એક શમણું નાજુક નમણું

 

(આ લેખ ૨૩.૦૧.૨૦૧૧ ના રોજ ગુજરાત સમાચાર ની on line આવૃત્તિ માં રવિપૂર્તિ માં પ્રગટ થયેલ છે. લેખ ના લેખક જય વસાવડા છે. તે મારા પ્રિય લેખક છે. )

 વન્સ અપોન અ ટાઈમ…

સૂરજનું એક કિરણ સીઘું ધરતી પર પડયું, અને એમાંથી સુવર્ણમય એક પુષ્પ ઉગ્યું. જંતરમંતર જાણતી એક ડોશીએ જાણ્યું કે રોજ આ ફુલ સામે ગીત ગાવાથી તો જુવાની ટકે છે. ચિરયૌવનવાળુ અમરત્વ મળે છે. એ મધર ગોથેલે ફુલને છુપાવી દીઘું.

પણ સદીઓ પછી એક ભલા રાજાની પ્રેગનન્ટ પત્ની બીમાર પડી. રાણીની સારવાર માટે અણમોલ દેવતાઈ ફુલ શોધવા સૈનિકો નીકળ્યા. રાણીને ફુલનો ઉકાળો પીવડાવી બચાવી લેવાઈ. રાણીએ તો પછી રૂપ રૂપના અંબાર જેવી એક રાજકુમારીને જન્મ આપ્યો. આશ્ચર્યજનક રીતે ઢીંગલી જેવી રાજકુમારીના વાળ પેલા ચળકતા ફુલ જેવા સોનેરી હતા!

ગોથેલ ડોશી પોતાની જુવાની ટકાવતા ફુલને અંગત મિલકત માનતી હતી. એ ચોરીછૂપીથી મહેલમાં આવી. નાનકડી રાજકુમારીના વાળની એક લટ કાપી. પણ કપાયા પછી વાળમાં જાદૂ નહોતો રહેતો. સદાય યુવાન રહેવાના અમર ઓરતાંને લીધે ગોથેલે પ્રિન્સેસનું અપહરણ કર્યું. દૂર એક ઊંચા ઊંચા એકદંડિયા મહેલ યાને ચીમની જેવા ટાવરમાં એને છુપાવી દીધી. રોજ એના સોનેરી વાળને લઈને ગવાતા ગીતથી એ પોતાની જુવાની ટકાવી રાખતી.

બિચારા રાજા-રાણીએ સાત ખોટની એકની એક દીકરીની યાદમાં એના જન્મદિવસે હવામાં તરતા ફાનસ ઉડાડવાનું શરૂ કર્યું. રાજાને ચાહતી આખા નગરની પ્રજા પોતાની ખોવાયેલી રાજકુમારીની યાદમાં હવામાં ફાનસ ઉડાડતી. આતશબાજીને ઝાંખો પાડે એવો ભવ્ય નઝારો આકાશમાં તેજબિંદુઓની રંગોળીનો રચાતો. જાણે તારાઓ મેઘધનુષી વસ્ત્રો પહેરીને નાચવા આવતા.

દરમિયાન રાજકુમારીનું નામ રખાયું રાપુન્ઝેલ. એ બિચારીને પોતાના કૂળ કે મૂળની કશી ખબર નહોતી. એ પોતાની જુવાનીનો પાસપોર્ટ હોઈને ડોશી એને જીવની જેમ સાચવતી. પણ એ લીલી આંખોવાળી સોનાકેશી સુંદરીને કદી ઊંચા ટાવરની બહાર પગ મૂકવા નહોતો મળ્યો. ફરતું એકાંત જંગલ હતું. રાપુન્ઝેલના વાળ મધર ગોથેલ કદી કાપતી જ નહિ. એમને એમ ઊંમર અને શરીર સાથે એના વાળ પણ વઘ્યા. ના, કમર સુધી નહિ, ધૂંટણી સુધી નહિ- એથી પણ લાંબા… છેક ૭૦ ફીટ જેટલા લાંબા! એ વાળ પર ઝૂલા ઝૂલી શકાય એવા! પેલા સૂરજના ફૂલવાળા એ વાળ અંધારામાં ચમકતા, અને મધર ગોથેલ ટાવરની ટોચે પહોંચવા દોરડાની માફક એ વાળનો જ ઉપયોગ કરતી!

બિચારી રાપુન્ઝલે મહેલને બદલે જાણે જેલમાં મોટી થઈ હતી. સાથી સંગાથીમાં એક પાળેલો કાંચીડો હતો. ન કોઈ દોસ્ત, ન કદી ઘરની બહાર જવાનું! બેઠી બેઠી પુસ્તકો વાંચતી, ગીતો ગાતી, કાગળના રમકડાં બનાવતી, બારીમાંથી આકાશને તાકતી. ઉદાસ આંખે ગાઢ જંગલનો લીલો અંધકાર નિહાળતી. લાંબા વાળને પંપાળતી, બઘું જ ઘરકામ કરતી. પોતાં કરતી, રસોઈ રાંધતી. નવરી પડે ત્યારે સમય પસાર કરવા દીવાલોને ચીતરતી. પોતાની કલ્પના, પોતાના સપના એ કોઈને કહી શકે તેમ હતી નહિ- બસ, એમ ને એમ એ પથ્થરો પર પીંછીથી વ્યક્ત કરતી!

બહારની દુનિયાદારીથી બિલકુલ બેખબર રાપુન્ઝેલની કાયા અઢાર વરસની થઈ, પણ અંદર તો ભોળી મોટી આંખોમાં કૂદતી એક માસૂમ બાળકી જ હતી. પોતાની માતા (અપહરણકર્તા ગોથેલ) પાસે એણે જન્મદિવસની એક ભેટ માંગી. જીંદગીમાં પહેલી વાર કશુંક માંગ્યું. હરખથી, આશાથી, ઉમંગથી. દર જન્મદિવસે આકાશમાં ઉડતા અજીબ ફાનસોનું દ્રશ્ય એને બસ એક વાર, જીંદગીમાં ફક્ત એક વાર બહાર- નીકળીને નીરખવું હતું. બારીના ચોકઠાંને બદલે ધરતી- આકાશના શમિયાણામાં માણવું હતું. આ એક તમન્ના હૃદયના ખૂણે સાચવીને એણે ઉછેરી હતી. રાપુન્ઝેલનું બસ એક સપનું હતું, બસ એક વાર આ રોમાંચક દ્રશ્યને સ્પર્શી શકાય એટલા નજીકથી જોવું!

મમ્મીએ કડકાઈથી ચોખ્ખી ના પાડી દીધી. બહારની દુનિયા કેવી દુષ્ટ હોય એના બિહામણા વર્ણનો કર્યા. ધમકીઓ આપી, બીક બતાવી. ખરેખર તો એને ડર હતો કે એનો ખજાનો છીનવાઈ જશે. એની સુવાંગ માલિકીનું અમરફળ ચાલ્યું જશે. ડૂસકાં ભરતી રાપુન્ઝેલના ખ્વાબ પર એણે ખેંચીને તાળું મારી દીઘું.

અને એક દિવસે (પાલક) માતા બહારગામ ગઈ, અને અણધાર્યો એક યુવાન ચોર ટપકી પડયો, રાજકુમારીનો તાજ ચોરીને ભાગતા- ભાગતા! રાપુન્ઝેલે પહેલી વાર કોઈ બહારની વ્યક્તિ સાથે વાત કરી! એનો તાજ છુપાવી લીધો, અને સ્ટાઈલિશ ચોરને કહ્યું કે એના જોઈતો હોય તો એને પેલો રંગબેરંગી ઉત્સવ જોવા બહાર લઈ જાય!

અને રાપુન્ઝેલે પહેલીવાર જીંદગીમાં ઘર બહાર પગ મૂક્યો! માળામાંથી પંખીએ પાંખો ફફડાવી. જાણે પાલતુ પોપટનું પિંજરૂ ઉઘડયું. બહારનું વિશ્વ જોઈને આશ્ચર્યથી પહોળી આંખો અને સંવેદનાથી ખુલ્લા હૃદયને લઈ રાપુન્ઝેલ તો નાચતીકૂદતી ગાવા લાગીઃ રનિંગ, રેસિંગ, ડાન્સિંગ, હેર ફ્લાઇંગ, હાર્ટ પાઉન્ડિંગ, સ્પ્લેશિંગ, રોલિંગ, સિંગીંગ… ફાઈનલી ફીલિંગ વ્હેન માય લાઈફ બિગિન્સ…

ફિર ક્યા હુઆ?

એ માટે તો આ વાર્તા વાંચવી નહિ, જોવી પડે! ડિઝની ફિલ્મ્સની ૫૦મી એનિમેશન ફિલ્મ, અને દુનિયાની બીજા નંબરની સૌથી ખર્ચાળ એવી થ્રીડી ફિલ્મ ‘ટેન્ગલ્ડ’! (મતલબ, વાળની માફક ગૂંચવયેલુ!)

* * *

મૂળ તો ઈરાનમાં ૧૧મી સદીમાં ફિરદૌસીએ લખેલા ‘શાહનામા’માં વાર્તા હતી રૂડાબાની, જેના વાળની સીડી બનાવી એનો પ્રેમી ઝાલ કિલ્લામાં આવતો. એ પરથી ૧૭મી સદીની ફ્રેન્ચ લેખિકા શાર્લોટે એક વાર્તા લખેલી પર્શિયેનેટ્ટે. જર્મનીના ગ્રીમ બંઘુઓએ લોકકથા રાપુન્ઝેલ ૧૮૧૨માં પ્રગટ કરી. મૂળ વાર્તામાં છોકરી રાજકુમારી નહોતી. ડાકણની પાડોશમાં એક દંપતી રહેતું હતું. સગર્ભા પત્નીને રાપુન્ઝેલના ફુલોનો ઉકાળો પીવાનું બહુ મન થતું. એ મળે નહિ તો મરી જઈશ એવું લાગતું. પતિ ડાકણના બાગમાં એ ફુલો લેવા ચોરીછૂપીથી ગયો, અને ઝડપાઈ ગયો. ડાકણે મુક્તિના બદલામાં જન્મનાર સંતાનની સોંપણીની શરત મૂકી. દીકરીને એ જન્મતાવેંત લઈ ગઈ, દૂરના કિલ્લામાં. જ્યાં ફરતો ફરતો એક રાજકુમાર આવે છે, રાપુન્ઝેલના પ્રેમમાં પડી એને ચોરીછૂપી મળવા આવે છે. રાપુન્ઝેલના ઉપસેલા પેટ પરથી ડાકણને પ્રેમપ્રકરણની ખબર પડી જાય છે. એ રાજકુમારને ટોચેથી ધક્કો મારતા એની આંખોમાં કાંટા ભોંકાવાથી એ ફૂટીને આંધળો બને છે. રાપુન્ઝેલના વાળ કાપી ડાકણ એને રસ્તે રઝળતી ભિખારણ બનાવે છે. વર્ષો પછી રાપુન્ઝેલના કંઠે ગવાતા ગીતથી આંધળો રાજકુમાર એને ઓળખે છે. પ્રણયના પુનઃ મિલનમાં પોતાને ખાતર અંધ બનેલા પ્રેમીને જોઈ રાપુન્ઝેલની આંખમાંથી મોતી જેવા બે આંસુડા ટપકીને ચુંબન કરતા રાજકુમારની આંખમાં પડે છે, અને ચમત્કારિક રીતે રાજકુમાર દેખતો થઈ જાય છે!

ડિઝનીના ખેરખાંઓએ મૂળ વાર્તાથી તદ્દન જુદી અને બહેતર ફિલ્મ ઘડી છે. ટેન્ગલ્ડમાં જાણે હજાર ગુલાબના અત્તર જેવી મહેક છે. હજાર ચોકલેટ જેવી મીઠાશ છે. હજાર નારંગીના જ્યુસ જેવી તાજગી છે. લાયન કિંગ, બ્યુટી એન્ડ ધ બીસ્ટ, અલાદ્દીન વગેરે પછી પિકસાર ફિલ્મ્સના ‘ટોય સ્ટોરી’થી શરૂ થયેલા ડિજીટલ એનિમેશન સી.જી.આઈ. (કોમ્પ્યુટર જનરેટેડ ઈમેજીઝ)ને લીધે ગુજરાતી મા-બાપની માફક હોલીવૂડના સર્જકો એવું માનતા હતા કે રાજા-રાણીને ચમત્કારોની ફાલતુ વાર્તાઓમાં શું બળ્યું છે, વળી? અને આઘુનિક ટેકનોલોજીવાળા સુપરહીરો ટાઈપ કે પ્રાણીઓની એનિમેશન ફિલ્મો બનતી. કાં તો પોપ કલ્ચરના રેફરન્સ અને ડાયલોગ્સની કોમેડી વાળી શ્રેક કે આઈસ એઈજ જેવી (અફકોર્સ, ઉત્તમોત્તમ!) ફિલ્મો બનતી.

પણ ‘પોપ કલ્ચર’ માં ખોવાઈ ગઈ હતી રાજકુમારીઓ અને પરીઓની હૂંફાળી દુનિયા! અને ફરી એક વાર મેગાહીટ ‘ટેન્ગલ્ડ’ના જોરે ડિઝનીએ જાણે વર્ષોથી ખોવાયેલો કોઈ કીમતી હીરો ખોળામાં રમતો મૂકી દીધો!

* * *

મૂળ તો શિલ્પી થવા નીકળેલો એક જુવાનિયો. બાપના પગલે છાપામાં કોમિક સ્ટ્રિપ પણ ચીતરે. વોલ્ટ ડિઝનીએ અનાયાસે મરતા પહેલા એને આર્ટિસ્ટ તરીકે નોકરીએ રાખ્યો. અને ડિઝનીની વિદાય પછી પણ બચ્ચાંલોગને મોજ કરાવવાની ફન એન્ડ લર્નની પાર્ટી ધમધમતી રહી. એ આર્ટિસ્ટે બુઝુર્ગ થતાં પહેલા ‘ડિઝની પ્રિન્સેસ’ના આખા વારસાની વણઝાર પસાર થતી જોઈ હતી. અહાહાહા, સ્નો વ્હાઈટ, સિન્ડ્રેલા, સ્લીપિંગ બ્યુટી, લિટલ મરમેઈડ, જસ્મીન, બેલ (બ્યુટી એન્ડ ધ બીસ્ટ), પોકોહોન્ટસ, મુલાન, છેલ્લી ટિઆના (પ્રિન્સેસ એન્ડ ધ ફ્રોગ!).

પણ સીજીઆઈની ટેકનોલોજીમાં હેન્ડ પેઈન્ટેડ એનિમેશનને સ્થાન નહોતું. જેન્નેકસ્ટ માટે ફેરી ટેલ્સ ‘ઓલ્ડી જંક’ બનતી જતી હતી. એમાં એ માણસે સિનિયર પોસ્ટ પર પહોંચી ૧૪ વરસથી મનમાં રમતા વિચારનો પડદા પર સાક્ષાત્કાર કરવાનો પડકાર ઝીલ્યો. સામા પ્રવાહમાં ચાલીને મોંઘીદાટ રાપુન્ઝેલ બનાવવાનું સપનું જોયું!

એ આર્ટિસ્ટ ગ્લેન કિઆને. ગ્લેનદાદાને કોમ્પ્યુટર એનિમેશન ફાવે નહિ. કોમ્પ્યુટર પર હાથેથી દોરેલા પાત્રો જેવા આંખો- ચહેરાના મનોભાવ આવે નહિ. અંતે ‘ટેન્ગલ્ડ’ બનાવતા પહેલા દાદાજીએ ‘બેસ્ટ ઓફ ધ બોથ વર્લ્ડ’ નામનો વર્કશોપ કર્યો. નવી પેઢીના તરવરિયા સાઈબર એક્સપર્ટસ જવાનિયાંઓને સુકાન સોંપ્યું. અને પોતે હાથેથી ચીતરેલા પાત્રોને કોમ્પ્યુટરના સહારે સજીવન કરવાનું બીડું ઝડપ્યું.

ગ્લેન કહે છેઃ ‘‘કોમ્પ્યુટરની કલાકાર ગુલામી કરે એ મને પસંદ નહોતું. આપણે જીવતા માણસો છીએ. કલાકારની ગુલામી કોમ્પ્યુટરે કરવાની હોય. જેમ પેન્સિલ એક સાધન છે, એમ કોમ્પ્યુટર એક સાધન છે. સ્વામી નથી. સ્વામી તો છે આપણું દિલ. આપણી ઈમોશન્સ અને ઈમેજીનેશન.

ઈફેકટસ તો કેક પરની ચેરી છે. પણ સંવેદના એ રિયલ કેક છે! મારી સાવ નાનકડી દોહિત્રીને એક હાથમાં તેડીને એની સામુ જોતા જોતા ‘ટેન્ગલ્ડ’ની રાપુન્ઝેલનું સર્જન કર્યું. એટલે દુનિયાનો ગમે તે ઊંમર કે દેશનો પ્રેક્ષક એની સાથે ઈન્સ્ટન્ટ કનેકશન બનાવી શકે!’’

જી હા. જીનિયસ ફિલ્મમેકર ક્વાન્ટીન ટેરેન્ટીનો પણ જેને પોતાની ઓલટાઈમ ફેવરિટ ગણે છે, એ ‘ટેન્ગલ્ડ’માં આપણે જાણે રાપુન્ઝેલ બની જઈએ છીએ! રાપુન્ઝેલ પહેલી વખત જે શિશુસહજ વિસ્મયથી બહારની દુનિયા અને નગર નિહાળે છે, એ જાણે ડિઝનીલેન્ડમાં સાચે જ આપણે ફરીને મેસ્મેરાઈઝડ થતા હોઈએ, તેનું પ્રતિબિંબ છે!

ફિલ્મમાં દરેક પાત્રોનું જીવતા માણસો જેવું ઊંડાણ છે. ખલનાયિકા મધર ગોથેલ ઓર્થોડોક્સ ઓથોરિટી જેવા ઓવર પ્રોટ્રેક્ટિવ પેરન્ટસનું પ્રતિનિધિત્વ કરે છે. જે સંતાનોને ગમાણના ગાયબળદ સમજી ખીંટીએ બાંધી રાખવા માંગે છે. પણ કુદરત દરેકને જુવાનીની સાથે આઝાદીની તમન્ના વિકસાવી આપે છે. પોતાની રાપુન્ઝેલને બંધનમાં કેદ કરતા કંઈક જલ્લાદ મા-બાપ આપણી વચ્ચે નથી? જે એમને દુનિયાને માણવા જ નથી દેતા! બિચારી મધર ગોથેલને તો ચારસો વરસની જીંદગીમાં માંડ એક જ સંગાથી મળેલી. અંતે તો દરેક ખલનાયકને કશુંક તીવ્રતાથી મેળવવાની જીદ હોય છે. એ વઘુ પડતી જીદ/મોહમાંથી જ એ વિલન બને છે. અહીં ડોશીને જુવાની જોઈએ છે. કોસ્મેટિક બ્યુટી ટ્રીટમેન્ટ પાછળ ભાગતી પ્રૌઢ મહિલાઓની માફક!

અને હીરો ફિ્લન (યુજીન)ને બેફિકર જીંદગીથી આજના ટીનેજર જેવી ખ્વાહિશ છે. ઈઝી શોર્ટકટથી ઝટ કમાઈને બસ આરામ અને જલસા કરવા છે. એ ખરાબ નથી. પણ પોતાની જાતના વઘુ પડતા પ્રેમમાં છે. (વોન્ટેડના પોસ્ટરમાં ય પોતાનું નાક સરખી રીતે ચીતરાતું નથી, એનો એને અફસોસ છે!) પણ બહારથી સુપરસ્માર્ટ, ઓવરકોન્ફિડન્ટ લાગતા છોકરાઓ અંદરથી અસલામતીથી પીડાય છે. એને ખુદને જ ખબર નથી, એને ખરેખર શું જોઈએ છે? એ દિશાહીન મસ્તીમાં જ જીવ્યા કરે છે. લાઈક ફિ્લન.

ફિલ્મમાં એક અક્ષર પણ ન બોલતા મેક્સીમસ (ઘોડો), પાસ્કલ (કાંચીડો),રાજા, રાણી પણ ઘણું કહી જાય છે. રાપુન્ઝેલ ટિપિકલ ગર્લ છે. ગમતીલી, રમતિયાળ, સ્વપ્નીલ, સંવેદનશીલ, કલાકાર, બ્યુટીફુલ! એની ફરત ેમૂંઝવણ અને માન્યતાઓનું ઘુમ્મસ છે. એની જીંદગી રૂટિનથી ‘બ્લર’ થઈ ગઈ છે. અને એ ઘુમ્મસ જ્યારે વિખેરાય છે, ત્યારે એના પ્રેમી માટે ગાય છે… નાઉ, આઈ સી યુ!

ફિલ્મમાં આવું બઘું રોમાન્સ, એકશન, ફનના પેકેજીંગમાં એવી ચટકેદાર રીતે કહેવાયું છે કે કશો ભાર ન લાગે! જાણે જીંદગી જીવવા માટે કોઈએ ફ્રેશ બ્લડ ચડાવી દીઘું હોય, એવી ફીલિંગ બહાર નીકળીને થાય છે! ફ્રેન્ચ પેઈન્ટર જીન ફ્રેન્ગોગાર્ડના રોકોકો શૈલી (૧૮મી સદી)ના પેઈન્ટિંગ્સ જેવું શબ્દશઃ દિલ ‘બાગ બાગ’ કરે એવું બેકગ્રાઉન્ડ છે અઠંગ ગુંડાઓની વચ્ચે જઈ પડતી ભોળી રાપુન્ઝેલ એમને પૂછી નાખે છેઃ તમે જીંદગીમાં કદી કોઈ એક સપનું નથી જોયું, જે પુરૂં થવાની તમને ખૂણામાં ટૂંટિયું વાળી પડેલી બટકેલી આશા હોય? મારૂં ય એક સપનું છે, આકાશની રોશની જોવાનું, મને પ્લીઝ જવા દો’ ટચી. રિયલી.

પ્રેમ કોઈ સ્પેશ્યલ ફીચરને નહિ, આખા નોર્મલ વ્યક્તિત્વને થતો હોય છે, એ અંતમાં બખૂબી રજુ થયું છે. અને જાદૂઈ વાળ ગયા પછી પણ- આંસુ ચમત્કારિક નીવડે છે, કેમ? પૂરી ઈન્ટેન્સિટીથી ભીતરમાં જે દર્દ ઉઠે, એની પીડાનું આંસુ પણ એક પવિત્ર પ્રાર્થના છે!

પણ શ્રેષ્ઠ ક્ષણ છેઃ હીરો સાથે રાજકુમારી નાવડીમાં બેસીને પેલા ફાનસ ઉડવાનો ઈન્તેજાર કરે છે. અચાનક નર્વસ થઈ એ કહે છે ‘હું અઢાર વરસથી આ શમણું ઉછેરતી હતી. બારીમાંથી જોતી હતી. સ્ટાર્સ કેવા હશે, આકાશમાં કેમ ચડશે? પણ આ ઘડીએ એવું થાય છે કે જો મેં જોયું હોય એવું એ વાસ્તવમાં નહિ હોય તો- મારૂં સપનું જ નહિ, હૃદય ભાંગી જશે. એના કરતા પાછી જતી રહું!’’

હીરો હૈયાધારણ આપે છે. રાપુન્ઝેલ પૂછે છેઃ ‘પણ સપનું પુરૂં થઈ ગયા પછી હું શું કરીશ ? મારી જીંદગી ખાલી થઈ જશે.’

હીરોઃ આ પણ મજાનું છે. ફરી એક નવું સપનું જોવાનું!

ફરીથી બચપણ જીવો, ટેન્ગલ્ડ ઇઝ સનશાઇન ફોર લાઇફ.

મુગ્ધતાનું માઘુર્ય, વિશ્વનું વિસ્મય… મહોબ્બતની મોમેન્ટસ, ખટમઘુરી પીપરમિન્ટસ!

જાણે થ્રી ડાયમેન્શનલ સ્ક્રીનમાંથી ડિઝની સ્ટુડિયોની કોઈ અદ્રશ્ય પરીએ પોતાની રૂપેરી પાંખનું પીંછુ છાતીએ અડાડયું, અને રૂંવાડે રૂંવાડે જાદૂઈ વાર્તાઓનું સોનેરી અજવાળું પથરાયું!

ફાસ્ટ ફોરવર્ડ

‘દુનિયા કાળી, સ્વાર્થી, ક્રૂર છે. જો એને ભૂલથી યે નાનકડું પ્રકાશનું કિરણ મળે, તો એને એ ખતમ કરી નાખે છે!’ (ટેન્ગલ્ડનો સંવાદ)