જીવનનો નવો અધ્યાય

”  દીકરીને પરણાવી. તે તેના ઘરે સુખી છે. દીકરો પણ સારી નોકરી કે ધંધો કરીને પોતાની પત્ની તથા બાળકો સાથે સુખી છે.

એવું લાગે છે કે જીવનની તમામ જવાબદારીથી પરવારી ગયા છીએ.

બાળકોને ભણાવવાથી માંડીને તેમના લગ્ન સુધીની તમામ જવાદારીઓ પૂર્ણ થઇ ગઈ.

આખી જીંદગી એકલા હાથે બાળકોને મોટા કર્યા છે.  હવે થાક લાગ્યો છે. જીવનની ઢળતી ઉમરે એવું લાગે કે ક્યાંક કોઈનો સાથ હોય તો સારું. એકલા યુવાવસ્થા તો વિતાવી દીધી,  પણ હવે જીવન જાણે થંભી ગયું છે. ભગવાનના ભજનમાં પણ મન નથી લાગતું. સંતાનને મોટા કરવામાં અને તેમની જવાબદારીમાં પોતાની જાત માટે જીવવાનો સમય જ નથી મળ્યો. હવે જયારે પોતાની જાત માટે જીવવું છે ત્યારે શરીર પણ સાથ નથી આપતું. અનેક રોગોએ શરીરને ઘર બનાવી લીધું છે. સંતાનો પોતપોતાના પરિવારમાં રત છે. તેમને પણ પોતાની ચિંતાઓ છે, ત્યારે તેમની પાસે હું મારા માટે સમય કાઢવાની આશા ક્યાંથી રાખી શકું.

કાશ, આજે મારા જીવનસાથી સાથે હોત !!!   ”

આ વાત વૃદ્ધાવસ્થાની આરે પહોચેલા એવા વ્યક્તિઓની છે કે જેઓના હમસફર સમય પહેલા જ દુનિયામાંથી વિદાય લઇ ચુક્યા છે. જેમણે પોતાના બાળક માટે બીજા લગ્ન નથી કર્યા. અને પોતાનું જીવન સંતાન પાછળ આપી દીધું છે, પોતાના સુખનો વિચાર કર્યા વગર.

 ભલે સ્ત્રી હોય કે પુરુષ, બંનેને એકલતા સાલે છે. બાળકની પાછળ તેઓ પોતાનું જીવન તો વ્યતીત કરી દે છે પણ એ જ સંતાનો જયારે પોતાની દુનિયામાં વ્યસ્ત હોય ત્યારે આ એકલતા સતત ખૂંચ્યા કરે છે. સ્વાભાવિક છે કે સંતાન પાસે પોતાના માતા-પિતા માટે સમય ન પણ હોય.

સમાજ કે ખુદ વ્યક્તિ પોતે પણ મોટાભાગે એવું જ વિચારતી હોય છે કે હવે ઢળતી ઉંમરે લગ્ન શક્ય નથી. સમાજમાં ખરાબ દેખાય. લોકો વાત કરે. આવા વિચારોને લીધે, કે સમાજ નો ડર કે ક્યારેક કોઈ ધાર્મિક માન્યતાઓને કારણે વ્યક્તિ એવું જ વિચારવા લાગે છે કે વૃદ્ધાવસ્થા એટલે માત્ર ભગવાનના ભજન જ કરવાના હોય કે પછી પૌત્ર અને પૌત્રીની સાથે સમય ગાળવાનો હોય. આમ કરવાથી એકલતા આપોઆપ દુર થઇ જશે.

આપણે આ માન્યતા કદાચ એક જડ રીતે સ્વીકારી લીધી છે. આપણે કહેવાઈએ છીએ આધુનિક પણ શું આપણે આપણાં વડીલોની એકલતા કે ખાલીપો દુર કરવાનો પ્રયત્ન કર્યો છે ખરો? આપણે એ તરફ લક્ષ્ય કર્યું છે ખરું કે તેમને પણ કોઈની જરૂર છે.

સાચી હમદર્દી તો એક સમવયસ્ક સાથી જ આપી શકે ને? એવી એકલતા તો સાથી જ દુર કરી શકે ને?

આવા સમયે સ્ત્રી કે પુરુષ શું જીવનસાથી ન શોધી શકે? શું તે જીવનનો બીજો અધ્યાય શરુ ન કરી શકે? બે અલગ અલગ એકલું જીવન જીવતી વ્યક્તિઓ એક થઇ ને પોતાનું જીવન ખુશમય ન કરી શકે?

“લગે રહો મુન્નાભાઈ” અને “મેરે બાપ પહેલે આપ જેવી” ફિલ્મો ઘણાએ જોઈ હશે.  “લગે રહો મુન્નાભાઈ”  માં એક દ્રશ્ય હતું વૃદ્ધાવસ્થામાં લગ્ન કરતા વ્યક્તિઓનું, જયારે “મેરે બાપ પહેલે આપ” જેવી ફિલ્મમાં તો પિતાના લગ્નની જ વાત હતી.

હું એવું માનું છું કે જો વડીલોને આપણે સમય ન આપી શકતા હોય તો તેમને ખાલીપો પણ ભેટ ધરવાની જરૂર નથી….

હા, જીવનનો નવો અધ્યાય શરુ કરવામાં તેમને મદદ જરૂર કરી શકીએ. 🙂