ક્રિકેટ કા કારવાં ગુજર ગયા… ગુફતગૂ કા ગુબાર દેખતે રહે!


લેખક: જય વસાવડા

વિશ્વકપ પછીના છૂટાછવાયા નિરીક્ષણોનું નમકીન ચવાણું! 

વર્લ્ડ કપ પુરો થઇ ગયો, પણ એની વિકટરીનો હેંગઓવર હજુ સેટલ થયો નથી. સર્વત્ર જયજયકાર વચ્ચે મિડિયા ટીપેટીપું નીચોવી રહ્યું છે આપણા રક્તકણોની સાથે શિરા અને ધમનીઓમાં ફરતા ક્રિકેટકણોનું! ત્યારે મેચ જોતાં જોતાં મન્ચીંગ ચાલતું હોય એવી વાતોના બુકડા ભરીએ!

(૧) બારહવાં કૌન?

ભારતીય ટીમની વિશ્વકપ ૨૦૧૧ની આખી યાત્રા ઘ્યાનથી જુઓ, તો ખ્યાલ આવી જશે કે એમાં ઇલેવનની સાથે જ કોઇ સુપરનેચરલ પાવર પણ રમી રહ્યા હોય એવું લાગે! મુઠ્ઠીભર રેશનાલીસ્ટોને આ વાતનો વિરોધ કરવાનું મન થાય, તો એમણે સચીન, હરભજન, યુવરાજ સઘળાનો વિરોધ કરવો પડે. મેચ પછી યુવરાજે પોતાનું બેટીંગ- બોલિંગ માં ચમત્કારિક ફોર્મ ગુરૂજીના ચરણે સમર્પિત કરી, મેન ઓફ ધ સીરિઝ એવોર્ડ લેતી વખતે તેમના માટે રમ્યો હોવાની ઘોષણા કરી હતી. હરભજન યાદ પણ ન રહે એટલા નામો બોલી ગયો હતો. સચીને તો ગોડને રાબેતા મુજબ યાદ કર્યા જ.

ભારતીય ક્રિકેટના ગોડ સચીનનો એક ઓછો જાણીતો કિસ્સો છે. ગ્વાલિયરમાં ચાલીસેક વરસની ઉંમરના એક ભાભીજી સચીનના માનેલા બહેન છે. તેરેક વરસ પહેલાં મળેલા આ બહેનને સચીન પોતાના માટે ભાગ્યશાળી માને છે. એમને હાજર પણ રાખે, અને ત્યાં પોતાને કોઇ રકમ મળી હોય તો ભેટ પણ આપી દે! ગ્વાલિયરમાં ૨૦૦ રન કરવાનો વન-ડે વર્લ્ડ રેકોર્ડ કરીને ટીકાકારોની બોલતી બંધ કરતા પહેલાં પણ એવા અહેવાલો હતાં કે સચીનની પત્ની અંજલિએ ખાસ આ ‘નણંદ’ને ફોન કરી કશુંક મોટું કામ આ વખતના મેચમાં થાય, એવી પ્રાર્થના કરવાની વિનંતી કરી હતી!

ભારતીય ટીમના મોટાભાગના સભ્યોએ જીતનો યશ પ્રભુચરણે કે ગુરૂચરણે સમર્પિત કર્યો છે. યુસુફ પઠાણ પણ પિતાની છત્રછાયામાં મસ્જીદના શ્રદ્ધાળુ વાતાવરણમાં મોટો થયો છે, અને ટીમને ખાતર કદાચ દાઢી વધારવાની માનતા રાખી હોય, તોય નવાઇ નહી. દોઢડાહ્યા બૌદ્ધિકો ક્રિકેટની ચર્ચામાં ઇશ્વરની વાત કોઇ લઇ આવે તો છળી મરે છે. પણ ખુદ ક્રિકેટરો જ ઇશ્વરને યશ આપે છે, તેનું શું?

આસ્થા ક્રિકેટની માફક જ ભારતીયોના લોહી, માંસ, અસ્થિ, મજ્જા, ચેતાતંતુમાં એકાકાર બાબત છે!

(૨) દિઉડી માતાજી સત્ય છે!

‘હેલો હાય છોડીએ… જય માતા દી’ બોલીયે વાળા ગુલશનકુમારે એકલે હાથે વૈષ્ણોદેવીની નેશનલ બ્રાન્ડ પોઝિશનીંગ કરેલી, એ ભાવિકો ભૂલ્યા નહી હોય. પોતાના પ્રેમલગ્નને પણ મિડિયાથી છુપાવનાર મહાકેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અંગત બાબતોમાં ખામોશ ઇન્સાન છે, બાકી અડઘું ભારત ધોમધખતા ઉનાળામાં કાશીને બદલે રાંચીની જાત્રા કરવા દોડતું હોત! કારણ કે ભારત વિશ્વકપ જીતી લાવ્યું, એમાં લિટરલી ‘સિંહ’ ફાળો ધોની જેનો પરમ ભકત છે, એ દિઉડી માતાજીનો છે-એ માનો યા ના માનો, કબૂલવો પડે!

નેશનલ હાઇવે એન.એચ. ૩૩ પર રાંચી-જમશેદપુર રોડ પર દિવરી નામના નાનકડા ગામમાં જૂનવાણી અને જર્જરિત એવું પથ્થરનું એક સાદુ મંદિર છે, જે ‘દિઉડી’ માતાજીનું મંદિર કહેવાય છે. વાયકા એવી છે કે સોળ ભુજાઓવાળા દુર્ગાનું એક તાંત્રિક સ્વરૂપ જયાં પૂજાય છે, એ દિઉડી મંદિરે સમ્રાટ અશોક પણ પ્રાર્થના કરવા આવતા! ધોની ૧૪ વર્ષનો હતો ત્યારે દોસ્તોની ટોળી સંગાથે બાઇક પર ત્યાં જઇ ચડેલો. અચાનક એને જે કોઇ અનુભૂતિ થઇ તે, પણ મિતભાષી એમએસે ઇન્ડિયા ટુડેને આપેલા એક નાનકડા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કહેલું કે ‘હું આજે જે કંઇ છું, એ માતાજીના પ્રતાપે છું!’

એટલું તો ચોક્કસ કે ધોનીની ભારતીય ક્રિકેટમાં પ્રગતિ આશ્ચર્યજનક જ નહી, તાર્કિક રીતે ગળે ન ઉતરે એવી રીતે થઇ છે. ટેકનિકલી આજેય ધોની બેસ્ટ વિકેટકીપર નથી. પણ એને ભારતમાં વિકેટકીપર તરીકે રમવાનો ચાન્સ મળ્યો. ૨૦૦૭માં ભૂંડે હાલ ભારત વિશ્વકપમાંથી ફેંકાયા બાદ અચાનક જ જુનિયર ધોનીને બી ગ્રેડની ટીમની આપોઆપ કેપ્ટનશીપ મળી અને મેનેજર લાલચંદ રાજપૂત કે બોલર જોગીન્દર શર્મા જેવાઓના સહારે ટવેન્ટી ટવેન્ટી વર્લ્ડ કપ જીતીને ધોની રાતોરાત જામોકામી વનડે કેપ્ટન થઇ ગયો! ગાંગુલી, દ્રવિડ, કુંબલે બધા જ બાજુએ રહી ગયા! કુંબલેની ચાલુ સીરિઝના રિટાયરમેન્ટ પછી ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે સફળ ટેસ્ટ કેપ્ટન બન્યો. આ ધોનીધન્ય વર્લ્ડ કપમાં લગભગ દરેક મેચમાં ધોનીએ મેચ ગુમાવી દઇએ એવા ભૂલભર્યા નિર્ણયો લીધા. પઠાણ-અશ્વિનને ડ્રોપ કરવાથી નેહરા- શ્રીસંતના સિલેકશન સુધી, એની ખુદની બેટીંગ ફાઇનલ સુધી ડામાડોળ હતી. પણ એકલા ઝાહિર ખાનના જોરે ડગુમગુ ચાલતી ટીમે પ્રભુત્વવાળી બોલિંગ કરી! સેહવાગ- સચીન વિના યુવરાજ-ધોની સ્ટાર થઇ ગયા! જાણે ‘હેન્ડ ઓફ ગોડ’ જેવો કોઇ અદ્રશ્ય હાથ અવળાં પાસાને ચમત્કારીક રીતે સવળો કરતો હોય અને ધોની માને જ છે કે દિઉડી માતાજીના આશીર્વાદે કપ અપાવ્યો છે!

જસ્ટ થીંક. આખી દુનિયામાં તમારી તસ્વીરો છપાવવાની હોય, અરે, જે તસવીરો હંમેશ માટે અમર બની દાયકાઓ માટે રિપ્રિન્ટ થવાની હોય, એ વખતે તમે અવનવી હેરસ્ટાઇલના શોખીન હોવા છતાં માથે સફાચટ મૂંડન કરાવો ખરા? પણ કહેવાય છે કે વર્લ્ડ કપ પહેલાં સ્પેશ્યલ હેલિકોપ્ટરમાં બેસી ધોની માતાજીના મંદિરે ગયો હતો, અને માનતા માની હતી. ધોનીએ ઓન રેકોર્ડ કહેલું કે વર્લ્ડ કપ માતાજી અપાવશે જ. અગાઉ આ જ મંદિરે ધોનીએ પશુબલિ આપ્યાની અફવા ઉડેલી, અને સેમીફાઇનલ પહેલાં ધોની ગુપચુપ પત્ની સાથે ‘સાક્ષી’ભાવે પૂજા કરવા ગયો હોવાની પણ ગપસપ હતી! ધોની આજે વેબ ઉપર પણ જેમની કોઇ ખાસ માહિતી ન મળે, એવા આ માતાજીના મંદિરનો કરોડોના ખર્ચે જીર્ણોદ્ધાર કરાવી રહ્યો છે, અને આવી વાતોમાં ન માનતા હોય એના માતાજીનો આ મહેન્દ્ર‘સિંહ’ ગજર્યો છે, એ ય પ્રમાણ છે! પેલો શે’ર છે નેઃ શ્રદ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ પર મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઇ!

(૪) કસ્ટર્ડ કર્સ્ટનઃ

વિશ્વકપમાં વિજેતા ખેલાડીઓના ધુઘવાટમાં આ સકસેસફુલ કોચની વિદાય દબાઇ ગઇ. ગ્રેગ ચેપલની ગરબડો પછી કર્સ્ટને જોન રાઇટની બૂક વાંચીને ભારતીય ટીમ સાથે તાલમેલ બિછાવવાનું કોચીંગ ખુદ પોતે જ લીઘું હતું. ધોનીના નસીબે એને સોફ્‌ટ સ્પોકન છતાં ભેજાબાજ કોચ મળ્યો. એક ખેલાડી તરીકે કર્સ્ટન જયારે ભારત આવતો ત્યારે એને આ દેશની અવ્યવસ્થા, ગંદકી, કર્ટસી વિનાની હોટલો, ટ્રાફિક બઘું જોઇને ભારે અચરજ થતું, અને એણે એની ડાયરીમાં આ બધા પર હસીને લોટપોટ થઇએ એવા કટાક્ષો કર્યા છે. (આપણી નબળાઇઓ આપણને એટલી હદે કોઠે પડી ગઇ છે, કે આપણને ચચરાટ તો કયાં થાય જ છે, એની ટીકાઓથી.)

પણ કર્સ્ટનને ભારતની મહોબ્બત બરાબર માણવા મળી. ઘણા સુગાળવાઓ સગવડપૂર્વક વીસરી ગયા હશે, પણ કર્સ્ટને એના ખાનગી એકશન પ્લાનમાં સ્પોર્ટસ અને સેકસ્યુઅલિટીના સાઇકોલોજીકલ રિલેશન પર કેટલીક ભલામણો- નિરીક્ષણો મૂકયા હતા. (બંદાએ તેના પર એક લેખ પણ લખેલો- સેકસ અને સ્પોર્ટસ… સૂરજ કબ દૂર ગગન સે) વિવાદો ટાળવા કર્સ્ટન તો ખામોશ થઇ ગયો. પણ ગુરૂ ગેરીનું શૃંગારિક શાણપણ યુવા ક્રિકેટરોએ અમલમાં મૂકી ‘વૈજ્ઞાનિક’ રીતે વિશ્વકપમાં વિજેતા થયા હોય, તો ય નવાઇ નહી! હીહીહી.. મર્યાદાશીલ ભારતમાં ફોરેન કોચની જરૂર ઇન્ટરનેશનલ કલાસના બનવા માટે એટલે જ પડતી હશે? ગેરીને ગ્રેગ પાસેથી એક વાત બરાબર સમજાઇ ગઇ હતી કદાચ… આ દેશમાં મીંઢુ મૌન રાખવું. જો બોલીને ખુલાસા કરો, તો તમે સાચા હો ત્યાં ય વિવાદો થયા રાખે અને ક્રિકેટને બદલે પ્રેસ કોન્ફરન્સની નેટ પ્રેકટિસ કરવી પડે!

(૪) સ્પિનર પાવરઃ

વિશ્વકપ ૨૦૧૧ને લીધે આઇપીએલના આગમન પછી પાથરણાની બાજુમાં પ્લાસ્ટિકની ખુરશી પર બેઠેલું ‘વડીલ’ એવું વનડે ક્રિકેટ ફરીને બ્યુટીટ્રીટમેન્ટથી મોડલ ઉંમર ઓછી દર્શાવે, એમ જવાન થઇ ગયું છે. સાથોસાથ અચાનક સ્પિનરોનો જીર્ણોદ્ધાર થયો છે! દંતકથામય ફાસ્ટ બોલર્સ લિલી, સરફરાઝ, રોબર્ટસ, હોલ્ડીંગ, ગાર્નર, માર્શલ, હેડલી, બોથમ, ઇમરાન, કપિલ, મેકડોરમોટ વગેરે પછી વોલ્શ, એમ્બ્રોસ, અક્રમ, વકાર, લી, મેકગ્રા, વાસ, અખ્તર, ઝાહીરની પેઢી આવી. સ્પિનરો તો વોર્ન, કુંબલે, મુરલી જેવા સુપરસ્ટાર હોય, તો જ જગ્યા મળે.

પણ માર્ટીન ક્રો દીપક પટેલ પાસે વનડેમાં ઓપનીંગ બોલિંગ કરાવતો, એ ગિમિક નહોતું- એ હવે છેક સાબિત થયું. મોટાભાગના દેશો પાસે નવા ઉત્તમ ફાસ્ટ બોલર / મિડિયમ પેસર્સનો ફાલ ઉતરતો નથી પણ દરેક ટીમમાં પ્રતિભાશાળી નવલોહિયા સ્પિનર્સ આવ્યા છે. નોકઆઉટ સ્ટેજમાં નિર્ણાયક બોલિંગ મોટેભાગે સ્પિનરોની રહી. પાર્ટટાઇમ સ્પિનરો શોધવા પડયા. સ્પિનરોએ પાવર પ્લેમાં બોલિંગ ઓપન પણ કરીને બતાવી!

હા, પણ વિશ્વકપ ૨૦૧૧નો શ્રેષ્ઠ સ્પિનર તો શાહીદ આફ્રિદી નીવડયો! એની માસૂમ બચ્ચીના આંસુ અને એના મેદાન પરના ખેલદિલ સ્મિતે ભારતીયોના દિલ જીતી લીધા. મેચ પછી પાકિસ્તાની નેતાઓ ગાંધીજીની સમાધિ પર પુષ્પહાર કરવા જાય છે, એવી અદામાં આફ્રિદીએ સૂફિયાણી વાતો ય કરી. મૂળ તો ભારતના નમાલા નેતાઓની પાકિસ્તાની ત્રાસવાદ સામેની ચૂપકિદીની હતાશા એસએમએસ કે ફોટો – કાર્ટૂનમાં પાકિસ્તાની ક્રિકેટર્સ પર (ખાલી બોલ બચ્ચન બનીને, બાકી વાસ્તવમાં પાક. ક્રિકેટરોને પાણીનું પાંઉચ પણ કોઈએ માર્યું નથી, બલ્કે તાળીઓથી વધાવ્યા છે. જયાં વાત પણ કરવાની નહોતી, ત્યાં મહેમાન ગણીને માથે ચડાવ્યા છે.) ઉતારનારા લોકો ય ભોળા ભારતીયો હોઈને ભોંઠા પડી ગયા. મેદાન બહાર આમીર – શાહરૂખ – સલમાન – સૈફ – સાનિયા વગેરે તથા મેદાન પર તો ઝહીર – મુનાફ – પઠાણે જીન્નાહની ‘ટુ નેશન’ થિઅરીના વટભેર લીરેલીરા ઉડાવી દીધા હતાં. પણ જેવો આફ્રિદી પાકિસ્તાન ગયો કે ભારતના મિડિયાને ભાંડયુ, અને ‘ઉન લોગોં કા દિલ હમારે જીતના બડા નહિ હૈ’ વળા ટિપિકલ પાકિસ્તાની કાચીંડો બની ગયો! કસાબ હજુ ય લ્હેર કરે છે, આનાથી મોટું દિલ રાખીએ તો બ્લેક હોલ બની જાય!) ઠીક છે. પણ આફ્રિદીને ભારતીય ટીવી ચેનલોને આ વિવાદ અંગે પૂછયું તો ભારત મને ગમે છે, હું મિસકવોટ થયો છું – કહી ફરી ટોપી ફેરવી! હારને લીધે દિમાગ અસ્થિર થયું હશે? અને જો પાકિસ્તાની પ્રજાના દબાણને લીધે આવું ભારતવિરોધી સ્ટેટમેન્ટ કરવું પડે, તો એમાં જ પાકિસ્તાનીની ગેરલાયકાત પુરવાર નથી થતી? યાદ રાખો, ક્રિકેટ અને આંતરિક સુરક્ષામાં ભારત વઘુ મજબુત છે, અને પાકિસ્તાન અત્યારે જગત આખાના વાંકમાં છે. એટલે વઘુ ડિસિપ્લીનથી ચાલે છે. પણ આફ્રિદી પાક્કો સ્પિનર નીકળ્યો, એ ખરૂં? રીડર બિરાદર હરેશ પંડયાના શબ્દોમાં ત્રણ વખત ગુંલાટ મારી ‘તીસરા’ ફેંકી ગયો!

(૫) સન્માન સાચું, પણ માન?

ગુજરાતની કોમી એકતા અંગે જાતભાતની ભ્રમણા ફેલાવનારાઓએ જોયું કે, ભારતની ટીમના ત્રણે જાંબાઝ સિતારા યુસુફ, મુનાફ, ઝાહીર ક્રિકેટર જ ગુજરાતમાંથી થયા છે. (મહારાષ્ટ્રીયન ઝાહીર સાત વર્ષ સુધી બરોડામાંથી રણજી રમતો!) સુભાન અલ્લાહ! ગુજરાત સરકારે મૂળ ગુજરાતી એવા યુસુફ – મુનાફને આ વખતે ભૂતકાળની ભૂલ સુધારી તત્કાળ એકલવ્ય એવોર્ડ જાહેર કર્યાં. પણ ઈનામ એમાં ફકત એક લાખ રૂપિયા છે?

બરાબર છે, સન્માન મહત્ત્વનું છે – ધન નહિ. પણ ઉદ્યોગપતિઓ માટે કરોડોની જમીન હોય અને સ્વર્ણિમ ગુજરાતના ઉત્સવમાં લાખ્ખો ખર્ચાતા હોય ત્યારે ગુજરાતના આ ઈન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર્સ માટે શ્રેષ્ઠી ગુજરાત પાસે ફકત લાખ લાખ રૂપિયા જ છે? ટેકસપેયરના મનીવાળી દલીલ ચાલે નહિ, કારણ કે ટેકસપેયર્સ પણ આમાં રાજી છે, અને આમ પણ ટેકસપેયરના પૈસા ઘણે વેડફાતા હોય છે.

એકચ્યુઅલી, જો વઘુ પૈસાથી સન્માન ન થાય, તો આ ઐતિહાસિક વિજયને વઘુ માનથી બિરદાવી શકાય. યુસુફ – મુનાફ બંને ભારે સંઘર્ષ કરી ‘રંકથી રાય’ બનવાની જીવનયાત્રા ખેડી અહીં પહોંચ્યા છે. વિદ્યાર્થીઓ જેની સાથે કનેકટ ન થાય એવા ઉપદેશના પાઠો ગોખાવવાને બદલે પાઠયપુસ્તકોમાં ગુજરાતમાં એમની મોટિવેશનલ કહાની ન ભણાવી શકાય? સ્ટુડન્ટને નજર સામે હોઇ ગળે પણ ઉતરે! એખલાસ પણ વધે જ. કે પછી ગુજરાતના સ્ટેડિયમના કોઈ સ્ટેન્ડને યુસુફ-મુનાફ નામ પણ આપી શકાય! ઈન ફેકટ, ગુજરાત ક્રિકેટ એસોસિએશને તો જામ રણજીથી દિલિપસિંહ જાડેજા, વિનુ માંકડથી સલીમ દુરાની, કરસન ઘાવરીથી દિલીપ દોશી, અને ઈરફાન, યુસુફ, મુનાફ જેવા ક્રિકેટરોનું એક ભવ્ય મ્યુઝિયમ બનાવવું જોઈએ.

ફાસ્ટ ફોરવર્ડ

‘ક્રિકેટને વઘુ રોમાંચક બનાવવું હોય તો શરાબની બોટલો મેચ પૂરા થયા પછીને બદલે શરૂ કરતી વખતે ખોલવી જોઈએ!’’ (પોલ હોગન)

આપનું મંતવ્ય જણાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.