સ્કૂલનો સમય


સવારના સાડા દસ થઇ ગયા છે. અગિયાર વાગે સ્કુલમાં પહોંચવાનું છે. ઘરે થી સ્કુલ માં જતા દસ મિનીટ લાગે છે. સમયસર નહિ પહોંચીએ તો પ્રિન્સીપાલ અમને સ્કુલમાં પ્રવેશ નઈ કરવા દે. પ્રાર્થના બહાર ઉભા ઉભા જ કરવી પડશે. ઉપરથી પ્રિન્સીપાલ ખીજાશે એ અલગ.

છોડો વિચારવાનું. ભાઈ અને બહેન બંને સ્કુલમાં જવા માટે તૈયાર થઇ ગયા. જમવાનું બની ગયું છે. બંને ભાઈ બહેન જમવા બેઠા. એટલામાં એક ચકલી આવી. એને પણ જમવાનો સમય થઇ ગયો હતો. એના માળા માં બચ્ચા છે. એમને પણ જમવું છે. બધા નો જમવાનો સમય ભગવાને એક જ કેમ રાખ્યો હશે?

ભાઈ બહેન થોડા ભાત ના દાણા જમીન પર વેરે છે. ચકલી આવીને ભાત ના દાણા પોતાની ચાંચ માં ભરાવીને જતી રહે છે. ભાઈ બહેન ને હાશ થઇ. હવે પાછી તો નહિ આવે ને! પણ તેમની આ “હાશ” થોડી વાર માટે જ હતી. આ વખતે એક નહિ પણ સાથે બીજી બે ચકલીને લેતી આવી. તેમને પણ જમવું હતું!!!!

ફરીથી ભાઈ બહેને ભાત ના દાણા અને સાથે થોડા રોટલીના ટુકડા પણ વેર્યા. ચકલીઓની ફોજ ને તો જાણે મજા પડી ગઈ. દુર બેઠી બેઠી ખિસકોલી પણ આ જોતી હતી!! એને થયું હું શું કામ રહી જાઉં!!!! એ પણ આવી. અને આ શું!  ખિસકોલીએ તો કોઈને પણ પૂછ્યા વગર સીધી થાળીમાંથી જ રોટલીની ઉઠાંતરી કરી.  🙂   અને પોતાના બંને હાથ વડે રોટલીને ગોળ ગોળ ફેરવતી ખાવા લાગી.

બંને ભાઈ બહેન આ આખો ખેલ જોઈ રાજી રાજી. બંને જણ તેમને ખવડાવવામાં એટલા ડૂબી ગયા કે પોતાને જમવાનું હજી બાકી છે. સ્કુલમાં પહોચાવાનું છે આ બધું તો જાણે ભૂલી જ ગયા.

ઘડિયાળમાં અગિયારના ટકોરા પડ્યા એટલે ચમક્યા. પ્રિન્સીપાલ યાદ આવી ગયા.

પછી તો અડધું પડધુ ખાઈ ને મૂકી દોટ સ્કુલ ભણી….

10 thoughts on “સ્કૂલનો સમય

 1. અરે વાહ 🙂
  અતિતમાં ડુબકી મરાવી દીધી. મારો પણ આવો અનુભવ છે – અલબત્ત અમારો પરિવાર જરા મોટો હતો. ચકલી, કાબર, ખીસકોલીને બદલે ક્યારેક નોળીયો ઘરમાંથી કેળાં ઉઠાવી જતો, અને એક કુતરો તો હંમેશા હોય જ.

 2. જમતી વખતે કબુતર પણ આવે?

  અમારે ત્યાં દાદાની વાડીમાં તો અલક મલકના પક્ષીઓ અને પ્રાણીઓ આવે છે પણ જમતી વખતે તો ઉપર વર્ણવેલા એટલાં જ આવતાં.

  દાદાની વાડીમાં આવતાં પક્ષી – પ્રાણીઓની યાદીની એક નાનકડી ઝલક આ પ્રમાણે છે:
  ચકલી, કાબર, પોપટ, મોર, ઢેલ, કાગડો, કાગડ કુંભાર, કબુતર, હોલો, બુલબુલ, ટીહો (સીસોટી વગાડી શકે), દેવ ચકલી, દરજીડો, ખીસકોલી, નોળીયો, સાપ, ઘો, બીલ્લી, કુતરા, નાના નાના પાર વગરમા જંતુઓ, પતંગીયા, ભમરા વગેરે

  કોઈ ગાય, કોઈ ઉડે, કોઈ દોડે, કોઈ ચણ ચણે, કોઈ પાણી પીવે, કોઈ ડાળીએ હિંચકા ખાય, કોઈ ઝગડો પણ કરે હો 🙂

 3. અમારે ત્યાં પણ મારી મમ્મી બુમપાડે કે ચાલો જમવા સ્કૂલ નો સમય થયો ને,
  અમે આવીએ તે પહેલા તો મોઘેરા મહેમાન તેયાર જ હોય, ચકલી ચી ચી કરતી –
  કહે કે અમે પણ તેયાર છીએ છે ને કબુતર નો તો લહેકો જ જુદો હોય ,ગરદન ફુલાવી –
  ને કહે કે કયા સુધી અમારે રાહ જોવી ને, ભાઈ બહેન માં કોની રોટલી જલ્દી ખાય –
  છે એ પછી અમારા ભાઈ બહેન ની મીઠી લડાઈ, એ પણ જિંદગી ની એક મજા હતી ,
  ને આજ કયા ભાઈ કયા બહેન ને કયા એ મીઠાશ, આજ તો છે ફક્ત યાદો..યાદો…ને બસ
  સીમા દવે

  1. શ્રી સીમા બહેન
   આપની વાત સાચી છે હું નાનકડો હતો અને મારી બહેન મને તેડી તેડીને ફરતી, કોઈ માગે તો ધરાર ન આપે અને કહે કે હક્કન નહિં આપુ, મારો ભાઈ છે ! અમે સાથે એટલું બધું રહ્યાં છીએ કે જ્યારે તે વાતો યાદ આવે ત્યારે આંખો ભીંજાય. હવે તો સાસરે તેની પણ મર્યાદા હોય અને હું પણ મારા સંસારની પળોજણમાં વ્યસ્ત – ત્રસ્ત – મસ્ત. તેમ છતાં એકાદ અઠવાડીયે જ્યારે પણ મળીએ ત્યારે પ્રેમથી વાતો કરીએ – તેની મુશ્કેલીઓ મને બેચેન બનાવે અને મારી તકલીફોમાં તે રડી પડે. દૂર જરુર થયાં છીએ પણ અમારી વચ્ચેનો સ્નેહ તો અતૂટ જ છે.

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.