સંગીત સમ્રાટ – પ્યારે પંછી બાહોં મેં… ગાતી કોયલ રાહોં મેં… ધરતી પે યેહી તો ખુશી હૈ!

લેખક : જય વસાવડા

(Received by E-Mail from Mr. Hiren Modhvadiya)

નેવુંના દાયકાની શરૂઆતના એ દિવસોમાં મમ્મી-પપ્પાની આંગળી ઝાલી ને પહેલી વખત તમિલનાડુ જવાનું થયું. ચેન્નાઈમાં રઝળપાટ કર્યા પછી સ્વાભાવિકપણે કશુંક અનોખું “સુવેનીઅર” પ્રવાસના સ્થળેથી લઇ જવાનું મન થયું. યાદગીરી શું? ઘણુંય ફંફોસ્યા પછી એક મૂઝિક શોપમાં પગ મુક્યો. ફિલ્મ સંગીત અને ઓક્સિજન વિના કેમ જીવી શકાય, એવું ત્યારે થતું હતું. (આજે લાગે છે કે ઓક્સિજન વિના તો જીવી શકાય !) એટલે “અગડમ બગડમ વડ્ક્કમ” વાળી ફોર્માલીટી પછી દુકાનદારને સમસ્યા સમજાવી સેવન્ટી એમએમ સ્માઈલ સાથે એણે ટેબલ પર એક કેસેટ મૂકી – “Take this you will remember it for lifetime and this trip to Tamilnadu”

એ આલ્બમ હતું એ આર રેહમાને કમ્પોઝ કરેલું “કાદ્લન” (સાથ મેં “મધ્યમ” કશું યાદ આવ્યું? પ્રભુ દેવા ને ડાન્સિંગ સુપરસ્ટાર બનાવતું એ શંકર દિગ્દર્શિત ફિલ્મ, જેનું હિન્દી માં ડબિંગ થયું “હમ સે હૈ મુકાબલા !” ઉર્વશીઈઈઈ ઉર્વશીઈઈઈ ટેક ઈટ ઇઝી ઉર્વશી ! જીત કા મંત્ર હૈ ટેક ઈટ ઇઝી પોલીસી, ચાર દિન કી ચાંદની, ફિર જવાની ફેન્ટસી! (આ ગીતકાર પી. કે. મિશ્રા પણ ખરી હટેલ “ખોપડી” હતા !)

બસ ટેક ઈટ ઇઝી પોલીસીથી કમ્પોઝર અલ્લા રખ્ખા રેહમાન સાઉથ ઇન્ડિયન ઢોસામાથી બાજરા ના રોટલા, પંજાબી પરોઠા, તંદુરી રોટી, પુરણપોળી થતા થતા ક્યારે ઇટાલિયન પીઝા, ફ્રેંચ બ્રેડ કે અમેરિકન બર્ગર થઇ ગયા એની તો હબર પણ ન પડી.

રેહમાન. મૂઝિક કમ્પોઝર નહી. ગોડ ઓફ મૂઝિક ગુજરાતી સુગમ સંગીતમાં રેહમાન જેવા પ્રયોગો કરનાર તેજસ્વી જુવાન મેહુલ સુરતી સંગીત ની તમામ બારીકીઓ સાથે એવું સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ કરે છે :”આઝાદી પછી ભારતમાં એક જ સંગીતકાર જન્મ્યો છે એ. આર. રેહમાન !”

વેલ, આર. ડી. બર્મનનું નામ ફૂદડી કરીને આંખો મીંચીને નહિ, ખુલ્લી રાખી ને આ સ્ટેટમેન્ટ પર સહી કરીએ છીએ. એક્ચુઅલી, ખુદ રેહમાન ને ના ગમે એવું એરોગેન્ટ સ્ટેટમેન્ટ એ છે કે ભારત માં એ. આર. રેહમાનની કક્ષાનો Musical કમ્પોઝર ક્યારેય થયો જ નથી! ઓસ્કાર બે હોય કે બાવીસ એ ફુદીના-આદુની ચટણી છે, રેહ્માનની ટેલેન્ટ સામે!

ના ગમ્યું? ડીબેટ કરવાનું મન થયું? તો અહી થી જ આ વાંચવાનું પડતું મૂકી ને કોઈ સારા ઈ.એન.ટી. સ્પેસ્યલીસ્ટની appointment લો. અને આપના કાનને ચેક કરવો. કાન ઓકે નીકળે તો next appointment ન્યુરોલોજીસ્તની મગજમાં મજ્જાતંતુઓ લોહી તો પહોચાડે છે ને?

વેલ, મ્યુઝીક ના મેજીકની વાત પછી. અત્યારે મેજીશ્યનની વાત. રેહમાન ની એક સ્પેશ્યલ સ્ટાઈલ છે ધીમી ક્લાસિકલ નોટમાં કોઈ સુરીલું ગીત શરુ કરી ધીરે ધીરે ક્લાઈમેક્સ સુધીમાં ગ્રાન્ડ ઓરકેસ્ટ્રા એરેન્જમેન્ટથી એને ઝરણામાંથી ઘૂઘવાતો સમંદર કરી દે.

ઓલરેડી દરિયા જેટલી શાહી જેમની જીવનકહાની પર આજકાલ નિચોવાઈ ગઈ છે, એ રેહમાનના જીવનના હજુ કેટલાક એકદમ interesting સીન્સ ફાઈનલ વર્ઝનમાં આવ્યા જ નથી. લેટ્સ ક્લિક ઓન ધોઝ ડીલીટેડ સીન્સ.

*****

પિતા શેખર એરેન્જર, આસીસ્ટંટ તરીકે કામ કરતા એમની સાથે દીકરો દિલીપ જતો. એકવાર સંગીતકાર સુદર્શનના ઘેર હાર્મોનિયમ પર એ કશુક વગાડવા લાગ્યો. છોકરડું હાર્મોનિયમ સાથે છેડછાડ ન કરે એટલે સુદર્શને હાર્મોનિયમ પર કપડું ઢાંકી દીધું પણ ફરીથી (કીઝ જોયા વિના) એ જ ધૂન વગાડી દીધી! પ્રભાવિત થયેલા સુદર્શને છોકરાને સંગીતની તાલીમ આપવાનું કહ્યું, જે એણે ધનરાજ માસ્ટર પાસેથી લીધી.

પણ દિલીપને તો એન્જિનિયર થવું હતું. એને રસ મ્યુઝીકમાં નહોતો ટેકનોલોજીમાં હતો. એના ઘરે એ વખતે ધંધાકીય કામ માટે વિદેશથી મંગાવેલું સીન્થેસાઈઝર આવ્યું અને દિલીપને એની સાથે રમવામાં ગજબનાક રસ પડ્યો. (આજે એ જ રમત, આપણને કેવી અદ્ભુત રંગત આપે છે!) એડવાંટેજ? મેનકાઈન્ડ. હ્યુમન રેસ.

પણ પિતા શેખર સ્વતંત્ર સંગીતકાર તરીકેની પોતાની પહેલી ફિલ્મ રીલીઝ થાય એ પહેલા જ ગુજરી ગયા! એમને કોઈ વિચિત્ર બીમારી હતી. પત્નીના મતે તો કાળો જાદુ હતો. આજે પણ એની વાત કરવાનું રેહમાન ટાળે છે. અગિયાર વરસનો દિલીપ રોજ હોસ્પિટલની દોડધામમાં આમેય મધ્યમવર્ગીય કુટુંબ, અને હોસ્પિટલ તથા કોર્ટના ચક્કરો હંમેશા બેંકના ફેર વધારી દેતા હોય છે. બચત સાફ છતાંય કોઈ ઈલાજ વિના ગુજરી જાય. ત્રણ બહેનો, માં બધાનો ભાર ઇલ્કા દિલીપ ઉપર!

દિલીપ પ્રતિષ્ઠિત કહેવાય એવી પદ્મ્શેશાદ્રી સ્કુલમાં ભણતો હતો ત્યાંથી સામાન્ય બાળકોની મદ્રાસ ક્રિશ્ચિયનમાં દાખલ થઇ ગયો. અગિયારમાં ધોરણથી તો આથિક જવાબદારીઓ સંભાળવા ભણવાનું જ છોડવું પડ્યું.

લેકિન યે દિલીપ શેખર આખિર અલ્લા રખ્ખા રેહમાન કૈસે બના?

*****

અચાનક આવેલી હાડમારીથી દિલીપ સંપૂર્ણ નાસ્તિક જ થઇ ગયેલો. ભગવાનમાં માનવાનું નહિ. સંગીતકારોના સંપર્કથી આસીસ્ટંટ તરીકેનું નાનુંમોટું કામ મળે, એ કામની સાથે ભણનારા દોસ્તો (ડ્રમર શિવમણી, વંદે માતરમવાળા ભરત બાલા) સાથે સ્થાનિક રોક બેન્ડ બનાવી ધમાલ કરવાની. ધેર ઈઝ નો ગોડ. ભગવાન હોય તો આટલા દુઃખ આપે? ફરગેટ ગોડ.

અને અચાનક કાળચક્રે એવો વળાંક લીધો કે યહી તો વહ જગહ હૈ, ગુજરે થે હમ જહાં સે ! રેહમાનની બહેન બીમાર પડી. વળી કોઈ એવી બીમારી, જેનો તોડ મેડીકલ સાયન્સ પાસે નહોતો. સ્વાભાવિકપણે તમામ પ્રકારની પ્રાર્થનાઓનો દોર શરૂ થયો. હોમ-હવન, ચર્ચમાં પ્રેયર, તાવીજ જ્યાં કંઈ ચમત્કારની પાતળી આશાનું કિરણ દેખાય ત્યાં મુઠ્ઠીઓ વાળીને દોડી જવાનું. દિલીપને કંટાળો આવે,- ઈશ્વર છે જ ક્યાં?

અને અચાનક રામકૃષ્ણ પરમહંસ – વિવેકાનંદ જેવી સ્ટાઈલમાં પીર કાદરી તરીકે ઓળખાતા શેખ અબ્દુલ કાદિર જીલાની સાથે મુલાકાત થઇ. દિલીપને એણે કહ્યું : “કાલે તારી બહેન સજી થઇ જશે પણ તારું મન અશાંત છે. તું અહી જે કામ માટે આવ્યો છે તે નહિ થાય.”

બહેન સજી થઇ ગઈ. રેહમાનના મન માં શ્રદ્ધાની સિતાર રણઝણી. પીર કાદરીએ કહેલું કે બંદગી કર માલિક તને દુનિયાના શિખરે બેસાડશે.

ખરેખર, અલ્લાહે જ રખેવાળી કરી હોય એમ જાહેરાતોના જિંગલ્સ (એમઆરએફ, ગાર્ડન, એશિયન પેઈન્ટ્સ, સિન્થોલ, ટાઈટન વગેરે) બનાવતા રેહમાનને ફક્ત ૨૫,૦૦૦ માં એક ફિલ્મ કરવા મળી, જે માત્ર દિગ્દર્શક સોંગ પિક્ચરાઈઝેશનના એક્કા ગણાતા હોઈને એણે કરી. એ હતી મણી રત્નમની “રોજા !”

આજે “રોજા” નો આ રાજા દુનિયા પર રાજ કરવાના ચક્રવર્તી શાસનનું મંગલાચરણ કરી ચુક્યો છે. પણ જગતના તખ્તે રેહમાન પહેલી વખત જ ગુંજ્યો નથી.

*****

સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં આસિસ્ટંટ તરીકે કામ કરતા નેસેસીસ એવન્યુ, રોક્સિજન જેવા રોક બેન્ડ્સમાં રેહમાન જોડાયેલ હતો. પછી સ્કોલરશિપ મળતા ઓક્સફર્ડ યુનીવર્સીટીની ટ્રીનીટી કોલેજ ઓફ મ્યુઝીકમાં એણે બાકાયદા વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝીકનો અભ્યાસ પણ કરેલો છે. અને એ “ફોરેન ટચ”આજે ય એને કામ લાગે છે!

રેહમાનનું “તાલ” નું મ્યુઝીક સાંભળી ન્યુયોર્કના બ્રોડ વે પર “ફેન્ટમ ઓફ ધ ઓપેરા” જેવું ક્લાસિકલ મ્યુઝીકલ રચનારા “સર” એન્ડ્ર્યુ લોઇડ વેબરે એના નવા મ્યુઝીક “બોમ્બે ડ્રીમ્સ” નું કમ્પોઝીશન સોંપ્યું. (એમાં બોમ્બે ડ્રીમ્સ અને લાઇફ ઈઝ ઈગલ સાંભળીને જેના પગ થીરકે નહિ, એમણે પેરેલિસિસ માટેની તપાસ કરાવી લેવી!) સંસ્કૃત વેદમંત્રો પરથી રેહમાને “એકમ સદ” (એક સત્ય) ગીત બનાવ્યું એ વખતે ખુદ રેહમાન જેની બીટ્સથી પ્રભાવિત એ પોપનો પિતામહ માઈકલ જેક્સન પેરિસમાં હતો. માઈકલને એ ગીત એટલું ગમ્યું કે એણે એની કોન્સર્ટમાં મ્યુનિક ખાતે રેહમાનને એ પરફોર્મ કરવા બોલાવ્યો. એટલું જ નહિ ઇન્ટરનેશનલ મ્યુઝીકના વજનદાર નામો સ્ટીવ વન્ડર, બોયઝોન મેમેસા જો, લ્યુસીયાનો થાવરોડ્ડી વગેરે એમાં પરફોર્મ કરતા હોવા છતાં જેક્સને ફાઈનલ આઈટમ રેહમાનની રાખી અને પછી એમાં ગીતનો અંગ્રેજી ભાગ સ્ટેજ પર આવી રેહમાન સાથે પોતે ગાયો! પછીથી ગ્લોબલ હીટ “લોર્ડ ઓફ ધ રિંગ્સ” ફિલ્મ પર ના બ્રોડ વે મ્યુઝીકમાં ભારત પર કથાનક આધારિત ન હોવા છતાં રેહમાનનું સંગીત લેવામાં આવ્યું!

*****

ઓસ્કાર વિજય પછી ભારત વર્ષે સાગમટે “જય હો જય હો” નો જયઘોષ કર્યો પણ રેહમાનને બેસ્ટ ઓરીજીનલ સ્કોર અને આખી ફિલ્મના સંગીતનો ઓસ્કાર મળ્યો છે! “સ્લમ ડોગ મિલિયોનર” ના ઓ સાયાના જંગલની રિધમ જેવા બીટ્સ હોય કે મૌસમનું સુમધુર રણઝણતું બારીશની બુંદો જેવું સંગીત! gengsta blues હોય કે લતીકાઝ થીમ… બધામાં રેહમાને જાદુઈ રચનાઓ આપી છે. રેહમાનના ફિલ્મી સંગીત વિષે તો એક અલાયદો લેક લખવો પડે. કારણ કે એમાં એણે લોકસંગીત, શાસ્ત્રીય રાગ-રાગિણી, વેસ્ટર્ન સિમ્ફની, તાલ અને તાન પલટા, અંતરા-મુખડા-સૂર સાથે જે પ્રયોગો એ કેવળ શ્રવણિય છે અને શબ્દોમાં અવર્ણનીય છે! રેહમાનનું સંગીત સિવાયનું ઊંડું જ્ઞાન તરત જ દેખાઈ આવે છે. સુભાષ ઘાઈની “કિસના” માં ટીપીકલ વેસ્ટર્ન સોંગ (My Wish Comes True )સાથે એણે (સીડીમાં ન આવેલા) વેદના મંત્રોનું રૂંવાડા ઉભા થઇ જાય એવું મેમોરાઈઝ્ડ કરી દેતું ફાસ્ટ બીટમાં કમ્પોઝિશન કરેલું! “વોટર” માં કાલિદાસની રચના હોય કે “રંગીલા” માં અમેરિકન ટચ હોય, રેહમાન ઈઝ ધ બેસ્ટ! એ “મંગલ પાંડે”માં હિંદુ પરંપરા ઉભી કરી દે, તો “જોધા અકબર” માં ઇસ્લામિક ! રેહમાનની સંગીત ઉપરની જ નહિ, ફિલ્મના સબ્જેક્ટ ઉપરની પક્કડ પણ ગજબનાક હોય છે. એ રેડીમેડ ટ્યુન્સ પીરસવાના બદલે ફિલ્મની થીમ અને મૂડને સમજીને મ્યુઝીક તૈયાર કરે છે. એનડીટીવી કે ટાઈમ્સની સિગ્નેચર ટ્યુન્સમાં પણ એવું જ.

એટલે જ “ગુરુ” ના “તેરે બીના…” ગીતમાં “દમ તર મસ્ત…” જેવી અરેબીક ટયુન વાગે, ત્યારે રેહમાન પાસે જવાબ હાજર હોય કે એમાં ગુરુભાઈ શરૂઆતમાં અરેબીક કલ્ચર વચ્ચે તુર્કીમાં રહ્યા હતા ને ! રેહમાન વોઇસની મેલોડી સાથે instruments ની અફલાતુન હાર્મની પાટણના પટોળાના તાણાવાણાની જેમ રચી નાખે છે. એમની બીજી ખૂબી એ છે કે એ “ટોટલ કમ્પોઝર” છે. “દિલ સે” કે “ગજીની” જેવી ફિલ્મોમાંથી બેકગ્રાઉંડ મ્યુઝીક કાઢી નાખો તો? એ બેકગ્રાઉંડ પણ આપે છે, ટેકનીશ્યન હાજર ન હોય તો સાઉંડ રેકોર્ડિસ્ટ પણ બની જાય છે. કામ ફક્ત રાતના જ કરવાનું, ઇબાદતની જેમ એકાંતમાં! અને સંગીતને કોઈ સરહદમાં બાંધવાનું નહિ – કોલેજીયન રોમાન્સ હોય કે પીરીયડ ફિલ્મ… રેહમાન ગામડાઓમાં ફરી સંગીત સાંભળે છે, એક રેકોર્ડીંગ માટે કોઈ વાદ્ય વિદેશથી મંગાવે છે!

પોરબંદરમાં મુળિયા ધરાવતા સાયરા બેગમને પરણ્યા હોઈને રેહમાન ગુજરાતનો જમાઈ થયો (કચ્છનું મોરચંગ તો આમેય એમના ગીતોમાં બહુ વાગે!)

પણ રેહમાનને નજીકથી ઓળખનારા લોકો એકી અવાજે કહે છે કે, આ માણસ ઓલીઓ છે. પોપ આઇકોન ભલે ગણાય પણ આજે ધર્મસ્થળોએ પણ જોવા ન મળે એવો સુફી છે. અમેરિકન ગીતકાર (ડોન બ્લેક, બોમ્બે ડ્રીમ્સ) ને રેહમાન સાથે કામ કરવાની એટલી મજા આવી, કે ગીતના શબ્દો સુઝે નહિ તો રેહમાન શાંતિથી કહેતો ” એ જયારે આવવાના હશે, ત્યારે આવી જશે!” જસ્ટ થીંક, રેહમાન વૈશ્વિક સ્તરનું વૈવિધ્યપૂર્ણ સંગીત બે દસકાથી અવિજિત નંબર વન રહીને આપે છે એની લગભગ ધૂનો કોપી નહિ ઓરીજીનલ હોય છે છતાં ખજાનો ખાલી થતો નથી. અરે, એકપણ ગીત વાસી થતા નથી! આજે “યે હસી વાદીયા” (રોજા) સાંભળો. જાણે અત્યારે જ હિલસ્ટેશન પર ગયા હો તેવું લાગશે! વળી, રેહમાનનું સંગીત ખરા અર્થમાં શરાબી નશાની મદહોશી છે. ઘણા ગીતો પહેલીવાર અંદર ઉતરે જ નહિ, યાદ ન રહે – જેમ સાંભળો એમ ધીરે ધીરે પાંખડીઓ ઉઘડતી જાય અને પમરાટ મહેકતો જાય! ઈટ ટેઇકસ ટાઇમ ટુ સેટલ ડાઉન ઇન નર્વ્ઝ!

રેહમાન આ બધાથી સ્થિતપ્રજ્ઞ છે. જીભને બદલે કામને બોલવા દે છે. ધર્મ, જાતિના ભેદભાવ વિના પુષ્કળ ચેરિટી કરતો આ સૂફી નવા નવા અવાજોને કોઈ રિઆલીટી શો વિના ચાન્સ આપી ઇન્ડિયન આઇડોલ બનાવતો જ રહે છે. “વંદે માતરમ” ને નવી પેઢીની જીભે રમતું કરી દેતું ” માં તુજે સલામ” ગયું ત્યારે કટ્ટરપંથીઓની ધમકીને લીધે મળેલી સિક્યુરીટી એણે નકારી કાઢેલી. “અલ્લાહ ઈચ્છશે તો જીવીશ, એ નહિ ઈચ્છે ત્યારે મારી જૈસ.” રેહમાન કહે છે, ” મંદિર-મસ્જીદ-ચર્ચ માણસ અને ઈશ્વરના સંવાદ માટે છે ટોળા-પ્રદર્શન માટે નહિ. વેલ, રેહમાન જેવું અલૌકિક સંગીત આપે છે એ જોતા નિશ્ચિત છે કે, ઉપરવાળા સાથે એનું ડાયરેક્ટ કનેક્શન છે!

ઝિંગ થિંગ

સોનમ કપૂર. સારા વિચારની શીખાઉ ટ્રીટમેન્ટને લીધે કંટાળાજનક દિલ્હી-૬ માં એકમાત્ર રાહત. મોમાં પાણી લઇ આવે મટટકઅલી.