દુષ્યંત-શકુંતલા એક લવસ્ટોરી


લેખક : અશોક દવે

હજારો વર્ષ પહેલાંની વાત છે.

કણ્વ ઋષિના આશ્રમની બહાર રૂપરૂપના અંબારસમી યુવાન શકુંતલા તેની પ્રિય ચમચી પ્રિયંવદા સાથે તીન પત્તી રમી રહી છે. ડોહાને આવી ખબર નહિ કે, આશ્રમની બહાર આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ખબર હોત તો એ ય રમવા બેસી જાય એવા હતા, એટલે બબાલ ટાળવા બન્ને સખીઓ કદમ્બના વૃક્ષ નીચે લીલાછમ છાંયડાની ઓથે બાવન-પાનાની ગીતા વાંચી રહી છે.

અચાનક એક ભમરો ઊડતો ઊડતો ત્યાં આવી ચઢ્યો. (ભમરા ઊડતા-ઊડતા જ આવે…રીક્ષા કરીને ના આવે, પણ સંસ્કૃત સાહિત્યમાં આવું લખ્યું છે, એટલે અમારે અહીં લખવું પડે. વાચકોને એમ ન લાગવું જોઇએ કે, અમને સંસ્કૃતનું કોઇ નૉલેજ નથી…આ તો એક વાત થાય છે !) શકુંતલા બી ગઇ. પ્રિયંવદાને વળગી પડી, એમાં તો આકાશમાંથી સેંકડો દેવતાઓએ પુષ્પવર્ષા કરી. પુરાણકથાઓ જેમણે વાંચી/સાંભળી હશે, એમને ખબર હશે કે, એ જમાનામાં દેવતાઓ આકાશમાં નવરાઘૂપ બેઠા રહેતા. પૃથ્વી પર જરાક અમથું કાંઇ થાય એટલે પુષ્પવર્ષાઓ કરવા મંડી પડે. નીચે ધરતી પર બૂમાબુમ થાય કે, ઉપરથી આ એંઠવાડ કોણ નાંખનાંખ કરે છે…?

‘‘ઓ મ્મી ગૉઑ….ડ….! આ ભમરો ક્યાંથી આવ્યો, પ્રિયવંદા…માર સાલાને…!’’ શકુંતલા બૅઝિકલી જીભે થોડી તોતડી હતી બારાખડીના અમુક અક્ષરો બોલતી વખતે, ગળામાં કાચની લખોટી ભરાઇ ગઇ હોય એમ અચકાઇ અચકાઇને ‘હંઅમઅ….’ એવો ઘ્વનિ પહેલા નીકળે પછી એ અક્ષર છુટો પડે. અહીં ‘ભ’ છુટો પડતા વાર લાગવાની હતી, એટલે શકુંતલી ફક્ત ‘મરો’ જ બોલી, એટલે એટલો ટાઇમ બચે. જગતભરના તોતડાઓએ સમાજકલ્યાણ ખાતર આટલું સ્વીકારી લેવું જોઈએ કે, જે અક્ષર ઉપર જીભ અટકતી હોય, એ રદબાતલ કરીને બાકીનો શબ્દ બોલી નાંખવો. આપણો સમય બચે અને આરોપીને કોઇ તકલીફ ન થાય. પ્રિયંવદાને વર્ષોથી શકુડી માટે ઝેર હતું, કારણ કે એના નામનો ઉચ્ચાર તો ‘પ્રિયમ-વદા’ થતો, (એટલે કે, ‘પ્રિય બોલનારી’) પણ તોતડી એને ‘પ્રિય-વંદા’ કહીને બોલાવતી, એમાં આની છટકતી. વંદા-મચ્છર તો કોને પ્રિય હોય ? આવા સંદર્ભો મહર્ષિ કણ્વની ઑફિશિયલ વૅબસાઇટ પરથી મળી રહે છે.

શકુની કારમી ચીસો પૂરા જંગલમાં દાવાનળની માફક ફેલાઇ ગઇ. જંગલને આ રોજનું થયું હતું, એટલે આટલી ચીસો છતાં જંગલનું એકે ય ઝાડપાન કે ચકલું ય ખસ્યું નહિ, પણ બાજુના ઝાડ નીચે બેઠેલો રાજા દુષ્યંત ચમક્યો. એને માટે ચમકવાનું રોજનું હતું. ભૂલમાં એણે ઉંધી સળગતી બીડી મોંઢામાં નાંખી દીધી. ચીસો સાંભળી એના હૈયામાં કંપન ફરી વળી. અમથી ય, બાજુના બે-બેડરૂમ-હૉલ-કિચનવાળા રાજમહલમાં કોઇ દાસી કે રાણી-બાણીની ચીસ સંભળાય, તો વિના મૂલ્યે કંપવા માટે દુષ્યંતનું હૈયું હંમેશા તૈયાર રહેતું.

રાજા દુષ્યંત દર શનિ-રવિ જંગલમાં મૃગયા (શિકાર) કરવા જતો. એની પાસે કોઇ અરબી-ફરબી ઘોડો નહતો. શહેરમાં રવિવારે જેમ કાર-મેળા ભરાય છે, એમ ત્યાં જંગલમાં ‘ઘોડા-મેળા’ ભરાતા. એક ઘોડાની ડોક પર હાથ ફેરવીને દુષ્યંતે પૂછ્યું, ‘‘આ કેટલા હૉર્સ-પાવરનો છે ?’’ એમાં ઘોડાવાળો ય ભડક્યો હતો. જો કે, દુષ્યંતની આ હ્યૂમર એને સમજાઈ નહોતી. (અત્યારે પણ ઘણા વાંચકોને ‘ઉપરથી’ જશે.) વળી, આવા મેળામાંથી લીધેલા ઘોડા તો કેટલું ચાલે ?… આઇ મીન, કેટલું દોડે ?

પરિણામે દુશીયો મૃગયા કરવા ઘોડાને બદલે પોતાનું ઍક્ટિવા લઇને નીકળી પડતો. સ્વાભાવિક છે, મુગુટને બદલે હૅલમેટ પહેરવી પડતી.

શકુંતલાની કરૂણ ચીસો સાંભળીને દુષ્યંત ઝાડી ઉપરથી ઠેકડો મારીને આવ્યો. બાજુમાં રસ્તો ખાલી હતો તો ય.

‘‘યસ મૅ’મ…ઍની પ્રોબ્લેમ….?’’

સરવાળે પેલી બન્ને એટલું જ સમજી કે, આ છે કોઇ ભિખારી, પણ ઈંગ્લિશમાં કેમ બોલ્યો, એની ખબર નથી. દુષીએ પોતાનું વિઝિટિંગ-કાર્ડ આપ્યું, ત્યારે ખબર પડી કે, આ તો બાજુના સ્ટેટવાળો રાજા દુષ્યંત છે. એ પાછો જીભ/જી્ ના ક્વૉટામાંથી રાજા થયેલો. શકુડી તરત મોહી પડી. એને માટે પણ કોઇની બી ઉપર મોહી પડવાનું રોજનું હતું. આ તો આશ્રમના હાળા ગંધાતી જટા અને જફરીયાવાળા બાવાઓમાં કમાવવાનું શું, એટલે ચાલુ જમાના પ્રમાણે હાલ પૂરતું એણે ઘ્યાન પ્રિયંવદામાં પરોવ્યું હતું. (‘‘ચાલુ જમાના પ્રમાણે’’ એટલે શું ? જવાબઃ ખબર નથી. જવાબ પૂરો) અલબત્ત, આ વખતે નવા લોહીને ચાન્સ આપવા શકુડીએ દુષ્યંત પર મોહી પડવાનું નક્કી કર્યું. યુવા-શક્તિ ઉપર શકુંતલાને પહેલેથી જ વિશ્વાસ. અલબત્ત, યુવાન દેખાવ-ફેખાવમાં જરી ઠીકઠાક હોવો જોઇએ.

દૂશીયો ખિસ્સામાં ‘બૅડબરી’ની ચૉકલેટો ભરીને જ આવ્યો હતો. બે ચૉકલેટો કાઢીને એણે શકુ-ડાર્લીંગ  ને ધરી. પેલી એક લઇ લીધા પછી બીજી લેવા જતી હતી, એ ચૉકલેટ દુશીએ પોતાના મોંઢામાં સરકાવી દીધી. શકુ ચાટ પડી.

રાજા દુષ્યંત હંમેશા ભારત-છાપ તલવારથી દાઢી કરવાનો આગ્રહ રાખતો. બજારની ઇમ્પોર્ટેડ બ્લૅડો એને મોંઘી પડતી. પણ આજે સવારે બાથરૂમના દરવાજે ભૂલથી તલવાર આડી રાખીને ધૂસવા જતા છાતી પર લોહીનો લાલ લિસોટો પડી ગયો હતો, એના અસહ્ય દુઃખાવાને કારણે દાઢી થઇ નહોતી, તો વાચકો દુષ્યંતને માફ કરે. એ નહતો જાણતો કે, એ શું કરી રહ્યો છે.

‘‘મુસાફર….આપ કોણ છો, ક્યાંથી પધાર્યા અને કઇ બાજુ સિધાવી રહ્યા છો ?’’ દુશીએ પોતાનું બિઝનૅસ-કાર્ડ આપી દીધુ હોવા છતાં પ્રિયંવદાએ મૂન્ડી ઉંચી કરીને, કપાળ પર પોતાની કોણી અડાડી બંધ આંખે પૂછ્યું.

‘‘જી. હું આ સ્ટેટનો રાજા છું…!’’

‘‘રાજા….? રાજા એટલે….યૂ મીન, લુહાણા કે નાગર….?’’ પ્રિયંવદાનું જનરલ-નૉલેજ ઓછું.

‘‘જી. રાજા એટલે કિંગ. મેં આ મહિલાની વેદનાભરી ચીસો સાંભળી એટલે મને મારો ક્ષાત્રધર્મ સાંભર્યો. હું આપને બચાવવા આવ્યો છું, મૅડમ.’’

મૂળ ઈતિહાસ ભૂલીને દુશીયો પ્રિયંવદાને બચાવવાની ઠોકાઠોક કરતો હતો. એને શકુંતલાને બદલે પ્રિયંવદા ગમી ગઇ. રાજા, વાજાં અને વાંદરા…આ ત્રણેનું કાંઇ ઠેકાણું હોય ?

‘‘સર જી…પણ ભમરો તો શકુની પાછળ પડ્યો છે…’’

‘‘એ એની બૉ’ન પૈણાવવા ગઇ…તું તારે-’’ એવું એ બોલવા જતો હતો, ત્યાં શકુનો સેલફોન રણક્યો અને એ ‘‘ઍક્યૂઝ મી…’’ કહીને ઝાડી પાછળ વાત કરવા જતી રહી. દુશીયાની બીજીવાર નજર પ્રિયંવદા પર પડી. એ નીચું જોઇને શરમાઇ ગઈ. ફાધરે છાપાઓમાં બહુ ટચૂકડીઓ આલી હતી, પણ ક્યાંય મેળ પડતો નહતો….(ફાધરનો નહિ, પ્રિયંવદાનો !) આ બોકડો હાથમાં આવે તો લાઇફ બની જાય, પણ દર વખતની જેમ શકુ વચમાં ટાંગ મારશે જ, એ ભય ખોટો પણ નહોતો. ‘વો અફસાના જીસે અંજામ તક લાના ન હો મુમકીન, ઉસે એક ખૂબસુરત મોડ દેકર છોડના અચ્છા…’ એને આગળની લાઇન નહોતી આવડતી, એટલે જીવનમાં એ આગળનું બહુ વિચારી ન શકતી.

‘ઍક્ચ્યૂઅલી…ક્યારનો એક ભમરો-લો, આ આવી શકુ….! શકુ ડીયર…આ ભ’ઇ પૂછે છે, શું થયું’તું….?’’ ફરી શકુંતલાએ ચીસ પાડી. ફરી ભમરો એની ઉપર ફરી વળ્યો હતો. ફરી એ ‘‘બચાવો…બચાવો’’ની ચીસો પાડતી પ્રિયંવદાને વળગી પડી. દુશીયો ‘‘કોણ છે…કોણ છે…?’’ કરતો ભારે ગુસ્સામાં આજુબાજુ-ઉપર નીચે જોવા માંડ્યો. શકુએ પ્રિયાને કોણી મારીને કહ્યું, ‘‘આ ડોબાને એટલી ય ખબર પડતી નથી કે કોણ છે ? તો અહીં શું કામ આયો છે…?’’

કાચી સૅકન્ડમાં દુશીયાને પોતાની ભૂલ સમજાઇ ગઇ અને ઝાડી ઉપરથી ફરી ઠેકડો મારીને ઍક્ટીવાની ડિકીમાંથી, જીવડાં ભગાડવા માટે વપરાતો ફિલટનો પમ્પ લઈ આવ્યો.

‘‘સકુ….સકુ…હવે એ ભમરાને હું જીવતો નહિ છોડું…. છી… છી…. છી…’’

તલવારને બદલે ફિલટનો પમ્પ વાપરતા ટપોરી પાસે આયખું તે શેં જાય, એવો વિચાર એને આવ્યો. ભમરો હજી હવામાં ચક્કરો મારી રહ્યો હતો.

દુષ્યંત જરી ચોંટુ હતો. એને ભગાડવા શકુડીએ તુક્કો અજમાવ્યો. એક ફૂંક મારીને ભમરો તો એણે જાતે જ ભગાડી દીધો, પણ દુષ્યંતના હાથમાં હજારની નોટ પકડાવીને શકુ બોલી, ‘‘મારે તમારૂં બીજું તો કોઇ કામ નથી. પણ મુંબઈની ગુજરાત મૅલનું રીઝર્વેશન મળતું નથી…એ લાવી આપો, તો આજથી શકુ તમારી…!’’

એ વાતને આજે હજારો વર્ષો વીતી ગયા. દુષ્યંત હજી પાછો આવ્યો નથી. શકુડી લટકી. કહે છે કે, પ્રિયંવદાએ પૉલિટિકસ રમીને શકુડીનો કાંટો કાઢી નાંખ્યો હતો….આજે એનો પ્રતાપીપુત્ર જડભરત સિંહના દાંત ગણતો ઇન્ડિયા-ટીવીમાં જોવા મળ્યો હતો.

સિક્સર

– સંજય દત્તે પોતાની વાઇફ માન્યતાને રૉલ્સ રોઇસ કાર ભેટ આપી. આપણે આપણી વાઇફોને શું આપવું જોઈએ ?

– શકોરૂં….! સંજયની અટક ‘દત્ત’ ને બદલે ‘‘પટેલ’’ હોત તો રૉલ્સ રોઇસ લીધી હોત….! આવી બેવકૂફી ન નોંધાવી હોત !

4 thoughts on “દુષ્યંત-શકુંતલા એક લવસ્ટોરી

  1. – સંજય દત્તે પોતાની વાઇફ માન્યતાને રૉલ્સ રોઇસ કાર ભેટ આપી. આપણે આપણી વાઇફોને શું આપવું જોઈએ ?
    – શકોરૂં….! સંજયની અટક ‘દત્ત’ ને બદલે ‘‘પટેલ’’ હોત તો રૉલ્સ રોઇસ લીધી હોત….! આવી બેવકૂફી ન નોંધાવી હોત !

    I agree… Bapu, bau jordar ane unchi lavya… Patel hot to ene ek DOBU (Bhes) bhet ma aalyu hot…

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.