હમ ચીજ બડી હૈ ભ્રષ્ટ ભ્રષ્ટ !

લેખક : જય વસાવડા

રાજકોટના રેસકોર્સ ચોકમાં એક બૂઝર્ગ મેલાઘેલાં કપડાં સાથે સાઇકલ પર છાપા-મેગેઝીન રાખીને વેંચે છે. સાચવીને અખબારો પ્લાસ્ટિકમાં રાખે, અને ઉંમરને લીધે ચહેરા પર પડેલી કરચલીઓ કરતાં વઘુ બોજ સાઇકલ પર ખેંચીને મધરાતે રવાના થાય. ત્રણ રૂપિયાના છાપામાંથી એમને તો ત્રીસ પૈસા મળતા હશે. નિવૃત્ત થઈ આરામ કે ઇબાદત કરવાની ઉંમરે એ વૃદ્ધ માણસ મહેનત કરીને, જાત ઘસીને પેટિયું રળે છે. એક વખત અખબાર લીધા પછી ‘એક રૂપિયો છૂટો શું માંગવો’ વિચારીને ચાલતી પકડી ત્યારે પાછળ દોડીને આવીને જેમ-તેમ કરી શોધેલો એક રૂપિયાનો સિક્કો એમણે હાથમાં પકડાવ્યો. કોઇ ફિલ્મી ડાયલોગ એમની જબાન પર નહોતા, પણ આંખોમાં એક ટમટમિયું હતું ‘હરામનો રૂપિયો કેમ પચે ?’

૭૨ વર્ષે અન્ના હજારે લોકપાલ બિલ માટે ગાંધીચીંઘ્યા માર્ગે જનજાગૃતિ ફેલાવવા ઉપવાસ પર બેઠા, ત્યારે આવા કેટલાય નાગરિકોના પેટ કાપીને એમના હકના પૈસા ચાવી ગયેલા નેતાઓ – બાબુલોગની કાજળકોટડીમાં આવું જ નાનકડું કોડિયું પ્રગટયું હોય -એવું લાગ્યું. પ્રજાએ તો ઉમંગથી એમાં તેલ પૂરવાનું શરૂ કર્યું છે. દુષ્યંતકુમાર જાણે લલકારી ઉઠ્યા…

એક બૂઢા આદમી હૈ મુલ્ક મેં, યા યૂં કહે

ઇસ અંધેરી કોઠરીમેં રોશનદાન હૈ !

‘રંગ દે બસંતી’ જેવી ફિલ્મ કેવી રીતે લખી, એની સર્જન પ્રક્રિયા સમજાવતા લેખક કમલેશ પાંડે (તેજાબ) એ એક હૈયાસોંસરવી નીકળી જાય, એવી અંગત ધૂટન લખી હતી. પાંડેજી કહે છે – અમે નાના હતા ત્યારે એક વખત વડાપ્રધાન નહેરૂએ એક તાળીમાર પ્રવચનમાં કહેલું કે ‘ભ્રષ્ટાચારીઓને વીણી વીણીને વીજળીના થાંભલે લટકાવી દેવામાં આવશે ! અમને બાળસહજ રોમાંચ થયો. પછી દિવસો સુધી શાળાએથી ઘેર પાછા ફરતા અમે રસ્તા પરના બધા થાંભલાઓ જોયા કરતા. પણ કોઇ ભ્રષ્ટાચારી લટકતો જોવા ન મળ્યો. નેહરૂ પછીના પાંચ દાયકે એમની ચોથી પેઢી આવી ગઈ, પણ હજુ યે આ સવા અબજના દેશમાં એક પણ ભ્રષ્ટાચારી થાંભલે લટકતો જોવા મળ્યો નથી.

પાંડેજી, એવું જે દિવસે જોવા મળશે – ત્યાર પછી ભ્રષ્ટાચાર આ દેશમાં જોવા નહિ મળે ! કમનસીબે, ભારત એક જ એવો દેશ નથી કે જ્યાં ભ્રષ્ટાચાર હોય, પણ ભારત એક જ એવો દેશ છે, જ્યાં એનો જોઇએ તેટલો ચચરાટ કે આકરી સજાનો અમલ નથી ! આર્થિક ગુનાને અહીં પ્રતિષ્ઠા માનવામાં આવે છે, અને પ્રેમ કરવાવાળાઓને જીવતા સળગાવી દેવામાં આવે છે ! ઓફિશ્યલ સિક્રેટ એક્ટ અહીં સિક્રેટનો નહિ, પણ ઓફિસરોના રક્ષણ માટે બનાવવામાં આવ્યો છે ! હોસ્પિટલો અહીં વધે છે, પણ હેલ્થ નથી વધતી – એમ કાયદાઓ વધે છે, ન્યાય નથી વધતો ! અહીં ગવર્નમેન્ટસ છે, ગવર્નનન્સ નથી !

નળ છે, પાણી નથી. મોબાઇલ છે, નેટવર્ક નથી. વાયર છે, કરંટ નથી. ટ્રેન છે, ટિકિટ નથી. કોલેજ છે, એડમિશન નથી. વાંચન છે, જ્ઞાન નથી. ફિલ્મ છે, મનોરંજન નથી. રસ્તા છે, ટ્રાફિક સેન્સ નથી. ટીચર છે, એજયુકેશન નથી. મંતવ્ય છે, સત્ય નથી. ફલેટ છે, વ્યાજબી કિંમત નથી. પોલીસ છે, ભય નથી. યોજનાઓ છે, બજેટ નથી. બજેટ છે, અમલ નથી ! નેતા છે, નેતૃત્વ નથી. રેડ રોઝ છે, રોમાન્સ નથી. ટીવી છે, કવોલિટી પ્રોગ્રામ્સ નથી. ખેલાડીઓ છે, ચંદ્રકો નથી. અધિકારીઓ છે, અધિકાર નથી. મેરેજ છે, કમિટમેન્ટ નથી. શબ્દો છે, સચ્ચાઇ નથી. આઝાદી છે, અનુશાસન નથી. સ્વતંત્રતા છે, સ્વચ્છતા નથી. બુદ્ધિજીવીઓ છે, બુદ્ધિ નથી. આશ્રમ છે, પરિશ્રમ નથી. સંત છે, સત નથી. ધાર્મિકતા છે, ધર્મ નથી. અભિમાન છે, સંશોધન નથી. ઇન્ડસ્ટ્રીઝ છે, ઇનોવેશન નથી. ડ્રીમ્સ છે, ડેડિકેશન નથી. શિખામણો છે, શીખવાની વૃત્તિ નથી. ભૂખ છે, ભોજન નથી. ત્યાગ છે, વૈરાગ નથી. બાળકો છે, બચપણ નથી. પૂજાપાઠ છે, પ્રાર્થના નથી. સ્ટાઇલ છે, સ્માઇલ નથી. બ્યુટી પાર્લર્સ છે, બ્યુટી નથી. ભૂતકાળનું ભણતર છે, ભવિષ્યનું ચણતર નથી. વસતિ છે, નાગરિકો નથી. બંધારણ છે, એકતા નથી. ઉપદેશ છે, દેશ નથી ! સમાજ છે, સમજ નથી. માનતા છે, સમાનતા નથી !

એટલે સરકાર કડક પગલાના આદેશો આપે, ત્યારે એ પગલાઓ એટલા બધા કડક હોય છે કે ઢીલા પડે તો ઉપડે ને ! ગરીબી હટાવવાની વાત કરે, ત્યારે ગરીબી તો હટે છે – પણ નવસવા નેતાઓ અને તંત્રવાહકોની ! કાળાબજાર તો ભ્રામક શબ્દ છે. કારણ કે આખું બજાર કાળા નાણાથી તો ઝગમગ ઉજળું છે. આગેવાનો ચિંતા કર્યા કરે છે, દેશવાસીઓની ચિતા બળ્યા કરે છે !

આવા વાતાવરણમાં લોકપાલ બિલનો ગોવર્ધન ટચલી આંગળીએ ઉંચકવા અન્ના હજારે નીકળ્યા, તો આપણે ગોવાળિયાઓ લાકડી લઇને ઉભા તો રહી ગયા. મગર કભી મુખડા દેખા હૈ દર્પન મેં ?

* * *

ભ્રષ્ટાચારના બે મૂળિયા છે. ઇકોનોમિકલ અને સાયકોલોજીકલ. કોઇ પણ ભ્રષ્ટાચારની શરૂઆત અછતથી થાય છે. માંગ વઘુ, પુરવઠો ઓછો એટલે ભ્રષ્ટાચાર શરૂ ! સીટ લિમિટેડ છે સ્ટેડિયમમાં, અને પ્રેક્ષકો પારાવાર છે – તો ટિકિટના કાળાબજાર થવાના. સ્કૂલમાં એ જ કારણથી ડોનેશન માંગવાનું થવાનું. વસતિ વિસ્ફોટ આપણો ભયાનક છે, એટલે ઉત્પાદન કદી બધા સુધી પહોંચવાનું નથી. માટે જેમની પાસે વઘુ પૈસા, એમનો વઘુ ભોગવટો. હજારેએ વડાપ્રધાનને – લખેલા પત્રમાં ચીંટિયો ભર્યો હતો, તેમ અહીં અબજોપતિઓ માટે પોલીસ સ્ટેશનો નથી. અછત દૂર કરો, તો નીચલા સ્તરે ભ્રષ્ટાચાર દૂર થાય. સોનાની કૃત્રિમ અછતે દેશભરમાં સોનાની દાણચોરીની ગુનાખોરી સર્જી હતી. ડિટ્ટો લેન્ડ માફિયા. સોનું કાનૂની ચુંગાલમાંથી મુક્ત થયું, સ્મગલિંગ ખતમ. ડિટ્ટો ઇલકટ્રોનિક ગેજેટ્‌સ.

પણ મોરલ કરપ્શનનો ઉકેલ નથી. સંસ્કૃતમાં કહેવાયું છે તેમ તૃષ્ણા તળિયા વિનાનું પાત્ર છે. અછત દૂર કરવા માટેનો એકશન પ્લાન જે લોકો અમલ કરે છે, એ નવા ભ્રષ્ટાચારીઓ બને છે. દરેક મહાત્મા ગાંધીએ રચેલી બુનિયાદ પર કોઇ ને કોઇ ઇન્દિરા ગાંધી પોતાનો મહેલ ચણે છે. ભારતમાં ભ્રષ્ટાચારની ભરતી ઇન્દિરાના કાર્યકાળમાં થયેલી, કારણ કે એ મજબૂત મનોબળની મહિલાને સત્તા સિવાય બીજો કોઇ સિદ્ધાંત નહોતો. એમની સિદ્ધિઓ માટે સલામી સાથે આ વિષવૃક્ષના વાવેતરને પણ સ્વીકારવું પડે. એ અગાઉ અંગ્રેજોએ વારસામાં આપેલા વહીવટમાં નીચલા સ્તરે બેફામ ભ્રષ્ટાચાર નહોતો. બીજા અન્યાયો હતા, પણ ફરજપરસ્તીમાં ગુટલી આટલી હદે નહોતી.

પણ આઝાદી વખતની ખુદ્દારી અને અભ્યાસુવૃત્તિવાળી પેઢી સ્મારક બનતી જતી હતી. સ્વતંત્રતા બાદ પ્રજાના સેવકો એવા બ્યુરોક્રેટસ પ્રજાના સાહેબો બની ગયા, અને અંગ્રેજોની સીધી નકલ (જોહૂકમીની) કરી. ભ્રષ્ટાચારના મુદ્દે વારંવાર સમાજવાદ અને ગાંધીવાદની દુહાઈઓ દેનારા બાળાભોળાઓએ યાદ રાખવું જોઈએ કે એ અવાસ્તવિક આદર્શોનો અમલ કરવા જતાં જ સમાજ દંભી અને પ્રમાદી બનતો ગયો. ભ્રષ્ટાચારી માનસિકતાનો જન્મ ભિખારી અને ભૂખડી બારશ બનેલા અભાવોમાં પીડાતા અને ઉંચી ઉંચી વાતોના મહોરાં ચડાવતા દેશે આઝાદી પછીના બે દસકામાં જ કર્યો હતો. ગાંધીજી સહિત એ સમયના અનેક નેતાઓ આચરણમાં અણિશુદ્ધ એવા પ્રામાણિક દેશભક્ત હતા. એમના વ્યકિતગત વિરાટ કદની નીચે નીતિ-પઘ્ધતિઓનું વામણાપણું વર્ષો સુધી દબાયેલું રહ્યું. આજના ગ્લોબલાઇઝેશનમાં ભ્રષ્ટાચારનું કેન્સર મિડિયાને લીધે વઘુ મેગ્નિફાય થયું છે. પણ એનો આરંભ ૧૯૯૧ પહેલાનો છે. ડિજીટલયુગ અગાઉનો છે.

જનતા સામાન્ય માણસોની બનેલી હોય છે, સાઘુજનોની નહિ. સિત્તેર-એંશીના દાયકામાં જુવાની વીતી ગયા બાદ અવસ્થા થતાં હઠીલા રોગોએ ફરી ઉથલો માર્યો. કોરી સૂફિયાણી વાતોથી લોકોનું પેટ ભરાયું નહોતું. જ્ઞાતિવાદથી લઇને ધર્મઝનૂન વધતું ચાલ્યું. સાચું કહેનારાને સુગરીનો માળો પીંખી નાખતા બંદરોની જેમ પ્રજાએ હડઘૂત કર્યા. આખો સમાજ પલાયનવાદી બન્યો. ફોરેનમાંથી બેઠ્ઠી નકલ કરી ઉઠાવાયેલી ફોર્મ્યુલા ફિલ્મો અને એવા જ ફોર્મ્યુલાસ્ટિક ધાર્મિક એન્ટરટેઇનમેન્ટ પાછળ પીડા ખંખેરવા ભૂરાંટો થતો ગયો. ઓલરેડી ટાંટિયાખેંચ, દગાખોરી, હૂંસાતૂંસી, ઇર્ષા, પોતાનાને પછાડવાનો અહમ- આ બઘું તો મહાભારતકાળથી આપણા જીન્સમાં હતું જ. એની ઉપરનો શાસનનો ‘ચેક’ આ ગાળામાં ઉઠતો ગયો. આપણે એ સત્ય સ્વીકારી ન શકયા કે લગભગ આપણી સાથે જ નવા નાકે દિવાળી કરનારા જાપાન, કોરિયા, ચીન, મલેશિયા, જર્મની, તાઇવાન, હોંગકોંગ, સિંગાપોર – આ બધા કરતા પ્રગતિમાં આપણી ‘મેરા ભારત મહાન’ની ખોટી ગળચટ્ટી વાતો સિવાય કશું નક્કર પ્રદાન ન હોવાને લીધે પાછળ હતા. છેલ્લા સો વરસમાં લાઇફ ચેન્જીંગ કહેવાય એવી કોઇ પ્રોડકટ કે શોધ આ ભવ્ય દેશ પાસે દુનિયાને બતાવવા નહોતી. સ્પોર્ટસથી સિનેમા સુધી ક્રિએટિવિટીનો દુકાળ હતો (હજુ ય છુટાંછવાયા માવઠાંને બાદ કરતા છે).

માટે અભાવો અને હતાશાથી પીડાતો નિષ્ફળ દેશ ભ્રષ્ટ થતો જ ગયો. નૈતિક ભ્રષ્ટાચાર એ અંતે તો માનસિક દુર્બળતાની નિશાની છે. જે ‘વીક’ હોય, એ પ્રલોભનોમાં વઘુ ઝડપથી ‘કરપ્ટ’ થઇ શકે ! ગોખણપટ્ટીના શિક્ષણને આખી દુનિયાએ ફગાવ્યું, આપણે હજુ એમાં જ ક્રાંતિ કરી શકતા નથી ! આપણી વૃત્તિ ‘જુગાડ’ની છે. સેટીંગ ની છે. પારદર્શક અને ઝડપી ન્યાય માટે સતત સહન કરતો આખો દેશ એક અવાજે ગર્જે, એને બદલે બધા જ જજને ફોડવાના કે કાયદાની છટકબારીઓ શોધીને વકીલોના ગજવા ભરવાના કોઠાકબાડાના એક્સ્પર્ટ થઇ ગયા ! સંયમી અને સહિષ્ણુ બનવાની ધાર્મિક ઠોકમઠોકના અતિરેકે આખા ભારતને લગભગ નપુંસક બનાવી દીઘું છે. કષ્ટો સહન કરવાને આપણે ભકિતનો ભાગ સમજીએ છીએ !

આપણે બધા જ કાળાબજારિયાઓ છીએ. અન્ના હજારે સાથે જોડાવા ટીવી- ઇન્ટરનેટ પર કૂદાકૂદ કરનારાઓમાંથી નેવું ટકા વર્ગ પોતાના કે સંતાનોના એડમિશન માટે લાઇનમાં ઉભો રહી જાય છે. ફી ચૂકવતી વખતે ‘ઓન’ના પૈસા આપે છે. ટીચરની ભરતી કે પગારમાં કરપ્શન છે કે નહિ, એ સંચાલકોની આંખમાં આંખ નાખીને પૂછી શકતો નથી. બચપણથી શિક્ષણના નામે બાળકોને ભ્રષ્ટાચારના પહેલા પાઠ ભણવાની અનુભૂતિ થઇ જાય છે. મૉરાલિટી શીખવા માટેની આપણી એન્ટ્રી જ કરપ્ટ છે ! તમામ યુનિવર્સિટીઝ ભ્રષ્ટાચારનું પોલ્ટ્રી ફાર્મ બની ગઈ છે. ભણતી વખતે પરીક્ષામાં પાસ થવાના ‘શોર્ટ કટસ’ શીખવાડતા ટયુશન્સ ધમધમે છે. એટલે લોકપાલ બિલ (મૂળ તો અંગ્રેજી કોન્સેપ્ટ ‘ઓમ્બ્ડસમેન’નું રાબેતા મુજબનું દેશી વર્ઝન) શું છે, એ જાણવાની તસદી વિના અન્ના હજારે નામની ગાયનું પૂંછડુ પકડી સાત્વિકતાનું સ્ટિકર લલાટે લગાડીને વૈતરણી નદી પાર કરનારાઓ રાતોરાત ફુટી નીકળ્યા છે. જે લોકો જૂઠ બોલવામાં નફ્‌ફટ નાકકટ્ટાઓ છે, અને નૈતિકતા સાથે જેમને ન્હાવાનિચોવવાનો ય સંબંધ નથી – એવા લોકો ય હજારેની સફેદીની ચમકાર એમની કાળી માનસિકતાને ગંગાસ્નાનની જેમ ધોઇ નાખશે – એમ માની હૈસો હૈસો કરે છે. યંગસ્ટર્સ માટે આ ય એક એકસાઇટીંગ મેચ છે !

શિક્ષણમાંથી જ શોર્ટ કટના ફાયદાઓ શીખતો ભારતીય સમાજ રાજકારણીઓને ચૂંટતા પહેલા જ ભ્રષ્ટ કરે છે. સેન્સર બોર્ડની માફક ચૂંટણી પંચના ચૂંટણીપ્રચારના ખર્ચના નિયમો જ અવાસ્તવિક છે અને પ્રાગ્‌ઐતિહાસિક છે. ગમે તેવા નિષ્કલંક ઉમેદવારો (નહિ તો એનું કામ સંભાળતા હજુરિયાઓએ) એમાં લખેલા આંકડાઓ બહારનો ખર્ચ કરીને ચૂંટણી લડવી પડે છે. ‘સારા માણસ’ ને રાજકારણના દરવાજે ડોર બેલ વગાડવામાં જ કરપ્શનનો વાઇરસ વળગી પડે છે. પાર્ટી ફંડ ખાતર કોર્પોરેટસ સામે મુજરો કરવો પડે છે. ફેડરલ (સમવાય) ડેમોક્રસીમાં કોઇ રાજકીય પક્ષમાં આંતરિક લોકશાહી રહી નથી. એટલે ઓબામા-હિલેરી વચ્ચે ઇન્ટરનલ ઇલેકશન થાય – એવું કશું અહીં થતું નથી. દરેક પક્ષના ‘હાઇકમાન્ડ’ ની મુન્સફી મુજબ ટિકિટો મળે છે. અર્થાત્‌, રાજકારણમાં આગળ વધવું હોય તો ખુશામતખોરી, ભેટ સોગાદો, સ્ટંટબાજી, જૂઠી નારાબાજી, કદમબોસી, અસત્ય સામે અંધાપો કેળવીને ખામોસ રહેવાની શિસ્ત – આ બઘું ગળથૂથીમાં પીવું પડે છે. સેવા- સત્વશીલતાની મૂર્તિ જેવા અપવાદો મેયર કે વાઇસ ચાન્સેલર બને તો સરિયામ નિષ્ફળ જ જાય છે. સાધનશુદ્ધિના ગાંધીયન આદર્શ મુજબ આજે જીવવું હોય તો એક વરસમાં આપઘાત કરી લેવો પડે, નહિ તો બીજા જ વરસે તમારું ખૂન થઇ જાય ! કાળા નાણાનું દાન અમે સ્વીકારતા નથી એવું એક ધર્મ સ્થળ આ લખવૈયાએ આયુષ્યના સાફ ત્રણ દાયકામાં જોયું નથી !

બાકી જે બોલકો, ભ્રષ્ટાચારની બળતરા કરતો શિક્ષિત મઘ્યમવર્ગ છે, એણે ફરજીયાત ટેક્સની નાની-મોટી ચોરી કરવી પડે છે. જેમને ટેક્સ આપાવનો છે – એ શેતાનો પોતાના સંતાનોને વિદેશ મોકલવા એ હડપ કરી જવાના છે, તેની પૂરી ખાતરી પછી આમ આદમીને ટેક્સ દેવાનો ઉમળકો જ શી રીતે થાય ? અને ટેક્સની ઇન્દ્રજાળને લીધે ઘમા અબૂધોએ તો રીતસર નિષ્ણાતો કહે તેમ ‘મત્તુ’ જ મારવું પડે છે. ગ્રામીણજન પણ કંઇ પાછળ નથી. વીજળીની ચોરી કરે છે, અને ખુમચાવાળા તો ટેક્સ ભરવાની પરવા જ નથી કરતા ! એક સિમ્પલ પણ એસિડિક સત્ય છે. ભારતમાં જે કોઇ માણસ ગમે તેવું નાનું કે મોટું ઘરનું ઘર ખરીદે, એણે કમને ભ્રષ્ટાચારી થવું જ પડે છે. એબ્સોલ્યુટ વ્હાઇટ મનીથી અહીં મકાન જ ન મળે (કે વેંચાય) ત્યાં ઇમાન ક્યાંથી મળે !

ગણ્યાગાંઠયા અપવાદોને બાદ કરતા ભ્રષ્ટાચાર સામેનો આપણો જંગ સિલેકિટવ છે. જયાં આપણને ન નડે, એ સિવાય બધી જગ્યાએથી ભ્રષ્ટાચાર જવો જોઈએ. જયારે આપણે મુસાફરી કરવી હોય, ત્યારે લાંચથી બર્થ મળે તો ચાલે, બાકી કાળા બજાર ન જોઈએ. આપણી કાર લઇને ચાલીએ તો ટોલ ન ભરીએ બાકી સરકાર કરોડોનો ટોલ – અઘ્ધરતાલ ભલે ઉઘરાવે. આખો દેશ પવિત્ર બની જાય, ફકત મારે ચાલવુ હોય એટલી કેડી ભ્રષ્ટ રહે તો હું સડસડાટ દોડી શકું. બધા પોતાને નડતો હોય એવા જ ભ્રષ્ટાચાર સામે (શાકભાજીના ભાવથી જંત્રીના કાયદા સુધી) કોલાહલ કરે છે. એટલે એનું કૂચગીત (માર્ચ સોંગ) બનતું નથી. સીસ્ટમની સફાઇ થતી નથી. લોકપાલ બિલ હજારેના સૂચન મુજબ આવે એ અનિવાર્ય છે. પણ સીવીસી, ચૂંટણી પંચ, કેગના અનુભવ પછી કહી શકાય કે શીબૂ સોરેનોને અને એ. રાજાને ચૂંટતા મતદારો નહિ બદલાય ત્યાં સુધી લોકપાલ પર ખેતરપાળદાદા ન મુકવા પડે તો સારું !

ઝિંગ  થિંગ !

‘અન્ના હજારે જેવા લોકોએ એટલે ઉપવાસ કરવા પડે છે કે શરદ પવાર જેવા લોકો વઘુ પડતું ખાઇ ગયા છે !’

ઘીરેન દેસાઈ