાર્ડ વર્કનો દારોમદાર ટકાવી રાખવા માટે જીગર જોઇએ. ઝાહીરખાને લગભગ એકલે હાથે ખૂનપસીનો એક કરીને ભારતની લડખડાતી બોલિંગનો રથ પોતાના મજબૂત ખભા અને કાંડાના જોર પર દોડાવ્યો હતો. બેટ્‌સમેનો જ નહિ, બોલરોને પણ હસીનાઓની કિસ મળવી જોઇએ – સ્પેશ્યલી એમાં ઝહીર જેવું ઝગમગતું હીર હોય ત્યારે ! સેહવાગ અને ઝહીર વિના મેચો રમી શકાય જીતી ન શકાય ! (જ્યાં વીરૂ છે, ત્યાં જય તો હોય જ ને, ઠાકુર !) ઝહીર લાઈક અકરમ, વોલ્શ એન્ડ મેકગ્રા – અનપ્લેયેબલ એન્ડ ઇરરેઝિસ્ટેબલ!

પણ એનાલિસીસના પેરેલીસીસ કરવાના દિવસો નથી. સેલિબ્રેશન અને પાર્ટીના દિવસો છે. ગો મેડ…. ગો ગ્લેડ ગો ક્રેઝી….. ગો ઇઝી….

વાળ ઉગવાના દિવસોથી વાળમાં પડેલી સફેદી દેખાવા સુધીની રાહ જોઈ છે, આ વસ્લની (મિલનની) શામ રોશન ચરાગોથી સજાવવા માટે…. રંગોમાં લોહી રેસંિગ કારના ટર્બો એન્જીન જેવો ધૂઘવાટ કરી રહ્યું છે… ઇટ્‌સ એ મોમેન્ટ ઓફ ઇન્ટેન્સ ઓર્ગેઝમ અગેઇન આફ્‌ટર ટ્‌વેન્ટી એઇટ ઇયર લોંગ ફોરપ્લે… આઆઆઆહ ! મુજ મેં ગુજરી તૂ ક્યા જાને… ક્યા તૂ સમજે ઓ દીવાને…. જો હૈ ખિલાડી ઉન્હેં ખેલ હમ દિખાયેંગે…. અપને હી જાલ મેં શિકારી ફંસ જાયેંગે…. કાતિલ મેરી નજરોં સે બચ કે કહાં જાયેગા, દિયા હૈ જો મુજ કો વહી મુજસે પાયેગા … તીર બન કે જીગર મેં ઉતર જાના હૈ આજ, માર દેના હૈ તુજ કો યા મર જાના હૈ…. આજ પ્યાર મેં હદ સે ગુજર જાના હૈ…. જીસ કા મુજે થા ઇન્તેઝાર, જીસ કે લિયે દિલ થા બેકરાર…. વો ઘડી આ ગઇ આ ગઈ આજ…

* * *

વિષાદની રાતો ગઈ, આ ઉન્માદના દિવસો છે ! ક્રિકેટ હવે ભારતમાં ફક્ત સ્પોર્ટ નથી. ફિલ્મ જેવું એક ઓડિયો – વિઝ્‌યુઅલ એન્ટરટેઇનમેન્ટ છે. ભાગવતકથાઓમાં જ ભેગી થતી ભીડ, દોસ્તો સાથે લાર્જ સ્ક્રીન પર મેચ જોવામાં ય ‘આપણો ઘડી સંગ’ કરીને મેળાઓ ભરે છે. ભારતમાં અપરંપાર અભાવો છે, ગરીબી છે, બીમારી છે, પીડા છે, પ્રોબ્લેમ છે. મૂંગા મોઢે ભ્રષ્ટાચાર સહન કરવાનો છે, ત્રાસવાદ વેઠવાનો છે, જૂઠાડાઓના દંભી ચહેરાઓ રક્તબીજ રાક્ષસની માફક કપાય એટલા ફરીથી ઉગે એ જોવાના છે. આ બધા વચ્ચે બાપડી જનતા બે ઘડીનો વિસામો ઝંખે છે. ઘડીક ગમ્મત કરે છે. દારૂડિયો દારૂમાં અને ભક્તજન ભજનમાં તલ્લીન થઈને આખરે તો દુઃખદર્દો ભૂલવા મથે છે. ક્રિકેટ એ આપણું કેથાર્સીસ (વિરેચન) છે. ગ્રીક ટ્રેજેડી નાટકોમાં કોરસ કરૂણ રૂદન સાથે પીડાનું કેથાર્સીસ કરતું. આપણે ક્રિકેટમાં રોજીંદી ઘટમાળના કંટાળાની ફાકી ઘોળીને પી જઈએ છીએ.

પણ આપણા સમાજમાં મુઠ્ઠીભર બોલકા બળતણિયા બુદ્ધિજીવીઓ (વાસ્તવમાં ‘બુદ્ધુ’ જીવીઓ !) છે, જેમનાથી જલસાનું સુખ જોયું નથી જતું. કોઈ સ્ટુડન્ટ પરીક્ષા મૂકીને ક્રિકેટમાં ઘેલો થઇ જાય અને ટપારે તો બરાબર, પણ આખા દેશને બે-ચાર દહાડા જરા થોડા સા પગલા, થોડા દીવાના થવા માટે ય રજાચિટ્ઠી લખાવવા જવાનું ? પોતાના પ્રિય ક્રિકેટરને બિરદાવવા માટે ય શરમાતા રહેવાનું ? જરાક ધમાલમસ્તી કરે કે ચિચિયારીઓ પાડે એટલે હોસ્ટેલના ગૃહપતિ જેવા ધુવડગંભીરો નાક પર આંગળી દબાવતા ડંગોરો પછાડતા આવી જાય ! પાકિસ્તાની ત્રાસવાદીને સજા કરાવી નથી શકતા, તો દેશ સંયમ રાખે છે. પાકિસ્તાની ખેલાડીઓને આંગળી અડાડતો નથી, શાહીદ આફ્રિદીની સ્પોર્ટસમેન સ્પિરિટને બાથ ભરીને બિરદાવે છે. પણ પાકિસ્તાન સામેની ક્રિકેટની જીતનો આનંદ પણ નહિ મનાવવાનો ? એની હાઈપમાં વહેવું એ ય ગુનો ? આ તે જીવતા જવાંદિલોનો દેશ છે કે રિટાયર્ડ બાવાઓનો મઠ છે ? માછલીઓને અનુશાસનમાં પરેડમાં બેસાડી તો પછી જળવિહારની રંગત જ શું રહે ? સારું છે, પંખીઓએ ટહૂકવા માટે ચશ્મેઢબ બૌદ્ધિકો પાસે લાયસન્સ લેવા નથી જવું પડતું !

અરે, લોકોએ ગેલમાં આવીને જરાક લંકા સામે શનિવારે ફાઇનલ હોઈને રામ, સીતા, રાવણ, બજરંગબલિના રેફરન્સીઝથી થોડા જોક કર્યા ને ટીમનો ટેમ્પો વધાર્યો ત્યાં જ વડીલેશ્વરોની ૠષિ દુર્વાસાની માફક ભ્રકૂટિ તંગ થઈ ગઈ ! જુઓ જુઓ, માણસો લંકાને બાળી નાખવાની નફરત કરે છે. અલ્યાઓ, ૧૨૧ કરોડ ભારતવાસીઓમાંથી કોઈએ દીવાસળીએ ફેંકી લંકાના ૧૧ ખેલાડીઓ પર ? ફોટા ય બાળ્યા એમના ? એ લોકો તો ભાવનાઓને પકડે છે, શબ્દોને છોડે છે. પણ જેમની વસતિ પોઇન્ટમાં આવે એવા ઠાવકા વડીલેશ્વરો જોકને ય સિરિયસલી લઈ લે છે. એના પર ચીરફાડ કરવા બેસે છે. જગત આખામાં પ્રેમીઓ પ્રેમિકાને કહે કે ‘મારું દિલ ચીરાઈ ગયું’ ત્યારે કોઇ અભણ પ્રેમિકા ય કાર્ડિયાક સર્જનને ફોન નથી કરતી. કારણકે એની પાસે મર્મ સમજવા જેટલી કોમનસેન્સ છે. મા-બાપ સંતાનને ગધેડો કહે તો થાળીમાં ઘાસ નથી પીરસતા. કોઇ લપિયો ફોન મૂકે તો ‘માથાનો દુખાવો’ કહ્યા પછી આપણે ટિકડી નથી ગળતા. કોઈ પત્ની સુહાગરાતે પતિને તારાઓ તોડવા આકાશમાં ઉડવા નથી મોકલતી. ટેઇક લાઇટ યાર. શબ્દોની ઘાતક અસરની પીંજણ ન કરો. એ બેકગ્રાઉન્ડ મુજબ હોય. ચર્ચિલની વોર સ્પીચ અને ચાર્લી ચેપ્લીનની વોર કોમેડી વચ્ચેનો તફાવત સમજવાની અક્કલ ફૂટપાથ પરના મજૂર માણસને ય હોય છે.

૧૭૩૬માં વિખ્યાત ફ્રેન્ચ વિચારક વોલ્તેરે કહેલું: અર્થ પેરેડાઇઝ ઇઝ હીઅર, વ્હેર આઇ એમ. હું જીવું છું, ત્યારે પૃથ્વી પર જ સ્વર્ગ છે. શાણા લેખકો કહે છે – માણસને ક્યારેક ગાંડાઘેલા કાઢવાનો ય જન્મસિદ્ધ અધિકાર છે. નહિ તો કૂકર અંદરની વરાળથી ક્યારેક ફાટી જાય ! પલાંઠીમાં પદ્‌માસન વાળીને યોગ કર્યા કરવાને જ ઘ્યાન ન કહેવાય. નાચવા – કૂદવામાં ય મેડિટેશન છે. જીંદગીમાં જેટલી પળો મોજથી હસ્યા એ જ તો જીવ્યા. બાકીનું બઘું તો એ ચુનંદા મોમેન્ટસની પૂર્વતૈયારી !

વાતેવાતમાં મિડિયાને વખોડનારાઓ કરતા પબ્લિક પલ્સ પારખી લેતા મિડિયા પાસે ઓડિયન્સ વઘુ હોવાનું. જીવનમાં ઉદાસી અને વેદના ક્યારે આવે, એનું વર્લ્ડકપ જેવું ફિક્સ ટાઈમટેબલ નથી. ત્યારે ગંભીરની જેમ ઠિચૂક ઠિચૂક કરવાને બદલે સેહવાગ – પઠાણની જેમ ખભા ખોલીને જે દડા રમવા મળે એમાં રન ખેંચવા પડે. શ્રીસંત જેવા આઉટ ઓફ કન્ટ્રોલ ન થઇએ, પણ સચીન જેટલા અગ્રેસીવ તો થઇએ ને ! યાદ રખ, જીને કે પલ હૈ ચાર…. યાદ રખ…. સીખ લે, ઇસ પલ મેં જીના યાર સીખ લે.

લોકોને અચરજ થાય છે. સમજદાર, વાંચતા-વિચારતા મોટા પંડિત પ્રકૃતિના માણસો ય ક્રિકેટ કે સિનેમા પાછળ પાગલ હોઈ શકે ? કેમ ? ઇન્ટલેક્ચ્યુઅલ્સ કે સાયન્ટિસ્ટિસ શું સેક્સ નથી કરતા ? પ્રેમમાં નથી પડતા ? એમના સંતાનો આઉટફિલ્ડ પરના ઘાસની જેમ આપમેળે ઊગી નીકળે છે ? એ ડાહ્યાડમરા માણસો શું મશીન છે ? સંસ્કાર એટલે શું મોજમજાનું ખસીકરણ ? એમને ગમા-અણગમા ન હોય ? એ માણસને બદલે પથ્થર છે ?

ગમતો ખેલ કે કળા માણસ માટે પ્યાર છે, ઈશ્ક મહોબ્બત છે. એન્ડ લવ ઇઝ નોટ રેશનલ થીંગ. ઇટ્‌સ ઇમોશનલ એક્સપિરિયન્સ. પ્રેમમાં ઝાઝા તર્ક – ખુલાસા – ચોવટ – ચોખવટ ન હોય. એમાં થોડી ઘેલછા હોય, થોડું ફ્રી ગીઅરમાં લપસવા – સરકવાનું હોય. પ્રેમે ભૂલ, ભૂલ કબૂલ ! એવું નથી કે ભારતમાં જ આવું થાય. જગતભરમાં આઈડોન્સ અને આર્ટ / સ્પોર્ટસ માટેનું આવુજ  પાગલપન હોય છે ! મરજાદી લાગે એવા વિક્ટોરિયન યુગમાં સુંદરીઓ કવિઓ સાથે એક રાત વીતાવવા મળે એ માટે કોઈ બંધન વિના આતુર રહેતી. યોદ્ધાઓના ઘોડાની ટાપ પર આખું ગામ ટોળે વળી જતું.

જર્મનીમાં ૨૦૦૬ના સોકર વર્લ્ડકપ વખતે એટિકેટથી છલકાતા યુરોપિયનોને ક્રિકેટક્રેઝ તો ફિક્કો લાગે એવા ઉન્માદી ઘોડાપૂરમાં ધસમસતા વેગથી વહેતા નજરે નિહાળ્યા છે. જમવાનું પડતું મૂકી લોકો મેચ જુએ. એકબીજા (યુરોપિઅન યુનિયનમાં ભાગીદાર હોવા છતાં) દેશો પર તમામ પ્રકારના શાકાહારી – માંસાહારી જોકના ફાગ ખૂલ્લેઆમ ખેલે. મધરાતના ઠાર પર ઝંડા ફરકાવતા સર્વેલન્સ કેમેરાની ઐસી કી તૈસી કરીને સ્પીડ રેસિંગ  કરે, પબમાં લાઉડ મ્યુઝિક પર શરાબમાં ન્હાતા ન્હાતા નાચે, લોહી કાઢીને ગમતા સુપરસ્ટાર ખેલાડીઓ પર છાંટે… અરે ચાલુ મેચે એવા આથડી પડે કે ખૂન થઈ જાય ! (ટેનિસમાં મોનિકા સેલેસને પાગલ ચાહકની છરી ન્હોતી લાગી ગઈ ?) રોયલ બ્રિટનમાં ફૂટબોલની ક્લબો વચ્ચે રીતસર વિડિયો ગેઇમ કરતા વઘુ વિસ્ફોટક વોર ફાટી નીકળે. અમેરિકામાં બોક્સિંગ બાસ્કેટબોલ અને બેઝબોલ માટે પૂર્વગ્રહથી મુક્ત કહેવાતી પ્રજા લોહીતરસી બની જાય !

દરેક દેશને પોતાના ડીએનએમાં એક-બે રમતો આવતી હોય છે. રેલવે, અંગ્રેજી, ટપાલની માફક ક્રિકેટનો વારસો એ ભારતની ખરી રાષ્ટ્રીય ઓળખ છે. માણસમાત્રને નવીનતા ગમે, મોંઘો મોબાઈલ પણ પંદર દિવસમાં જૂનો લાગે. બસ એમ જ નવી કારનું મન ન થાય ? વી આર વાઇલ્ડ એનિમલ્સ. રોક મ્યુઝિકની કોન્સર્ટમાં નાચતા નાચતા પોતાના જ કપડાં ફાડી નાખવાનો નશાકારક ધક્કો નથી લાગતો ? ધમ્માલ ડ્રમ બીટ્‌સ સાથે પગ થિરકવા નથી લાગતા ? રમતની મસ્તીમાં આપણું જંગલીપણું બહાર આવી જાય, એ તો સમાજના સ્વાસ્થ્ય માટે સારી વાત છે. આપણને હીરોવર્શિપ ગમે છે. આઈકોનને પૂતળાથી પોસ્ટર સુધી પૂજ્યા હોમો સેપીયન્સના ક્રોમોઝોમમાં છે.

ક્રિકેટ વર્લ્ડ કપ, આપણી જીતની મહત્વાકાંક્ષાનું એક્સટેન્શન છે અને જીતનું ટેન્શન ? વેલ, વિજય તો સરવાળાનો ગ્રાન્ડ ટોટલ છે. પણ એની રકમ છે, સતત સમર્પિત મક્કમ કર્મ, હીપ હીપ હુર્રર્રરે – ટીમ ઇન્ડિયાને કપ મળ્યો અને આપણને હદ બહારની ખુશી. હિસાબ બરાબર !

ઝિંગ થિંગ!

હદથી વધી જાય તો હદપાર થઈ શકે, ઉન્માદ ! તારો બીજો શો ઉપચાર થઈ શકે ?

(મુકુલ ચોક્સી)