તમને રૂમાલ ભૂલી જવાની ટેવ છે?

લેખક : અશોક દવે
 
 
ઘરથી નીકળતી વખતે મને સૌથી મોટી ચિંતા રૂમાલ ભૂલી જવાની હોય છે. બહાર નીકળ્યા પછી આજ સુધીમાં ફક્ત એકજ વાર શર્ટ પહેરવાનું ભૂલી ગયો છું…(મને ખબર છે, અહી વાક્ય પૂરું કરવા માટે તમારી હ્યુમર ફૂટી નીકળવાની…) બાકી રુમાંલનું તો રોજનું છે. બુદ્ધિશાળી લોકો ઘરની બહાર નીકળતા પહેલાં કાંસકો, રૂમાલ, વોલેટ(પાકીટ), ગાડી/સ્કૂટરની ચાવી, ડાયરી, ગોગલ્સ અને પેન લેવાનું ભૂલતા નથી.. અને ઘેર પાછા ફરતા આમાંની એક-બે ચીજો બહાર ભૂલીને આવવાનુય ભૂલતા નથી. (મારા જેવો ભૂલમાં બીજાની એકાદ ચીજ ઘેર લાવવાનું ભૂલતો નથી.)
 
‘હું રૂમાલ ભુલી તો નહિ ગયો હોઉં ને?’ એવી ચિંતા રૂમાલ લઈને નીકળવા છતાં ય થતી હોય છે – રોજની આદતને કારણે બબ્બે મિનીટે મારા પાટલુંનના બંને ખિસ્સા દબાવી જોઉં છું. દબાવતી વખતે પોચું પોચું લાગે તો સમજવાનું કે મહીં રૂમાલ છે. આ પદ્ધતિનો ફાયદો એ છે કે, ખિસ્સાકાતરૂઓ દુર રહે છે. કાતરી કાતરીને બહુ બહુ તો રૂમાલ કાતરી જાય છે. એમાં ય આપણો રૂમાલ કાતર્યા પછી એને કમાવાનું શું? આમેય ધોવા નાંખવાનો હોય..!
 
અલબત્ત, રૂમાલ રાખવાના મુખ્ય કારણોમાં, નાક લૂછવું, ઉધરસ ખાતી વખતે મોઢું ઢાંકવું, કોકના સોફા પર બેસતા પહેલાં પાથરવા માટે, સ્કૂટરની સીટ ઝાટકવા માટે અને ખાસ તો નવી નવી ઓળખાણ થઇ હોય એવી મહિલાની અશ્રુભીની આંખો અને નાક લુછવા આપવા માટે (એના આંખ-નાક આપણે કારણે ભરાયા હોય તો !) શાસ્ત્રોમાં ગણાવાયા છે. આયુર્વેદે તો રૂમાલના ચાર પૈકીના એક છેડાની ગડી વાળીને નાકમાં ઘુસાડીને છીંકો લાવવા માટે પણ નમ્ર ભલામણો કરી છે. પણ આ બધાથી ઉપર એક કારણ એ છે કે, રૂમાલ સભ્યતાની નિશાની છે. ખિસ્સામાં નેપકીન કે ખભે ટુવાલ લઈને ફરવાથી સભ્યતા બતાવી શકાતી નથી – રૂમાલથી જ બતાવી શકાય છે. આપણને આદત પણ એવી પડી ગઈ હોય છે કે, રૂમાલ વિના સૂનું સૂનું લાગે છે. કુંભના મેળામાં નાનો ભાઈ ખોવાઈ ગયો હોય એવું લાગે છે. મોટા થયા પછી કોઈ ગીત બે ભાઈઓને એક કરે, એવું રૂમાલોની દુનિયામાં નથી બનતું-ગમે તેટલા ગીતો ગાવ ને ! ખોવાયેલા રૂમાલો મેળા-પ્રેમી કે સંગીતપ્રેમી નથી હોતા…અક્કલવાળા હોય છે…
 
મારો પ્રોબ્લેમ એ છે કે, વગર રૂમાલે નાક લૂછતાં મને ફાવતું નથી અને રૂમાલ ન હોય તો નાક શેનાથી સાફ કરવું. એ પ્રશ્નો મારા સિવાય કોઈને સુઝતા નથી. આ કાઈ મારે એકલાએ વિચારવાનો પ્રશ્ન છે? બધાને લાગુ પડે છે. ઉકેલ શોધવામાં તમારે ય મારી મદદ કરવી જોઈએ.
ઘરથી નીકળતા રૂમાલનું ભૂલી જવું, એ કોઈ સામાન્ય વાત નથી-ખાસ તો શરદી થઇ હોય ત્યારે!
 
નાના હતા ત્યારે સમજ્યા કે, કોઈ ન જોતું હોય ત્યારે શરતની બાંય વડે નાક ઉપર લિસોટો પડી દઈએ એટલે જરૂર પૂરતી સાફસૂફી થઇ જતી. આજે કોઈ જુએ તો ખરાબ લાગે…કોઈ ન જોતું હોય તો લૂછી લેવામાં વાંધો નહિ..!(અડધી બાંયવાળાઓની સાથે તો હું શેઈક – હેન્ડ પણ ના કરું..!)