ચકલીનું એક બચ્ચું

 

 

ક્યાંકથી એક ચકલી આવી. આખા ઘરની મુલાકાત એણે લઇ લીધી. જાણે પોતાના માટે નવું ઘર ના શોધતી હોય!!! ભાઈ-બહેન એની પાછળ ફરે છે એની તો એને ક્યાં પડી હતી!!!! પાછી ફૂરરર કરતી ઉડી ગઈ. 

થોડીવાર પછી પાછી આવી. આ વખતે તો  જોડે માળો બંધાવાનો સામાન પણ લાવી. સાથે તેના બીજા જોડીદાર પણ ખરા જ!!!

પહોચી ગયો ચકલીઓનો સંઘ ટ્યુબલાઈટ પર. આમતેમ કરીને પોતાના તણખલા(માળો બંધાવાનો સામાન) વ્યવસ્થિત મુક્યા. મમ્મી – પપ્પા એ બહુ મથામણ કરી, ઘણીવાર તણખલા કાઢી નાખ્યા પણ ચકલીઓ એવી હઠીલી નીકળી કે થોડા દિવસમાં તો માળો બનીને તૈયાર પણ થઇ ગયો.

આ માળો તૈયાર થયો ઘર માલિકની પરવાનગી વગર. શું એકપણ વાર ચકલીઓને ઘર માલિકને પૂછવાની જરૂર નહિ લાગી હોય???

થોડા દિવસમાં તો એ માળામાં ચકલીઓના ઈંડા પણ આવી ગયા. પછી તો માળામાંથી બચ્ચાઓનો ચી ચી અવાજ પણ આવા લાગ્યો. ભાઈ બહેન તો આ જોઇને ખુશ થઇ ગયા. જોડે મમ્મી પપ્પા પણ ખુશ. 

ચકલીઓ રોજ બહાર જઈને તેમના બચ્ચા માટે ખાવાનું લઇ આવતી.  બચ્ચા થોડા મોટા થયા એટલે ચકલીઓ તેમને  ઉડતા શીખવાડવા લાગી.

બચ્ચા રોજ ઉડવાનું શીખતા હતા. ક્યારેક તો બચ્ચું શીખવામાં ને શીખવામાં ટ્યુબલાઈટ સીધું નીચે ટાઈલ્સ પર પડે. અને બચ્ચાના પગ ટાઈલ્સ લીસી હોવાને લીધે લપસી પડે. 🙂 

એ જોઇને ભાઈ – બહેનને કૌતુક થાય. અને હસી પડે ખડખડાટ….

એક દિવસ બચ્ચું એકલું હતું. ચકલી બહાર ગઈ હતી પોતાના બચ્ચા માટે જમવાનું લેવા. બચ્ચાને થયું હશે કે “આજે હું જાતે જ પ્રેક્ટીસ કરી લઉં”. પણ પ્રેક્ટીસ કરવા જતા બચ્ચું નીચે પડી ગયું.  ભાઈ – બહેને એ જોયુ અને એમના મનમાં દયા આવી ગઈ. નાના બચ્ચાને તેમણે હાથમાં લીધું. પપ્પાની મદદથી પાછું તેમના માળામાં ગોઠવ્યું.

થોડીવાર થઈને ચકલી પાછી આવી. પણ આ શું? ચકલી પોતાના બચ્ચાને જમાડતી નથી, ઉડતા પણ નથી શીખવાડતી. આમ કેમ થયું? ભાઈ-બહેન તો આ જોઇને ડઘાઈ જ ગયા.

ચકલી પોતાના બચ્ચાને છોડીને ચાલી ગઈ…. 😦

બચ્ચું એકલું પડી ગયું. હવે શું?

ભાઈ-બહેન રોજ બચ્ચાને જમાડે છે. ઘરમાં ઉડતા શિખવાડવાના પ્રયત્ન પણ કરે છે. પણ ભાઈ-બહેન કેટલું કરી શકવાના?  જે ચકલી કરી શકે તે ભાઈ-બહેન તો ના જ કરી શકે ને?

બસ આમ જ દિવસો પસાર થતા જાય છે. પણ બચ્ચું પૂરેપૂરું ઉડવાનું નથી શીખી શકતું.

એક દિવસ પપ્પાએ બચ્ચા ને ઘરની પાછળ વાડામાં છુટ્ટું મુક્યું જેથી કરીને બચ્ચું કુદરતી વાતાવરણ માં બીજા પક્ષીઓને જોઇને ઉડતા શીખી શકે.  

એવામાં એક કાગડો આવ્યો. જાણે એ રાહ જોઇને બેઠો હોય એમ  બચ્ચાને ઉપાડયુ.

પપ્પાએ કાગડાને રોકવાની ખુબ કોશિશ કરી પણ બધી નિષ્ફળ.

ને લઇ ગયો કાગડો ચકલીના બચ્ચાને….. 😦 😦 😦

ઘરમાં બધા જ સ્તબ્ધ.

ભાઈ-બહેન એ દિવસે ખુબ જ રડ્યા અને આખો દિવસ ખાધું પણ નહિ.

અફસોસ એટલો રહી ગયો કે “કાશ, બચ્ચાને બહાર ના કાઢ્યું હોત!!!!”

 

કદાચ વધુ પડતું લાગશે પણ આજે આ લખતા ફરીથી આંખ ભીની થઇ ગઈ.