ક્યાંક એક નાની અમથી વાર્તા વાંચી હતી…થોડી ઘણી યાદ છે…કદાચ ચિત્રલેખામાં વાંચી હતી.
એક માણસ પોતાના જીવનથી હારી ગયો હોય છે. કોઈ તેના મિત્ર નથી રહ્યા. કોઈ સગા-સંબંધી પણ નથી રહ્યા. તેની પ્રેમિકા કે જેને એ પોતાનાથી પણ વધારે પ્રેમ કરતો હતો એ પણ તેને છોડી ને જતી રહી છે. એ એટલો દુઃખ અને શોક માં ગરકાવ થઇ જાય છે કે એને મૃત્યુ સિવાય કોઈ માર્ગ નથી દેખાતો. એક દિવસ સવારે એ નિર્ણય લઇ લે છે. આજે તો જીવન સમાપ્ત કરી જ દેવું છે. અને ઘરે થી નક્કી કરીને નીકળે છે કે જો મને સામે કોઈપણ એક એવી વ્યક્તિ મળશે કે જે મારી સામે સ્મિત કરશે તો હું આત્મહત્યા નો નિર્ણય મૂકી દઈશ.
એ ચાલતો જાય છે તેમ તેમ રસ્તામાં એને ઘણાં લોકો મળે છે, પણ કોઈ સ્મિત આપતું નથી. પણ કદાચ એની આત્મહત્યા ભગવાનને મંજુર નહિ હોય તેથી એક વ્યક્તિ એની સામે હસતી હસતી આવતી હોય છે. છેવટે તેણે પોતાનો આત્મહત્યાનો નિર્ણય મૂકી દેવો પડે છે…… આવી જ કંઈક વાર્તા હતી.
ત્યારે વિચાર આવે કે જો એ વ્યક્તિને સ્મિત આપતી વ્યક્તિ ના મળી હોત તો……? તો કદાચ એ વ્યક્તિ જીવિત ના હોત.
ખેર, આ તો વાર્તા હતી. તેમાં કઈપણ થઇ શકે છે.
પણ જરા વિચારીએ તો……
આપણે રોજ કોઈને કોઈ કાર્ય માટે બહાર જવાનું થાય જ છે. રોજ કઈ કેટલીયે નવી વ્યક્તિઓ જોવા મળતી હોય છે. ઘણી વ્યક્તિઓ એવી હોય છે જે રોજ મળતી હોય છે. લગભગ તો સામે મળતી વ્યક્તિઓના ચહેરા ભુલાઈ જતા હોય છે. ક્યારેક વળી કોઈના ચહેરા યાદ પણ રહી જતા હોય છે.
આવી રોજ મળતી વ્યક્તિની સામે આપણે ક્યારેય નાનું અમથું સ્મિત આપ્યું છે ખરું? (સાવ અજાણી છતાંપણ રોજ મળતી વ્યક્તિની વાત છે.)
ધારો કે, જો વાર્તાવાળી વ્યક્તિની સામે આપણે ગયા હોત તો….?
આપણે કોઈને આર્થિક રીતે મદદ ના કરી શકીએ તો કઈ નહિ પણ એક હળવું સ્મિત તો આપી જ શકીએ ને? તેના ખભા પર હાથ મુકીને એવું આશ્વાશન તો આપી જ શકીએ ને કે “મૈ હૂં ના”. અથવા તો ફેમસ “જાદૂ કી ઝપ્પી”. કોઈનું દુઃખ ભલે ઓછું ના કરી શકીએ પણ તેના દુઃખ ને સાંભળી તો શકીએ ને.. થોડી સાંત્વના પણ માણસને ઘણાં મોટા દુઃખમાંથી ઉગારી લે છે.
કદાચ આપણું સ્મિત કોઈનું જીવન બદલી દે…!!!!
માટે હંમેશા ચહેરા પર સ્મિતને રમતું રાખો.
તો હવે તો કોઈ અજાણી વ્યક્તિને સ્મિત આપશો ને ?